પાલનપુર (બ્યુરો): બનાસકાંઠા જિલ્લાના દિયોદર નજીક સણાદર ખાતે ૧૫૧ વીઘામાં નિર્માણ પામેલ બનાસ ડેરી સંકુલ, પોટેટો પ્રોસેસિંગ અને પ્રોડક્ટ યુનિટ તથા દૂધવાણી કોમ્યુનીટી રેડીયો સ્ટેશન (FM 90.4) નું આગામી તા. ૧૯ એપ્રિલ-૨૦૨૨, મંગળવારના રોજ દેશના લોકપ્રિય વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના હસ્તે લોકાર્પણ અને વિશાળ મહિલા સંમેલન યોજાનાર છે. વડાપ્રધાનશ્રીના આ કાર્યક્રમને અનુલક્ષી ગૃહ અને પોલીસ હાઉસીંગ, આપત્તિ વ્યવસ્થાપન તથા રમત- ગમત રાજ્ય મંત્રી હર્ષભાઇ સંઘવીએ દિયોદર ખાતે બનાસ ડેરી સંકુલ અને હેલીપેડનું નિરીક્ષણ કર્યુ હતુ.
વડાપ્રધાનના કાર્યક્રમને લઇ બનાસ ડેરી દ્વારા તડામાર તૈયારીઓ ચાલુ છે ત્યારે ગૃહ રાજ્ય મંત્રીએ જિલ્લા વહીવટી તંત્ર અને બનાસ ડેરીના ઉચ્ચ અધિકારીઓ સાથે સ્થળ મુલાકાત કરીને કાર્યક્રમની તૈયારીઓ તથા કરવામાં આવેલ વ્યવસ્થા અંગે વિસ્તૃત સમીક્ષા કરી અધિકારીઓને જરૂરી માર્ગદર્શન અને સુચનાઓ આપી હતી.
ગૃહ રાજ્ય મંત્રીની મુલાકાત પ્રસંગે બનાસ ડેરીના ચેરમેન શંકરભાઇ ચૌધરી, પૂર્વ મંત્રી કેશાજી ચૌહાણ, કલેકટર આનંદ પટેલ, અગ્રણીઓ સર્વ ગુમાનસિંહ ચૌહાણ, નંદાજી ઠાકોર, કનુભાઇ વ્યાસ, ડાહ્યાભાઇ પિલીયાતર, પોલીસ અધિક્ષકશ્રી અક્ષયરાજ મકવાણા સહિત ડેરીના અધિકારીઓ અને અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા