જીગર બારોટ ( પાટણ ): ગુજરાતના પાટણ જિલ્લામાં પ્રાચીન સરસ્વતી નદી કિનારે વસેલું ઐતિહાસિક સ્થળ એટલે સિદ્ધપુર. સિદ્ધપુર શહેર અતિ પ્રાચીન ધાર્મિક, પવિત્ર અને ઐતિહાસિક નગરી છે. ઉત્તર ગુજરાતમાં આવેલું સિદ્ધપુર શ્રીસ્થલ તરીકે પણ જાણીતું હતું, ત્યારબાદ સિદ્ધરાજ જયસિંહના સમયમાં તેમના નામ પરથી સિદ્ધપુર તરીકે જાણીતું થયું.
ભારતભરમાં સિદ્ધપુર માતૃશ્રાદ્ધ માટે ઓળખાય છે. દેશના કોઇ પણ પ્રદેશમાં વસતી માતાની અંતિમ એક માત્ર અભિલાષા સ્વર્ગવાસ બાદ સિદ્ધપુરમાં માતૃગયા ખાતે પોતાના પુત્ર પાસેથી પિંડ ગ્રહણ કરવાની હોય છે. કારતક સુદ અગીયારસથી પૂનમ સુધીના ભીષ્મ પંચક પર્વ સમયે લાખો યાત્રાળુઓ મેળાના સ્વરૂપમાં એકત્ર થઈ સ્નાન-દાન અને પિંડપ્રદાન કરી પિતૃઓને સંતોષવાનો પ્રયત્ન કરે છે. ગત વર્ષે સિદ્ધપુર બિંદુ સરોવર ખાતે કારતક, ભાદરવો અને ચૈત્ર તેમજ સમગ્ર વર્ષ દરમિયાન અંદાજિત ૪૭,૧૦૦ જેટલા પરિવારના સભ્યો દ્વારા માતૃશ્રાદ્ધની વિધિવત પૂજા કરવામાં આવી હતી તેમ ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા જણાવાયુ છે.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની નેતૃત્વવાળી સરકાર સિદ્ધપુર ખાતે ધાર્મિક ક્રિયા માટે આવતા દેશભરના યાત્રિકોને વિશેષ સુવિધાઓ ઉપલબ્ધ થાય તે માટે સતત કાર્યરત છે. પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા એક ઓનલાઇન પોર્ટલ કાર્યરત કરાશે, જેમાં યાત્રિકોને મળતી તમામ સુવિધાઓ, ગોર મહારાજની સંપર્કની વિગતો, પૂજા-વિધિ માટેના લોકેશન, ઓનલાઈન રજિસ્ટ્રેશન જેવી બાબતોનો સમાવેશ કરવામાં આવશે. જેથી સિદ્ધપુર મુકામે આવનાર યાત્રિકોને આ સ્થળની તમામ સુવિધા અંગે પોર્ટલ મારફતે અવગત કરી શકાય. આ વિશાળ પરીસરમાં યાત્રાળુઓને તમામ સ્થળોની જાણકારી મળી રહે તે માટે સાઈટ મેપ પણ મુકવામાં આવ્યો છે. વર્તમાન સમયમાં અહી એકસાથે ૨૦૦ પરિવાર પૂજાનો લાભ લઈ શકે તેવું આયોજન કરવામાં આવ્યું છે.
ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા રાજ્યના વિવિધ યાત્રાધામોનો અદ્યતન સુવિધાઓ સાથે વિકાસ કરવામાં આવે છે. જે અંતર્ગત ઐતિહાસિક નગરી સિદ્ધપુર મુકામે આવેલા બિંદુ સરોવર ખાતે તાત્કાલિન મુખ્યમંત્રી અને વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શનમાં વર્ષ ૨૦૧૨માં નવીન કુંડનું નિર્માણ, માતૃશ્રાદ્ધનું મહત્વ સમજાવતું પ્રદર્શન, મ્યુઝીયમ, પાર્કિંગ, કુંડ, શૌચાલય, શ્રાદ્ધ વિધિ માટે જુદી જુદી છત્રીઓ હેઠળ બેઠક વ્યવસ્થા, રુદ્રમહાલયની પ્રતિકૃતિ, ગાર્ડન, સ્નાનાગાર, એમીનીટી સેન્ટર, વી.આઈ.પી રૂમ, ઓફીસ બિલ્ડીંગ, પ્રવેશ દ્વાર, પરિસરની કમ્પાઉન્ડ વોલ, સોલાર સિસ્ટમ વગેરેને વિકસાવવામાં આવ્યા હતા. આ સિવાય સિદ્ધપુરના બિંદુ સરોવર મુકામે આવતા યાત્રાળુઓ માટે પુરતી સ્વચ્છતા, સુરક્ષા, પીવાના પાણીની સુવિધા, શૌચાલય, પૂજા-વિધિ હોલ, ચેન્જીંગ રૂમ, ગાર્ડન અને ઈલેક્ટ્રીફીકેશનની કામગીરી પણ કરવામાં આવી છે.
વધુમાં યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા બિંદુ સરોવર સિદ્ધપુર મુકામે રાત-દિવસ સ્વચ્છતા, સંપૂર્ણ પરીસરની સફાઈ, બિંદુ સરોવર કુંડનાં પાણીને ફિલ્ટર કરી ચોખ્ખું કરવું, અલ્પા સરોવરમાં પણ સફાઈની કામગીરી, બન્ને સરોવરમાં પાણીને સમયાંતરે સ્વચ્છ કરવા માટે ફિલ્ટરેશન પંપ, સીનીયર સીટીઝન માટે ઈ-રિક્ષા સહિતની સુવિધા કરવામાં આવી છે.
આ ઉપરાંત વિધિવત પૂજા માટે ઈચ્છુક નાગરિકો સરળતાથી લાભ લઈ શકે તેમજ સમગ્ર પ્રક્રિયા પારદર્શક બને તે હેતુથી ડિજિટલ માધ્યમથી તમામ કામગીરી આગામી સમયમાં કરવામાં આવશે. અહી પિંડદાનની વિધિવત પૂજા-અર્ચના હેતુથી આગામી સમયમાં “Online Queue Management System” પોર્ટલ વિકસાવવામાં આવી રહ્યું છે. જેમાં ઓનલાઇન રજિસ્ટ્રેશન, ઓનલાઇન સ્લોટ/સ્પોટ બુકિંગ, ઓનલાઇન પેમેન્ટ ફેસિલિટી મળી રહેશે.
અત્રે ઉલ્લેખનીય છે કે સિદ્ધપુરની વહોરવાડમાં બેનમૂન સ્થાપત્ય ધરાવતાં પૌરાણિક મકાનો આવેલા છે. ભારતનાં આવેલા પવિત્ર સરોવરો પૈકીનું એક “બિંદુ સરોવર” સિદ્ધપુર ખાતે આવેલું છે. બ્રહ્માંડની રચનાથી આદિ શક્તિના સ્વરૂપ તરીકે માતાનું વિશેષ મહત્વ છે. માતાની ભક્તિ અને સ્નેહનું મૂલ્ય કોઈ આંકી શક્યું નથી. બિંદુ સરોવર માતૃશ્રાદ્ધની વિધિ કરવા માટેનું પવિત્ર સ્થળ છે અને દેશના ખૂણે-ખૂણેથી હજારો પરિવારો દર વર્ષે ઓક્ટોબર અને નવેમ્બર એટલે કારતક મહિનામાં તેમની સ્વર્ગવાસ માતાની ધાર્મિક વિધિ કરવા માટે અહી મુલાકાતે આવે છે.
જો તમારે 32 દાંત હોય તો રાજાની જેમ મળશે ત્રણેય લોકના સુખ! જાણો 28, 29 અને 30 વાળાનું શું થાય?
હિન્દુ શાસ્ત્રો મુજબ બિંદુ સરોવર એટલે ટીપાંથી બનેલું સરોવર. એવું માનવામાં આવે છે કે ભગવાન વિષ્ણુના આંસુ તળાવમાં પડ્યા હતા. ભગવાન વિષ્ણુના છઠ્ઠા અવતાર પરશુરામે બિંદુ સરોવરના કિનારે તેમની માતા રેણુકાને પિંડ પ્રદાન કર્યું હતું. આ પવિત્ર સ્થાન પર પરશુરામનું મંદિર પણ આવેલું છે જ્યાં અનેક ઋષિમુનિઓએ તપસ્યા કરી હતી.