Ahmedabad News: હાલમાં અમદાવાદમાં અલગ અલગ પાર્ટી પ્લોટ અને શેરીએ શેરીએ ગરબાનો નાદ સંભળાય રહ્યો છે અને લોકો ગરમે ઝૂમી રહ્યા છે. આખા વર્ષની રાહ જોયા બાદ 9 દિવસ લોકો આનંદ અને ઉત્સાહ સાથે જલસો કરતાં હોય છે. લોકો દિવસે નોકરી કરે અને સાંજે ગરબા કરે છતાં થાક ન લાગે, કદાચ માતાજીની સ્તૃતિનો આ જ તો જાદુ છે. ત્યારે અમદાવાદ ખાતે નવરંગપુરામાં નવરંગપુરા હેડ પોસ્ટ ઓફિસમાં પણ ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું અને 80 જેટલા કર્મચારીઓેએ ગરબાનો આનંદ માણ્યો હતો. છેલ્લે ઈનામ વિતરણ પણ કરવામાં આવ્યું હતું.
આ આયોજન નવરાત્રિના છઠ્ઠા નોરતે કરવામાં આવ્યું હતું. જેમાં મધુબેન હિતેશભાઈ તોગડિયા કે જેઓ પોસ્ટ ઓફિસમાં પોસ્ટલ આસિસ્ટન્ટ તરીકે ફરજ નિભાવી રહ્યા છે એમને પહેલું ઈનામ મળ્યું હતું. આ ઈનામ મધુ તોગડિયાને સિનિયર પોસ્ટ માસ્તર વાઢેર સાહેબના હસ્તે અર્પણ કરવાનો લ્હાવો મળ્યો હતો. પહેલા ઈનામની ટ્રોફી લઈને મધુબેન ખુબ ખુશ છે. તેઓ આમ તો કોઈ પ્રોફેશન ડાન્સ સાથે જોડાયેલા નથી પરંતુ આજે એમનો શોખ નવી જ સિદ્ધિ અપાવી ગયો.
મધુબેન આખો દિવસ ઘરની જવાબદારી અને 8 કલાકની સરકારી નોકરી પણ બખૂબી સરસ રીતે નિભાવી રહ્યા છે. આ બધાની વચ્ચેથી સમય કાઢી તેઓ સોસાયટીના લોકો અને બચ્ચાઓને પણ ગરબા શીખવે છે અને મદદરૂપ બને છે. ઓફિસમાં પણ તેમના કામની હંમેશા પ્રશંસા કરવામાં આવે છે. મધુબેન જણાવે છે કે આ ઈનામ લઈને હું અને મારો પરિવાર ખુબ જ ખુશ છીએ. મને 200 કરતાં પણ વધારે લોકોએ શુભેચ્છાઓ પાઠવી છે જેનો હૈયામાં અઢળક આનંદ છે.