માજી સૈનિકો દ્વારા સૈનિક સન્માન યાત્રા યોજવાના સમાચાર હાલમાં આખા રાજ્યમાં ચર્ચામાં છે. કારણ કે 14 માંગણીઓ સાથે માજી સૈનિકો દ્વારા સૈનિક સન્માન યાત્રા યોજી છે. આ રેલી હાલમાં ગાંધીનગર ખાતે પહોંચી છે. ખૂબ મોટી સંખ્યામાં માજી સૈનિક અને પરિવારજનો ગાંધીનગર પહોંચીને પોતાની રજુઆત કરી છે. પરંતુ તેઓ સચિવાલયની અંદર પહોંચે એ પહેલાં સચિવાલયના ગેટ નંબર 1 પર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો એવી પણ માહિતી સામે આવી રહી છે.
કહેવામાં આવી રહ્યું છે કે માજી સૈનિકોને પ્રવેશ પહેલાં જ અટકાયત માટે પોલીસનો બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. માજી સૈનિકો કહી રહ્યાં છે કે, ‘જો સરકાર અમારી માંગણી નહીં સ્વીકારે તો સરકારને અમે અડધો કલાકનો ટાઇમ આપીએ છીએ.’ ત્યારે હવે જોવાનું એ રહ્યું કે આખરે સૈનિકોની માંગણી સંતોષાય છે કે કેમ. માજી સૈનિકોનું એવું કહેવું છે કે ‘જેને દેશની માટે બલિદાન આપ્યું છે એવાં માજી સૈનિકો અને વીર નારીઓને આજે કોર્ડન કરીને પોલીસ સ્ટેશન લઇ ગયા છે. ત્યારે અમે સરકારને પૂછવા માંગીએ છીએ કે તમારું આ વર્તન કેટલું વ્યાજબી કહેવાય? જો સરકાર અમારી માંગણી નહીં સ્વીકારે તો સરકારને અમે અડધો કલાકનો ટાઇમ આપીએ છીએ, નહીં તો અમે તમામે તમામ સચિવાલયની અંદરમાં મુખ્યમંત્રીને મળવા તેમજ અમારા સૈનિકનો અધિકાર તેથી ફ્લેગ વોશિંગ કરીને અમે અમારા મેડલ પરત આપી દઇશું.’
માજી સૈનિકોની માંગણીઓ કઈક આ પ્રમાણે છે.
શહીદ સ્મારકમાં માજી સૈનિકો માટે આરામ ગૃહની વ્યવસ્થા
શહીદ સૈનિકના પરિવારને રાજ્ય સરકાર દ્વારા 1 કરોડની સહાય
વર્ગ-1 અને વર્ગ-4 સુધીની નિમણૂક વખતે માજી સૈનિકોને અપાતા અનામતનો ચુસ્ત અમલ
માજી સૈનિકને પરિવારના જીવનનિર્વાહ માટે ખેતીની જમીન આપવાના નિયમનો ચુસ્ત અમલ
શહીદ સૈનિકના દીકરા અથવા પરિવારના સભ્યને સરકારી નોકરી
શહીદના પરિવારને રાજ્ય સરકાર તરફથી પેન્શન
માજી સૈનિકના સામાજિક પ્રશ્નોને અગ્રતા આપી તાત્કાલિક નિરાકરણ
સેનાની નોકરીનો સમય ગાળો પુનઃ નોકરીમાં સળંગ ગણી પગાર રક્ષણ
ગુજરાત સરકારી સેવામાં 5 વર્ષ ફિક્સ પગાર પ્રથા નાબૂદી
દારૂ માટે ભારતીય સેનાએ આપેલી પરમિટ માન્ય રાખવાની જોગવાઈ
કોન્ટ્રાક્ટ પદ્ધતિ રદ્દ કરીને સરકાર દ્વારા સીધી માજી સૈનિકની નિમણૂકની જોગવાઈ
હથિયાર લાયસન્સ રિન્યુ કરવા અને નવા લાયસન્સ લેવા તાત્કાલિક કાર્યવાહી
ઉચ્ચ અભ્યાસમાં માજી સૈનિકના બાળકોને અનામત
ગાંધીનગર ખાતે રાજ્ય લેવલનું શહીદ સ્માકર
રહેણાક માટે પ્લોટની ફાળવણીના નિયમનો ચુસ્ત અમલ
સરકારી નોકરીમાં રહેઠાણ નજીક નિમણૂક
માજી સૈનિકના બાળકોના અભ્યાસનો સંપૂર્ણ ખર્ચ રાજ્ય સરકારે ઉઠાવવો
માજી સૈનિકને વ્યવસાય વેરામાંથી મુક્તિ આપવામાં આવે
સાથે જ સૈનિકોની વ્યથા એવી પણ છે કે અમારા જે હથિયાર લાયસન્સ છે તે રિન્યુ નથી થતા, તેમજ નવા હથિયાર રોજગારી માટે માજી સૈનિકોને લેવાના હોય, એ રોજગારી માટે નવા હથિયાર લાયસન્સ દેતા નથી. અમારી જે ગુજરાત સરકારમાં જે માજી સૈનિકોની નિમણૂંક થાય તેને પ્રિ-પ્રોડક્શન નથી આપતા. આવાં 14 જેટલાં મુદ્દાઓને લઇને અમે રજૂઆત કરીએ છીએ. દેશ માટે બલિદાન અપાનારા માજી સૈનિકો સાથે આવો દુઃખદ વ્યવહાર કેમ.’