મહિસાગર જિલ્લાના મુખ્ય મંથક લુણાવાડામાં ફરીથી જુગારધામ ધમધમી ઉઠતા ખેલીઓને લીલા લહેર થઈ ગયા છે. આ સાથે ભ્રષ્ટ પોલીસ કર્મીઓને પણ જલ્સા થઈ ગયા હોવાના ચર્ચાઓએ જાેર પકડ્યું છે. જુગારધામ શરૂ કરવા માટે લાખોનું ભરણ આપીને લુણાવાડા ‘ના’-સીરે ફરીથી દાવ ફેક્યો છે. બીજી તરફ ભરણના લીધે પોલીસને પણ ‘તંબુ’ અંદર જવામાં રસ ન હોય તેવું દેખાઈ રહ્યું છે.
‘તંબુ’ અંદર બેસવા માટે બાલાસિનોર, દાહોદ, ગોધરા સહિતના શહેરોમાંથી ખેલીઓ પહોંચી જતા હોવાની પણ વિગતો સામે આવી રહી છે. રોજ લાખોની બાજી જામતી હોવા છતા સ્થાનિક પોલીસની સાથે સાથે એલસીબી અને એસઓજીની ટીમો પણ આંખ આડા કાન કરીને બેસતા અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, જાે ઉપરથી પ્રેશર હોય ત્યારે પોલીસ રેડ કરે ત્યારે વહીવટદાર અગાઉથી સંચાલકને સાવચેત કરી દેતો હોવાનો પણ ગણગણાટ શહેરીજનોમાં શરૂ થયો છે. ત્યારે એક જાગૃત નાગરિક દ્વારા આ દુષણ સામે અવાજ ઉઠવવામાં આવ્યો હોવાનું પણ જાણવા મળી રહ્યું છે. નોંધનીય છે કે, લુણાવાડામાં જુગાર અને દારૂ સહિતની ગેરપ્રવૃતિઓના લીધે શહેરીજનો ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે. તાજેતરમાં જ સ્ટેટ મોનિટરિંગની ટીમે લુણાવાડામાંથી મોટા જુગારધામનો પર્દાફાશ કર્યો હતો. હવે જાેવાનું એ રહ્યું કે, સ્થાનિક પોલીસ દ્વારા શું કાર્યવાહી કરવામાં આવે છે ?