હું મોડો આવ્યો પણ ખાલી હાથ નથી આવ્યો, ભાવનગરનો મારા પર અધિકાર છે, PM મોદીએ ગાઠિયાના પણ કર્યા ભરપેટ વખાણ

Lok Patrika
Lok Patrika
3 Min Read
Share this Article

વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસની ગુજરાતની મુલાકાતે આવ્યા છે. ત્યારે સુરતમાં વિકાસકાર્યોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત કર્યા બાદ હવે વડાપ્રધાન ભાવનગર આવી પહોંચ્યા છે, જ્યાં તેમનો ભવ્ય રોડ શો યોજાયો હતો. નરેન્દ્ર મોદીએ ભાવનગરમાં ભાવનગરી ગાંઠિયાને યાદ કર્યા હતા. ભાવનગરમાં આવી ગાંઠિયા અને દાસના પેંડા યાદ આવે, ગાંઠિયા યાદ કરું ને મને મારા હરિસિંહ દાદા યાદ આવે. વર્ષો પહેલાં રાજકારણમાં પણ નહોતો ત્યારે અમને ગાંઠિયા ખાવાનું શીખવનાર હરિસિંહ દાદા હતા, અત્યારે તો નવરાત્રિ છે.

વડાપ્રધાને ભાવનગરમાં કરોડોનાં વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કર્યું હતું. ભાવનગરમાં 817 કરોડથી વધારેનાં કાર્યોનું લોકાર્પણ તેમજ 6 હજાર 626 કરોડનાં વિકાસકામોનું ખાતમુહૂર્ત કર્યું. ત્યાર બાદ સભા સ્થળે પહોંચી લોકોને સંબોધ્યા હતા. સૌરાષ્ટ્રને ઊર્જાનું મહત્ત્વનું કેન્દ્ર બનાવવાનો પ્રયત્ન કર્યો છે. પીએમ મોદીએ કહ્યું હતું કે ધોલેરામાં સેમીકન્ડકટરનો જે પ્રોજેક્ટ આવી રહ્યો છે એનો લાભ ભાવનગરને મળશે. તાજેતરમાં જ તાઈવાનની ફોક્સકોન અને વેદાન્તા કંપનીએ સેમીકન્ડક્ટર ક્ષેત્રે રાજ્યમાં રૂ. 1.50 લાખ કરોડનું રોકાણ કરવાની જાહેરાત કરી હતી.

ભાવનગરમાં PM મોદીએ સંબોધન કરતા કહ્યું કે, ‘ભાવનગરના સૌ સજ્જનનો નવરાત્રિની ખૂબ-ખૂબ શુભકામના. ઘણા લાંબા સમય પછી હું ભાવનગર આવ્યો છું. દેશ આઝાદીના 75 વર્ષ પૂર્ણ કરી ચૂક્યું છે ત્યારે આ વર્ષે ભાવનગર પોતાની સ્થાપનાના 300 વર્ષ પૂર્ણ કરવા જઇ રહ્યું છે. 300 વર્ષની પોતાની યાત્રામાં ભાવનગરે સતત વિકાસની, સૌરાષ્ટ્રની સાંસ્કૃતિક રાજઘાનીના રૂપમાં પોતાની એક આગવી ઓળખ બનાવી છે. ‘છેલ્લા બે દાયકામાં અમે ગુજરાતના દરિયાકાંઠાને ભારતની સમૃદ્ધિનું પ્રવેશદ્વાર બનાવવાના નિષ્ઠાવાન પ્રયાસો કર્યા છે. અમે ગુજરાતમાં અનેક બંદરોનો વિકાસ કર્યો છે, અનેક બંદરોનું આધુનિકીકરણ પણ કર્યું છે.’

અલંગ વિશે વાત કરતાં વડાપ્રધાન મોદીએ કહ્યું કે, ‘અલંગને દુનિયાના સૌથી મોટા શિપ બ્રેકિંગ યાર્ડ તરીકે ઓળખવામાં આવે છે. ત્યારે કેન્દ્ર સરકારે જૂની સ્ક્રેપિંગ પોલિસી બનાવી છે, તે જ્યારે લાગુ થશે ત્યારે આખા દેશમાં આ વ્હિકલ પોલિસીનો સૌથી પહેલા અને સૌથી વધુ લાભ તમને(ભાવનગર) મળવાનો છે. તેનું કારણ છે અલંગની પાર્ટ્સથી જોડાયેલી વિશેષજ્ઞતા છે, જાણકારી છે. તેવામાં જહાજોની સાથો સાથ બીજા નાના વાહનોની સ્ક્રેપિંગ માટે પણ દેશમાં મોટું યાર્ડ બનશે. એક સમયે વિદેશોથી પણ નાની-નાની ગાડીઓ લાવીને તેને સ્ક્રેપ કરવાની શરૂ કરી દેશે. જહાજોને તોડીને જે લોખંડ નિકળે છે, કન્ટેનરો માટે કોઈ એક જ દેશ પર નિર્ભરતા કેટલું મોટું સંકટ હોય છે, ભાવનગર માટે એ પણ મોટો અવસર છે. વૈશ્વિક વેપારમાં દેશની ભાગીદારીમાં ભાવનગરનું યોગદાન હશે. દુનિયા પણ કન્ટેનર્સમાં ભરોસાપાત્રની શોધમાં છે. આખી દુનિયાને લાખો કન્ટેનરની જરૂરિયાત છે. ભાવનગરમાં બનતા કન્ટેઇનર આત્મનિર્ભરને પણ ઉર્જા આપશે અને રોજગાર પણ આપશે. મનમાં સેવાનો ભાવ, પરિવર્તનની ઇચ્છાશક્તિ હોય તો માટામાં મોટું લક્ષ્ય પ્રાપ્ત કરી શકીએ છીએ.’


Share this Article