વિસનગર: વિસનગર વિધાનસભા બેઠક પર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર કોણ હશે તે નક્કી હજુ થયું નથી. પરંતુ રોજ દી’ ઉગેને નવા નામ ચર્ચામાં આવી રહ્યા છે જેને લઈને તાલુકાની પ્રજા અવઢવમાં મુકાતી જોવા મળી રહી છે. કહેવાય છે કે વર્તમાન ધારાસભ્ય અને કેબિનેટ મંત્રી ઋષિકેશભાઇ પટેલ ઊંઝા બેઠક પરથી પોતાની ઉમેદવારી નોંધાવશે. જેને લઈને રાજકીય તજજ્ઞો માની રહ્યા છે કે જો વિસનગર બેઠક પર ઋષિકેશ પટેલ નહીં હોય તો ભારતીય જનતા પાર્ટીને આ બેઠક જીતવા માટે લોઢાના ચણા ચાવવા પડે. બીજી તરફ કોંગ્રેસ તરફથી પૂર્વ કેબિનેટ મંત્રી કિરીટ પટેલ પણ ઝંપલાવે તો તેમની જીત નિશ્ચિત માનવામાં આવી રહી છે. એથી પણ મોટી બાબત એ સપાટી પર આવી છે કે અર્બુદા સેનાના સ્થાપક અને ચૌધરી સમાજનું મોટું માથું ગણાતા વિપુલ ચૌધરી આમ આદમી પાર્ટીમાંથી પોતાની ઉમેદવારી નોંધાવે તો અર્બુદા સેના સંપૂર્ણ રીતે તેમને સમર્થન આપશે. એટલે વિસનગર બેઠક માટે એવું માની લેવાય કે વિધાનસભા ચૂંટણીના સમીકરણો અહીં બદલાઈ શકે છે.
વિધાનસભા ચૂંટણી માટે અનેક રાજકીય પક્ષોએ પોતપોતાના ઉમેદવારોના નામ જાહેર કરી દીધા છે પરંતુ ભારતીય જનતા પાર્ટીએ હજુ કોઈ ઠોશ નિર્ણય લીધો નથી. ઉત્તર ગુજરાતની મહત્વની વિસનગર બેઠક પરથી વર્તમાન ધારાસભ્ય અને કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલ ઊંઝાથી પોતાની ઉમેદવારી નોંધાવવાના છે તે વાત સામે આવી છે. જેથી હવે વિસનગરમાં ભાજપના ઉમેદવાર તરીકે કોણ હશે? તે ચર્ચા ચૌરેને ચોટે સંભળાઈ રહી છે. વિસનગર બેઠક પર ઋષિકેશભાઇ પટેલ ના હોય તો ભાજપ તરફી પ્રકાશ પટેલ, રૂપલ પટેલ, રાજુ પટેલ અને વી વી પટેલના નામ અત્યારે પ્રથમ હરોળમાં ચાલી રહ્યા છે. હવે જોવાનું એ રહે છે કે ભારતીય જનતા પાર્ટી વિસનગર બેઠક પરથી ઋષિકેશ પટેલને ઉમેદવાર ઘોષિત કરે છે કે પછી અન્ય કોઈને? બીજી તરફ કોંગ્રેસ તરફથી પૂર્વ કેબિનેટ મંત્રી કિરીટ પટેલનું નામ નગારે ઘા મારીને ચર્ચામાં આવ્યું છે. કહેવાય છે કે કિરીટ પટેલ પોતાના મળતાવળા સ્વભાવના કારણે જનતાના પ્રિય નેતા તરીકે ખ્યાતિ પામેલા છે. જે જોતા આગામી વિધાનસભા ચૂંટણીમાં ચૌધરી સમાજનો ઋષિકેશ પટેલ તરફી રોષ હોવાના કારણે તેનો સીધો લાભ કિરીટ પટેલને મળી શકે છે અને તેઓ વિધાનસભાના આ યુદ્ધમાં મેદાન મારી શકે છે.
જોકે ભાજપ કોંગ્રેસને ઓવરટેઈક કરવા માટે ચૌધરી સમાજના ધુરંધર નેતા અને અર્બુદા સેનાના સ્થાપક વિપુલ ચૌધરી આમ આદમી પાર્ટીમાંથી ચૂંટણી લડશે તેવી વાત પણ વહેતી થઈ છે. જેથી સ્વભાવિક છે કે અર્બુદા સેનાના લાખો સૈનિકો વિપુલ ચૌધરીને સમર્થન કરે. જેને લઈને વિસનગર વિધાનસભા બેઠકના સમીકરણો પલટાઈ શકે તેવી પણ શક્યતાઓ નકારી શકાતી નથી. બીજી મહત્વની બાબત એ છે કે ચૌધરી સમાજ સાથેના ટકરાવના કારણે ઋષિકેશ પટેલ ઊંઝા બેઠક પરથી ચૂંટણી લડવા જઈ રહ્યા હોવાની વાત સપાટી ઉપર આવી છે ત્યારે કહોડા ગામના વતની ગણાતા ઋષિકેશ પટેલને તેમના જ સમાજના હજારો મતનો ફાયદો થઈ શકે અને તેઓ ઊંઝા બેઠક પરથી વિજય તિલક કરાવે તે બાબત પણ નક્કી દેખાઈ રહી છે.
શું વિપુલ ચૌધરી આમ આદમી પાર્ટીમાંથી ચૂંટણી જંગમાં ઝંપલાવશે?
વિધાનસભાની વિસનગર બેઠક પર કોણ ચૂંટણી લડશે તે અંગે ભાજપ કોંગ્રેસમાં અટકળો તેજ બની છે. એ બધા વચ્ચે ચૌધરી સમાજના દબંગ નેતા વિપુલ ચૌધરી પણ આમ આદમી પાર્ટી તરફથી ચૂંટણી જંગમાં ઝંપલાવે એ બાબત પણ બળવતર દેખાઈ રહી છે ત્યારે વિસનગર તાલુકામાં ખરાખરીનો જંગ જામશે તેવું રાજકીય માધાન્તાઓ માની રહ્યા છે. જો વિપુલ ચૌધરી આપમાંથી ઉમેદવારી કરે તો ભાજપ- કોંગ્રેસના ઉમેદવારને ચૂંટણી જીતવા માટે સારા એવા પ્રમાણમાં પરસેવો પાડવો પડે તેવા સંજોગો સ્પષ્ટપણે દેખાઈ રહ્યા છે.
શું વિસનગરમાં ઋષિકેશ પટેલ નહીં તો આ દાવેદારો પૈકી કોઈ એક ઉમેદવાર તરીકે આવશે?
વિસનગર વિધાનસભા બેઠક પર ઋષિકેશ પટેલ ઉમેદવારી નહીં નોંધાવી તેઓ ઊંઝા બેઠક પર ચૂંટણી લડવા જશે તે બાબત હાલ ચર્ચામાં છે. જોકે ઋષિકેશ પટેલ સિવાય પ્રકાશ પટેલ (એસ કે યુનિવર્સિટી), રૂપલ પટેલ, રાજુ પટેલ (આર.કે જ્વેલર્સ) અને વી વી પટેલ (ઉમતા) ના નામ ભાજપના ઉમેદવાર તરીકે દાવેદારીમાં છે ત્યારે ભારતીય જનતા પાર્ટી કોના ઉપર પસંદગીનો કળશ ઢોળે છે તેના પર સૌની મીટ મંડાયેલી છે. જોકે રાજકીય તજજ્ઞ કહે છે કે ઋષિકેશ પટેલ ના હોય તો ભાજપને વિસનગર બેઠકની ચૂંટણી જીતવી લોઢાના ચણા ચાવવા બરાબર બની રહેશે. જેનું મહત્વનું કારણ એ છે કે ઋષિકેશ પટેલે પોતાના ધારાસભ્ય તરીકે ના કાર્યકાળ દરમિયાન 25 કરોડથી પણ વધુના કામોની ભેટ તાલુકાની પ્રજાને આપી છે. જેને પ્રજાજનો હંમેશા સ્મરણમાં રાખી શકે તેમ છે.