ગુજરાત ATSએ GST વિભાગ સાથેના સંયુક્ત ઓપરેશનમાં શનિવારે સુરત, અમદાવાદ, જામનગર, ભરૂચ અને ભાવનગર જેવા જિલ્લાઓમાં 150 સ્થળોએ દરોડા પાડ્યા હતા. સૂત્રોએ જણાવ્યું કે આ સંયુક્ત ઓપરેશનમાં આંતરરાષ્ટ્રીય માર્ગો દ્વારા કરચોરી અને નાણાંની લેવડદેવડની તપાસ કરવામાં આવી રહી છે.
ગુજરાતમાં આગામી મહિને યોજાનારી વિધાનસભાની ચૂંટણી પહેલા આ દરોડાને ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. ગુજરાત વિધાનસભાની 182 બેઠકોની ચૂંટણીની તારીખો જાહેર થઈ ગઈ છે. 01 ડિસેમ્બર અને 05 ડિસેમ્બરે બે તબક્કામાં મતદાન થશે. પ્રથમ તબક્કામાં 89 બેઠકો પર મતદાન થશે જ્યારે બીજા તબક્કામાં 93 બેઠકો પર મતદાન થશે.
ગુજરાતમાં સામાન્ય રીતે સત્તાધારી ભાજપ અને તેની હરીફ કોંગ્રેસ પાર્ટી વચ્ચે સામસામે ટક્કર જોવા મળે છે, પરંતુ આગામી ચૂંટણીઓમાં આમ આદમી પાર્ટી (AAP) ની એન્ટ્રી ત્રિકોણીય હરીફાઈમાં ફેરવાય તેવી અપેક્ષા છે. ગુજરાત વિધાનસભાનો કાર્યકાળ 18 ફેબ્રુઆરી, 2023 ના રોજ સમાપ્ત થાય છે.
તો વળી ગઈ કાલે વહેલી સવારે જ કચ્છના ગાંધીધામ-આદિપુર-અંજાર- રા૫ર-ભુજ સહિતના શહેરોમાં ઈન્કમટેક્ષ વિભાગની ટીમો ત્રાટકી હતી. ફાયનાન્સર, રીયલ એસ્ટેટ-પ્રોપર્ટી ક્ષેત્રની પેઢીઓ આવ તપાસના રડારમાં લેવામાં આવી હતી. આખો દીવસ સર્ચ ઓપરેશનની કામગીરી ચાલી હતી. ભુજમાં રેલ્વે સ્ટેશન રોડ પર આવેલી ફાઈવ સ્ટાર હોટલ તથા ભુજના નામાંકીત બિલ્ડર પણ આ ઝપેટમાં લેવામાં આવ્યા છે. ર૦૦થી વધુ અધીકારીઓનો કાફલો ત્રાટકયો હતો અને 30 જગ્યા પર આ ઓપરેશન ચાલ્યું હતું