ગુજરાતમા કિશન ભરવાડ હત્યા કેસમાં મામલે હવે અભિનેત્રી કંગના રનૌત પણ મેદાને આવી છે. અમદાવાદ નજીક ધંધુકામાં રહેતા કિશન ભરવાડની ગત 25મી જાન્યુઆરીએ ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. હવે આ મામલે કંગના રનૌતે નિવેદન આપ્યુ છે. કંગના રનૌતે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ પણ કરી છે.
કંગનાએ આ પોસ્ટ્મા કહ્યું છે કે કિશનની હત્યા પૂર્વયોજિત હતી. આ સમગ્ર ઘટનાને મૌલવી દ્વારા આયોજનબદ્ધ રીતે અંજામ આપવામાં આવ્યો હતો. આવી સ્થિતિમાં સરકારે હત્યારાઓ સામે કડક કાર્યવાહી કરવી જોઈએ. કંગનાએ વધુમાં જણાવ્યું કે મૃતક કિશન 27 વર્ષનો હતો અને તેને એક નાની પુત્રી પણ છે. કિશને સોશિયલ મીડિયા પર એક પોસ્ટ મૂકી હતી જેના પછી તેને માફી માંગવા માટે કહેવામાં આવ્યું હતું.
આગળ કંગનાએ લખ્યુ હતુ કે તેણે માફી માંગી હોવા છતાં તેની નિર્દયતાથી હત્યા કરવામાં આવી હતી. આવી સ્થિતિમાં તેમનું મૃત્યુ શહીદીથી ઓછું ન હોઈ શકે. કિશન જેવા યુવાનો આપણા દેશને અફઘાનિસ્તાન બનતા રોકી રહ્યા છે. આવી સ્થિતિમાં કિશનની વિધવાને પેન્શન મળવું જોઈએ. કંગનાની ફેસબુક પર પોસ્ટ કરવામાં આવેલી આ પોસ્ટ ખૂબ વાયરલ થઈ રહી છે અને લોકોમાં ચર્ચાનો વિષય બની રહી છે.
આ વિશે વધુ વાત કરીએ તો કિશન ભરવાડ હત્યા કેસમાં રાજકોટમાંથી એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે. રાજકોટ પોલીસે અઝીમ સમા નામના આરોપીની ધરપકડ કરી છે. ઉલ્લેખનીય છે કે આ કેસની તપાસ એટીએસને સોંપવામાં આવી છે. આ કેસમાં અત્યાર સુધીમાં છ લોકોની ધરપકડ કરવામાં આવી છે.