ભાસ્કર વૈદ્ય (સોમનાથ)
ગીર સોમનાથ જિલ્લામાં પ્રથમ વખત રાજ્યકક્ષાની હોકી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તકે રાજ્યભરના અન્ડર-૧૯ હોકી સ્પર્ધકોમાં અનેરો રોમાંચ જોવા મળ્યો હતો. ગીર સોમનાથ જિલ્લાના વડા મથક અને સુપ્રસિદ્ધ તીર્થધામ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં પ્રથમ વાર રાજ્યકક્ષાની ત્રિ-દિવસીય હોકી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જિલ્લા શિક્ષણ અધિકારી રાજેશ ડોડીયાની પ્રેરક ઉપસ્થિતીમાં બહેનો માટેની હોકી સ્પર્ધાનો શુભારંભ કરાયો હતો. રાજ્યભરમાંથી અંડર-૧૯ની ૩૦ જેટલી ભાઈઓની હોકી ટીમ અને ૨૪ બહેનોની હોકી ટીમ ગીર વેરાવળ-સોમનાથના આંગણે રાજ્યકક્ષાની હરીફાઈમાં ભાગ લેવા પહોંચી હતી.
આ તમામ ખેલાડીઓના સપોર્ટર સ્ટાફ અને શિક્ષકોને રહેવા-જમવા સહિતની તમામ વ્યવસ્થા પુરી પાડવામાં આવી હતી. આ સ્પર્ધામાં ૯૦૦ જેટલા ખેલાડીઓ અને ૧૦૦થી વધુનો સપોર્ટ સ્ટાફ ગીર સોમનાથ જીલ્લાના મહેમાન બન્યા હતા. આ તકે જિલ્લા રમત ગમત અધિકારી વિશાલ જોશીએ જણાવ્યું કે, રાજ્ય સરકાર નવ રચિત જિલ્લાઓમાં નેશનલ ગેમ્સને પ્રાધાન્ય આપવામાં આવે છે. જેના ભાગ રૂપે ગીર સોમનાથ જિલ્લામાં પ્રથમ વાર રાજ્યકક્ષાની હોકી સ્પર્ધાનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે. આ સ્પર્ધામાં રાજ્યના જુદા જુદા જિલ્લાઓમાંથી ભાઈઓની કેટેગરીમાં ૩૦ જેટલી અન્ડર-19 ટીમ જોડાઈ છે. જેમાં ૫૦૦ જેટલા રમતવીરોનો સમાવેશ થાય છે. સાથે જ ગુજરાત હોકીના ઇતિહાસમાં પ્રથમ વખત કોઈ હરીફાઈમાં ૨૪ જેટલા જિલ્લાની અંડર-19માં બહેનોની ટીમોએ ભાગ લીધો છે. જેમાં ૪૦૦ જેટલી બહેનોનો સમાવેશ થાય છે. આ તકે હોકી સ્પર્ધકોને પ્રોત્સાહિત કરવા માટે જિલ્લા કોચ ભાલીયા, જિલ્લા વ્યાયામ સંઘના પ્રમુખ વરજંગ વાળા, ઉપપ્રમુખ અરજણ પરમાર, સહિતના મહાનુભાવો ખાસ ઉપસ્થિત રહ્યા હતા.