Gujarat News: ગુજરાતની ફરિસ્તા જેવી દીકરી એટલે કે આશા પટેલની સેવાના રાજકોટથી લઈને ભારત અને યુકેમાં પણ વખાણ થઈ રહ્યા છે. રાજકોટમાં ફૂટપાથ અને ઝુપડપટ્ટીના બાળકોનું જમવાનું, એમના ભણવાનું, એમના જીવનલક્ષી જરૂરિયાત પુરી કરવાનું, લીંબડી ખાતે આશાનું હરિદ્વાર સંસ્થામાં અનેક સેવા અને હરિદ્વારમાં ભાવિ ભક્તો માટે રહેવું જમવું ફ્રી આપવાની સેવા… આવી અનેક સેવા આશા પટેલ કરી રહ્યા છે. ત્યારે હાલમાં આશાબેન વિદેશના પ્રવાસે છે. જ્યાંથી આશાબેનને ખોબલે ને ખોબલે પ્રતિસાદ મળી રહ્યો છે.
આશાબેનને વિદેશની ધરતી માત્ર માન સન્માન જ નથી મળતું, પણ આપણા ગુજરાતીઓ તેમજ ત્યાના સ્થાનિકો દ્વારા આર્થિક મદદ પણ મળી રહી છે. આશાબેન દ્વારા આવા સૌ સેવાભાવી જીવનો અંતરની લાગણીથી આભાર પણ વ્યક્ત કર્યો હતો.
લીંબડી ખાતેની સંસ્થા આશાના હરિદ્વારની વાત કરીએ તો સંસ્થા તમે ઘણી બધી જોઈ હશે પરંતુ આશાના હરિદ્વાર જેવી નહીં જોઈ હોય. રાજકોટ જ નહીં સમગ્ર ગુજરાતમાં સેવા ક્ષેત્રે મોટું નામ એટલે રાજકોટના આશા પટેલ. રાજકોટમાં લીંમડી ખાતે આશા પટેલનું આશાનું હરિદ્વાર હવે એકદમ બનીને તૈયાર થઈ ગયું છે અને લોકો લાભ પણ લેવા લાગ્યા છે. જ્યારથી આશાનું હરિદ્વાર બનવાનું શરૂ થયું ત્યારથી જ લોકો રાહ જોતા હતા કે આખરે ક્યારે આ સંસ્થા બનશે અને નિરાધાર લોકોને સેવા મળવાનું શરૂ થશે. આખરે હવે આ ઘડી આવી ગઈ અને લોકોએ લાભ લેવાનું પણ શરૂ કરી દીધું છે.
આશાનું હરિદ્વાર એક એવી સંસ્થા છે જ્યાં અનેક પ્રકારની સેવાઓ એકસાથે મળી રહી છે. જે દિકરીઓને ભણવું હોય પણ આર્થિક રીતે તકલીફ હોય તો આશાનું હરિદ્વાર સેવામાં અડીખમ છે. શિક્ષણની સાથે સાથે ધાર્મિક જ્ઞાન પણ અહીં મળી રહેશે. ધાર્મિક જ્ઞાન સાથે સંસ્કૃત ભાષા પણ શીખાડવામાં આવે છે. આશાના હરિદ્વારમાં શિક્ષણ સાથે 2 સમયનું ભોજન પણ આપવામાં આવશે અને રહેવાની પણ વ્યવસ્થા કરી આપવામાં આવે છે.
એ જ રીતે જે વૃદ્ધો અને બાળકોનું કોઈ નથી એવા બાળકો-વૃદ્ધોને પણ આ આશાના હરિદ્વારમાં તમામ મદદ મળી રહેશે. તેમની તમામ રીતે દેખરેખ કરવામાં આવે છે. તેઓના કામથી લઈને બાળકોના ભણવા સુધીની સહાય આ જ આશાના હરિદ્વારમાં મળી જશે. એ જ રીતે કોઈ અબલા નારી છે અથવા જે મહિલાઓ સાથે સમાજમાં અન્યાય થઈ રહ્યો છે એવી તમામ મહિલાઓ માટે વર્ષોથી આશા પટેલ ખભાથી ખભો મિલાવીને દરેક પ્રકારની મદદ કરી રહ્યા છે. એ જ રીતે આ આશાના હરિદ્વારમાં પણ મહિલાઓને બધી પ્રકારની સહાય મળી રહેશે. આશાના હરિદ્વારમાં 2024માં જાન્યુઆરી મહિનામાં એક ભવ્ય કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું છે અને ત્યારે વિદેશથી પણ મહેમાનો પધારશે.
આશાના હરિદ્વારમાં સેવાભાવી લોકો સેવા આપી રહ્યા છે અને સાથે જ 2 લોકો પગાર પર પણ રાખ્યા છે. તેમજ આ હરિદ્વારમાં દાન વિશે વાત કરતાં આશાબેન જણાવે છે કે મારા લંડનમાં પરિવાર છે એમના તરફથી 60% અને 40% બીજી બધી જગ્યાએથી આવે છે. ગુજરાતમાં આશાનું હરિદ્વાર બનાવ્યા બાદ આગળનો મારો પ્લાન ગુજરાતમાં દરેક જગ્યાએ આવી સંસ્થા બનાવીને લોકોના કલ્યાણ અર્થે મૂકવાનો છે. આશા પટેલે હાલમાં હરિદ્વાર ગંગાની ઘાટ પર પણ ખીર-પુરીની સેવા શરૂ કરી છે અને ત્યાંના નિ:સહાય લોકો માટે દર મંગળવાર અને શનિવારે સેવા આપે છે.
રાજકોટમાં જ્યારે નિરાધાર અને ઝૂંપડપટ્ટીના બાળકોને પૂછવામાં આવે કે તમારા માટે સાચો સધિયારો કોણ તો દરેકના હોઠ પર એક જ નામ રમે કે આશાબહેન પટેલ. ધારે તો વિદેશમાં સુખ સાયબીથી જાહો જલાલીની જિંદગી જીવી શકે પણ આશા કંઈક નિરાધારની આશા બની છે. નાનપણથી જ જેમણે સેવાને પોતાના રોજિંદા જીવનની વસ્તુ માની છે એવા આશાબેન યુવાનીમાં જ ક્રાતિકાંરી મહિલા તરીકે ઉભરીને આવ્યા છે. એમાં પણ ધીરે-ધીરે સેવા અને દયાનું ઉમેરણ થયું અને હવે તો આખા ગુજરાતમાં આશાબેન કોઈ પરિચયના મોહતાજ નથી. દરરોજ 200થી વધારે બાળકોને જમાડવા, તેમનું શિક્ષણ, તેમનો સર્વાંગી વિકાસ અને જીવવાનું જ્ઞાન આપવાનું…. જેવા અનેક કામ એકસાથે આશાબેન પોતાની આખી ટીમ સાથે મળીને કરી રહ્યા છે. તો આવો જાણીએ આશાબહેનના આ ભગીરથ કાર્ય વિશે.
આંદોલનનો જીવ
આશાબહેનનો જન્મ ગોંડલની બાજુમાં ગુંદાળા ગામે થયો હતો. એકથી સાત ધોરણ ગામડે ભણ્યાં પછી ધોરણ 8માં જૂનાગઢ જોશીપુરા કન્યા છાત્રાલયમાં પ્રવેશ મેળવ્યો. એમના પહેલા ક્રાંતિકારી વિચાર વિશે વાત કરીએ તો જૂનાગઢ જોશીપુરા કન્યા છાત્રાલયમાં જે તે સમયે 10000 રૂપિયા ફી લેવામાં આવી તો આશાબહેને બહેનોને ભેગા કરીને આંદોલન કર્યું અને અડધી ફી પાછી આપવાની માંગણી કરી. ત્યારે જૂલમમાં પણ કંઈ બાકી ન રાખ્યું એમ તેમની પર ટીયર ગેસ પણ છોડવામાં આવ્યા હતા. આશાબહેનને જેની અસર થતાં હોસ્પિટલમાં દાખલ પણ કરવા પડ્યાં હતા. પરંતુ જેમ કહેવાય ને કે નારી તું ન હારી એમ તેઓ હાર્યા નહીં. અસત્યને છોડી સત્યનો સાથ આપનારી નારી આશાબહેન આખરે જીત્યા પણ ખરાં. ખુબ જ નાનપણથી જ આંદોલનકારી અને અસત્ય સામે લડનારી આ મહિલાની નોંધ ત્યારે પણ મોટા મોટા ન્યૂઝ પેપરમાં લેવામાં આવી હતી અને એમના મમ્મીએ આ ન્યૂઝ પેપર સાચવી રાખ્યું હતું.
નાનપણથી જ સેવાનો શોખ
નાનપણથી જ આશાબહેનનો સ્વભાવ સિદ્ધાંતવાદી હતો કે ક્યારેય ખોટું કરવું નહીં અને ખોટું થતું હોય તો સહેજ પણ સહન કરવું નહીં. આશાબહેન ધોરણ 12 સુધી અભ્યાસ કરીને પછી બ્યૂટી પાર્લરનું કામ કર્યું. એમાં પણ સેવાભાવ ખોળી જ લીધો અને એવી જે ગરીબ ઘરની દિકરીઓને તૈયાર કરવાની કે જેઓ ખરેખર બહાર મેકઅપ કરવાનો ખર્ચ ઉપાડી શકે એમ ન હોય. એમાં પણ જે દિકરીઓ ગામડે હોય તો એવી દિકરીઓને ફ્રીમાં મહેંદી મૂકી દેતા અને તૈયાર પણ કરી દેતાં. ટૂંકમા બધું જ ફ્રીમાં કરી આપતા. ભલે અત્યારે આશાબહેન બધી રીતે સક્ષમ હોય પણ જે તે સમયે આશાબહેનની ઘરની પરિસ્થિતિ વધારે સારી નહોતી. તેમ છતાં આશાબહેન ને પહેલાથી બધાને નવું-નવું બનાવીને જમાડવાનો ખુબ જ શોખ હતો. એટલા માટે ગામડે મોટી ઉંમરના દાદી-દાદા હોય, આડોશ-પાડોશમાં હોય તેઓને ભેગા કરીને કશુક ને કશુક નવું બનાવીને જમાડે.
અતિ કપરાં અત્યાચારમાંથી પસાર થયાં
પછીના જીવનની વાત કરવામાં આવે તો આશાબહેન લગ્ન થાય છે. લવ મરેજ હતા પણ તેમ છતાં 6 વર્ષ જેમ-તેમ ચાલ્યા. આશાબેન પોતાની આપવીતીની જણાણે છે કે હાલમાં તેઓને એક બેબી છે. બાબા માટે મારી સાસરી તરફથી મને ખૂબ ટોર્ચર હતું. કારણ કે મારે 5-6 વખત તો કસુવાવડ થઈ ગઈ છે. પછી તો ડોક્ટરે પણ ના પાડી કે હવે ડિલિવરી ન કરતા. કારણ કે તમારા જીવને જોખમ છે. છતાં પણ મારી સાસરી કે મારા પતિ માનવા તૈયાર ન હતા અને મારા પતિ દારૂ પીવે તેમજ બીજી ઘણી બધી કુટેવો હતો. જેના કારણે હું 8 વર્ષથી અલગ રહું છું. મેં મારું જીવન ખૂબ દુઃખમાં જોયું છે. મને સાસરે રોજના 20 રૂપિયા વાપરવા આપતા તેમાંથી મારી બેબીને દૂધ પીવડાવાનું અને રોજનો શાકભાજીનો ખર્ચ પણ તેમાંથી જ કાઢવાનો. છતાં હું બહારનું ચાંદી કામ કરતી અને જેમ તેમ કરીને ઘર ચલાવતી.
ભાઈનો અવિરત પ્રેમ
આશાબહેન આગળ વાત કરે છે કે પછી મેં એક દિવસ વિદેશમાં મારો ભાઈ છે તેમને કોલ કરીને બધી વિગતે વાત કરી કે મારે મરી જવું છે. તું મારી બેબીને સાચવજે, કેમ કે હું આ સમાજના ડરથી કંઈ જ કરી નહોતી શકતી. આ સાંભળી મારો ભાઈ રાતોરાત મારા મરવાના શબ્દથી લંડનથી માત્ર 16 કલાકમાં મારી ઘરે આવી ગયો. પછી તેનો જે ફ્લેટ હતો ત્યાં મને શાંતિથી રહેવાનું અને ભગવાનનું ભજન કરવાનું કહ્યું. છતાં હું ઘરે બેસીને પણ ચાંદી કામ કરતી અને રોજની 100 રૂપિયા કમાતી.
આ રીતે સેવાની સરવાણી શરૂ થઈ
આશાબહેનની દરિયાદીલી તો જુઓ સાહેબ. આ રીતે જે પૈસા આવતા એમાંથી એક મહિને એકવાર ઝૂંપડપટ્ટીના બાળકોને જમાડતા. આશાબહેન જણાવે છે કે ત્યારે ખર્ચ મારો ભાઈ આપતો અને જો કે હાલમાં પણ આપે જ છે. પછી આ રીતે આશાબહેનની એક નવી જ જર્ની શરૂ થાય છે અને મહિને એકવારમાંથી 15 દિવસે અને પછી એક દિવસ સ્વામિનારાયણ ભગવાનની સવારે પૂજા કરતા હતા તો આશાબહેનને વિચાર આવ્યો કે હું કાલથી રોજ બાળકોને જમાડીશ.
પોતોના ભગીરથ કાર્ય વિશે આશાબેન કહે છે કે તારીખ 10.10.2021થી અમે દરરોજ બાળકોને જમાડવાનું શરૂ કર્યું અને એ હજુ પણ બંધ નથી થયું. હાલમાં તેઓ દરરોજ 200 બાળકોને જમાડે છે, સાથે જ ઝૂંપડપટ્ટીમાં એક એક શિક્ષક મૂકીને તેઓને ભણાવવાનું કામ પણ કરી રહ્યા છે. આ કામમાં આશાબહેનને બધાનો ખુબ સાથ સહકાર મળે છે અને આ સેવા અવિરત ચાલુ છે. આ સિવાય આશાબહેનની બીજી સેવા વિશે પણ વાત કરીએ તો કોરોના કાળમાં રોજ કોરોના દર્દીઓને બપોર અને સાંજે એમ કરીમે એક જ દિવસમાં 1500થી 1700 વ્યક્તિને જમાડતાં. આ સાથે જ અનાજની કિટ વિતરણ અને કોઈ દવાની સેવા પણ જેટલી થઈ શકે એટલી કરતાં.
ભગવાન તમને સો ટકા મદદ કરે
આશાબહેન એક વાત વાંરવાર કહે છે કે આ કામ અથવા સેવા હું એકલી નથી કરતી. હું તો બધાને એક વિચાર આપું છું. સાચી સેવા તો દાનવીર દાતારના લીધે થાય છે. હુ તો મારુ એક શરીર વાપરું છું. મેં ખુબ ખૂબ દુઃખ જોયું છે એટલે દુઃખ શું હોય તે મને ખુબ સારી રીતે ખબર છે. પણ મારો એક સ્વાભાવ હમેશા રહ્યો છે કે હું ખોટા સામે જુકીશ નહીં અને ખોટું થતું હોય ત્યાં કોઈ જ ડર વગર બોલીશ. આશાબહેન એવું સ્પષ્ટપણે માને છે કે ભગવાને તમને કોઈને મદદરૂપ બનવા માણસનો અવતાર આપ્યો છે. માત્ર રૂપિયા ભેગા કરવા આપણે નથી જન્મ્યા.
આજીવન આવી સેવા કરવી
આશાબહેન પોતાના પરિવાર વિશે વાત કરે છે કે મારો પરિવાર વિદેશ છે. હું ત્યાં જતી-આવતી હોય. ત્યાં પણ અમને ભગવાને ખૂબ સુખિયા કર્યા છે. તો મેં મારા પરિવારને કહ્યું કે મારે ભારતમાં રહીને સેવા કરવી છે. મને વિદેશ રહેવાની ઇચ્છા નથી. મને મન થશે ત્યારે હું આવીશ અને 6 મહિના રહીને જતી રહીશ. મારે બસ કોઈને મદદરૂપ બની સમાજમાં એક દાખલો બેસાડવો છે કે કોઈનું પણ નાનું મોટું દાન આવે તે યોગ્ય રીતે વાપરીને તે દાનનો ઉપયોગ કરવો છે. આશાબહેનની એક જ આશા છે કે ગરીબોનું પેટ ઠારવું છે અને આજીવન આવી સેવા કરવી છે.
વાવાઝોડા વખતે પણ મદદ કરી હતી
સર્વ સમાજ સેવા શ્રીજી ટ્રસ્ટના સેવાભાવી લોકો દ્વારા વાવાઝોડાથી અસરગ્રસ્ત લોકો માટે ફૂડ પેકેટ તૈયાર કરવામાં આવ્યા હતા અને એમને પહોંચાડ્યા હતા. જે પણ પ્રભાવિત ક્ષેત્રો હશે અને મદદની જરૂર હશે એવા તમામ લોકોને સર્વ સમાજ સેવા શ્રીજી ટ્રસ્ટ મદદ કરી હતી.
આ પહેલાં પણ જ્યારથી બિપરજોયનો ખતરો ગુજરાત પર છે ત્યારથી જ આશા પટેલ દ્વારા જાહેરાત પણ કરવામાં આવી હતી કે જેમને પણ વાવાઝોડમાં સહાયની જરૂર હોય તેઓ મને કોલ કરીને જામ કરી શકે છે. અમે દરેક લોકોને બનતી મદદ કરશું. ત્યારે હાલમાં આશા પટેલ અને એમની સંસ્થા સર્વ સમાજ સેવા શ્રીજી ટ્રસ્ટના ગુજરાતના લોકો વખાણ કરી રહ્યા છે અને એમની આ પહેલને પણ ખૂબ બિરદાવી રહ્યાં છે.