હાલમાં જ ઝારખંડ ખાતે જવાહર નવોદય વિદ્યાલયની નેશનલ એથલિટ સ્પર્ધા 2024નું આયોજન કરવામાં આવ્યું હતું. ભારતભરમાંથી વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો અને પોતાની આવડત લોકો સમક્ષ રજુ કરી હતી. અલગ અલગ સ્પર્ધામાં અલગ અલગ વિજેતાઓ જાહેર કરી ઈનામ વિતરણ કરવામાં આવ્યું હતું. ત્યારે દ્વારકા જિલ્લાના આંબરડી ગામનો એક 17 વર્ષનો યુવાન આખા ભારતમાં ગોળાફેંકની સ્પર્ધામાં પહેલા નંબરે આવ્યો છે. આ વિદ્યાર્થી એટલે કે પ્રિન્સ સુરેશભાઈ પિપરોતર.
ભાણવડ તાલુકાના મેવાસા આંબરડી ગામનો પ્રિન્સ સુરેશભાઈ પિપરોતર દ્વારકા જિલ્લાની જવાહર નવોદય વિદ્યાલય ખાતે ધોરણ 12માં અભ્યાસ કરે છે. ત્યારે દર વર્ષની જેમ આ વર્ષે પણ તારીખ 28-29-30 ના રોજ ઝારખંડ ખાતે નેશનલ લેવલની સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આખા ભારતમાંથી ખેલાડીઓએ ભાગ લીધો હતો. પિપરોતર પ્રિન્સે પણ ગોળાફેંકની સ્પર્ધામાં ભાગ લીધો હતો અને ફાઈનલમાં પણ પહેલા નંબરે વિજેતા થયો હતો. હાલમાં પ્રિન્સનો પરિવાર અને સગર સમાજના લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ચારેકોરથી શુભેચ્છાઓનો વરસાદ વરસી રહ્યો છે.