ત્રણ વર્ષથી સરકારી કચેરીઓના ધક્કા ખાઈને થાકેલા એક અરજદારને આજે મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ હવે જાે તેમનું કામ ના થાય તો પોતાને એક લાફો મારવાની વાત કરતાં અધિકારીઓ ટેન્શનમાં આવી ગયા હતા. મંત્રીએ અરજદારને એમ પણ કહ્યું હતું કે તમારા લાફો મારવાથી કમસે કમ મારા અધિકારીઓને તો શરમ આવશે. આ સમગ્ર ઘટનાની વિગતો એવી છે કે, વલસાડમાં આજે યોજાયેલા મહેસૂલ મેળા દરમિયાન અરજદારો સાથે રાજેન્દ્ર ત્રિવેદી વાત કરી રહ્યા હતા ત્યારે એક અરજદારે છેલ્લા ત્રણ વર્ષથી પોતાનું કામ ના થતું હોવાની મંત્રીને ફરિયાદ કરી હતી.
સાથે જ એવો સવાલ પણ કર્યો હતો કે જાે મારું કામ હજુય ના થાય તો મારે શું કરવાનું? જેના જવાબમાં રાજેન્દ્ર ત્રિવેદીએ અરજદારને જ્યારે એમ કહ્યું કે ‘તમારું કામ ના થાય તો મને આવીને એક લાફો મારી જજાે. ત્યારે કાર્યક્રમમાં હાજર લોકોમાં હાસ્યનું મોજું ફરી વળ્યું હતું. જાેકે, આ મામલો આટલેથી પૂરો નહોતો થયો. રાજેન્દ્ર ત્રિવેદીએ પોતાને લાફો મારવાની વાત કરતાં અરજદારે તેમને સામો સવાલ કર્યો હતો કે તેનાથી મને શું મળશે? રાજેન્દ્ર ત્રિવેદીએ અરજદારને તેનો જવાબ આપતા કહ્યું હતું કે બીજું કંઈ નહીં તો મારા અધિકારીઓને શરમ તો આવશે.
તો અરજદારે ફરી મંત્રીને કહ્યું હતું કે, ‘સાહેબ કોઈને શરમ નહીં આવે. બીજી તરફ, આજે મહેસૂલ મેળો શરુ થાય તે પહેલા આજે વલસાડમાં આવેલી દસ્તાવેજ રજિસ્ટ્રેશન કચેરી પર મહેસૂલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી રિક્ષામાં બેસીને અચાનક જ પહોંચી જતાં અધિકારીઓ દોડતા થઈ ગયા હતા. ત્યારબાદ કાર્યક્રમને સંબોધતા તેમણે જણાવ્યું હતું કે, જાે સરકારી ગાડીમાં ત્યાં ગયા હોત તો તેમના આવવાની ખબર પહેલાથી જ પડી ગઈ હોત, જેથી તેમણે રિક્ષામાં જવાનું પસંદ કર્યું હતું.
ત્રિવેદીએ જણાવ્યું હતું કે, તેઓ જ્યાં પણ ઓચિંતિ મુલાકાતે જાય છે ત્યાં તેમને મહેસૂલ વિભાગના કર્મચારીઓ ધગશથી કામ કરતાં દેખાય છે. સિસ્ટમ ઓનલાઈન થવાના કારણે એક પારદર્શકતા પણ આવી છે. રાજેન્દ્ર ત્રિવેદીએ કહ્યું હતું કે, તેમણે દસ્તાવેજ રજિસ્ટ્રેશન ઓફિસમાં જઈને એકે-એક વ્યક્તિને તેમને અગવડ પડે તેવું તો કંઈ નથી થયુંને તેમજ તેમની પાસે કોઈ કામ માટે પૈસા લેવાયા છે કે કેમ તેની પૃચ્છા કરી હતી. જાેકે, ત્યાં હાજર સૌ કોઈ લોકોએ કચેરીમાં સારી રીતે કામ થતું હોવાનું જણાવ્યું હતું.
મહેસૂલ મેળાનો સમય ૧૨ વાગ્યાનો એટલા માટે રાખવામાં આવે છે કે તેનાથી ના માત્ર લાભાર્થીઓનું સારું થાય, પરંતુ ખરાબ થતું પણ અટકે. રાજેન્દ્ર ત્રિવેદીએ જણાવ્યું હતું કે, તેઓ સાડા અગિયાર વાગ્યે જ આવી ગયા હતા. વહેલા આવી ગયા હોવાના કારણે તેઓ દસ્તાવેજ રજિસ્ટ્રેશન ઓફિસની મુલાકાત લેવા પહોંચી ગયા હતા. મહેસૂલ અને કાયદા મંત્રીએ જણાવ્યું હતું કે, વહીવટી સરળતા અને પારદર્શકતા સરકારનો મુખ્ય ઉદ્દેશ છે. સીએમ ભૂપેન્દ્ર પટેલે લોકહિત માટે જે પણ કંઈ કરવું પડે તે કરવા માટે છૂટ તેમજ સત્તા આપી છે.
સરકાર દ્વારા શરુ કરાયેલા મહેસૂલ મેળા અંતર્ગત નવસારીમાં ૨૦૦ પ્રશ્નો બપોરે ૧૨ વાગ્યાથી સાંજે સવા છ વાગ્યા સુધીમાં ઉકેલવામાં આવ્યા હતા, અને ગાંધીનગરથી પણ ૧૪ લોકોની ટીમ પ્રશ્નોના ઝડપી ઉકેલ માટે આવી છે તેમ તેમણે જણાવ્યું હતું. સરકાર દ્વારા શરુ કરવામાં આવેલા મહેસૂલ મેળામાં જમીન, મકાનને લગતા પ્રશ્નો જેવા કે નામ ઉમેરવું, કમી કરવું, સરવે, નવી એન્ટ્રી, રિ-સર્વે સહિતના પ્રશ્નોનું સ્થળ પર જ નિરાકરણ કરવામાં આવશે.
મહેસૂલ મેળાની શરુઆત ૧૦ ફેબ્રુઆરીએ નવસારીથી કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે, સરકાર દ્વારા મહેસૂલ વિભાગની ઘણી કામગીરીને ઓનલાઈન કરવામાં આવી છે. મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીના જણાવ્યા અનુસાર અત્યારસુધીમાં ચાર કરોડ જેટલા દસ્તાવેજાેનું ડિજિટલાઈઝેશન કરવામાં આવ્યું છે.