ગુજરાતમાં કોરોનાની વિસ્ફોટક સ્થિતિ છે અને દૈનિક કેસનો આંકડો હવે પાંચ આંકડામાં પહોંચી ગયો છે. રાજ્યમાં હવે કોવિડ-૧૯ના દૈનિક કેસ ૧૧,૦૦૦ને પાર થઈ જતાં પરિસ્થિતિ ચિંતાજનક બની રહી છે. છેલ્લા ૨૪ કલાકમાં રાજ્યમાં કોરોનાના ૧૧,૧૭૬ નવા કેસ નોંધાતા હાહાકાર મચી ગયો છે. જ્યારે પાંચ દર્દીઓના મોત થયા છે અને ૪૨૮૫ દર્દીઓ સાજા થયા છે.
ગુજરાતમાં બુધવારે કોરોનાના ૯૯૪૧ કેસ નોંધાયા હતા જ્યારે ગુરૂવારે ૧૧,૧૭૬ કેસ નોંધાયા છે. આમ ગઈ કાલની તુલનામાં રાજ્યમાં ૨૪ કલાકમાં જ ૧૨૦૦થી વધુ કેસ નોંધાયા છે. કોવિડ-૧૯ની પરિસ્થિતિ ચિંતાજનક હોવા છતાં લોકો હજી પણ સાવચેત બન્યા હોય તેમ લાગી રહ્યું નથી. ઉત્તરાયણની પૂર્વસંધ્યાએ પતંગ-દોરીની ખરીદી કરવા બજારોમાં ભારે ભીડ ઉમટી હતી અને તેમાં માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સિંગ ભૂલાયું હતું. માસ્ક ન પહેરવા બદલ છેલ્લા ૧૧ દિવસમાં અમદાવાદીએ ૨.૬ કરોડ રૂપિયાનો દંડ ભર્યો છે.
રાજ્યમાં એક્ટિવ કેસની સંખ્યા ૫૦૬૧૨ પર પહોંચી ગઈ છે જેમાંથી ૬૪ દર્દીઓ વેન્ટિલેટર પર છે. રાજ્યમાં અત્યાર સુધી ૮,૩૬,૧૪૦ લોકોએ કોરોનાને હરાવ્યો છે. જ્યારે નવા પાંચ મોત સાથે મૃત્યુઆંક ૧૦,૧૪૨ પર પહોંચી ગયા છે. છેલ્લા ૨૪ કલાકમાં અમદાવાદ, સુરત, વલસાડ, રાજકોટ અને ભાવનગરમાં એક-એક મોત નોંધાયા છે. રાજ્યનો રિકવરી રેટ ૯૩.૨૩ ટકા છે. એક દિવસમાં ૩,૧૧,૨૧૭ લોકોએ વેક્સિન લીધી છે અને આ સાથે રાજ્યમાં વેક્સિન લેનારાની સંખ્યા ૯,૪૪,૪૪,૯૧૮ પર પહોંચી ગઈ છે. ૪,૭૦,૩૩૪ લોકોએ બૂસ્ટર ડોઝ લીધો છે.
રાજ્યમાં અમદાવાદ કોર્પોરેશનમાં ૩૬૯૩ કેસ નોંધાયા છે જ્યારે સુરત કોર્પોરેશનમાં ૨૬૯૦ કેસ સામે આવ્યા છે. વડોદરા કોર્પોરેશનમાં પણ કેસ ૧૦૦૦ની નજીક પહોંચી ગયા છે. સુરત કોર્પોરેશનમાં ૯૫૦ કેસ નોંધાયા છે. જ્યારે રાજકોટ કોર્પોરેશનમાં ૪૪૦ કેસ સામે આવ્યા છે. વલસાડમાં ૩૩૭, ગાંધીનગર કોર્પોરેશન ૩૧૯, ભરૂચ ૩૦૮, સુરતમાં ૨૪૩, ભાવનગર કોર્પોરેશનમાં ૧૯૮, જામનગર કોર્પોરેશનમાં ૧૭૦, નવસારીમાં ૧૫૫, ગાંધીનગરમાં ૧૩૪, રાજકોટમાં ૧૩૩, કચ્છમાં ૧૨૯, મહેસાણામાં ૧૧૭, આણંદમાં ૧૦૩ અને ખેડામાં ૧૦૧ કેસ નોંધાયા છે.