નર્મદાના દેડિયાપાડા પંથકની ધોરણ ૧૧માં અભ્યાસ કરતી સગીરા ઉપર ગેંગરેપ થયો હોવાની વિગત સામે આવતા ખળભળાટ મચી ગયો છે. પ્રાથમિક તબક્કે મામલામાં ૬ શખ્સોની સંડોવણી હોવાનું જાણવા મળ્યું છે. કિશોરી સોમવારે સ્કૂલમાં જવાના બદલે દેડિયાપાડા એસ ટી ડેપો ખાતે આવી હતી. જ્યાં ત્રણ શખ્સોએ તેને ફોસલાવીને સ્કૂલની પાછળ આવેલા પીડબલ્યુડીનાં જુના ક્વાર્ટરમાં લઇ ગયાં હતાં અને તેના પર ગેંગરેપ કર્યો હતો.
ઘટના બાદ સગીરા તેના ઘરે નહીં જતાં માસીનાં ઘરે ગઈ હતી. જ્યાં પરિવારજનોએ તેના ગુમ થયા અંગે પુછપરછ કરતાં સગીરાએ કબૂલ્યું કે તેના ઉપર ગેંગરેપ થયો હતો જેના કારણે તે ઘરે આવી નહોતી. જેથી તેના પરિવારે દેડિયાપાડા પોલીસ સ્ટેશને લાવી હતી. ઘટનાને પગલે દેડિયાપાડા પીએસઆઇ અશોક પટેલ તથા સ્ટાફે તપાસ શરૂ કરી હતી.
જાેકે, મામલાની ગંભીરતાને લઇને નર્મદા જિલ્લાના નાયબ પોલીસ અધિક્ષક રાજેશ પરમાર એલસીબી નર્મદા પી.આઈ એ.એમ.પટેલ તેમજ સીપીઆઇ ચૌધરી સહિતના ઉચ્ચ અધિકારીઓ દેડિયાપાડા દોડી આવ્યાં હતાં. પોલીસે આ ઘટનામાં કુલ ૬ આરોપીઓની ધરપકડ કરી છે જેમાંથી ૧ આરોપી સગીર વયનો હોવાનું સામે આવ્યું છે.