દેવાયત ખવડ કેસમાં હવે માહિતી સામે આવી રહી છે કે ત્રણેય આરોપીઓને જેલ હવાલે કરાયા છે. હવે આ વાત પણ બહાર આવી કે વોન્ટેડ રહ્યાના સમય દરમિયાન દેવાયત ખવડ અને અન્ય આરોપીઓએ ક્યાં આશરો લીધો હતો તે મુદ્દે પોલીસે તપાસ કર્યા બાદ જણાવ્યું કે, આરોપી દેવાયત ખવડ પોતાની મૂળી પંથકમાં આવેલી વાડીમાં છુપાયને બેઠો હતો. જ્યારે તેના ડ્રાઇવર હરેશ ઉર્ફે કાના રબારીએ પણ પોતાનો મોબાઈલ સ્વીચ ઓફ કરી નાખ્યો હતો જેથી કોઈ તેનો કોન્ટેક્ટ ન કરી શકે. જો કે દેવાયત ખવડ અને પોલીસના નિવેદનો વચ્ચે ભેદ જોવા મળી રહ્યો છે એ પણ વાત ચોખ્ખી છે.
બનાવના 10 દિવસ સુધી ફરાર રહેતા પોલીસ તેના વતનમાં પણ શોધખોળ હાથ ધરી હોવાનું જણાવ્યું હતું. ત્યારે જો વતનમાં શોધ કરી હતી તો આરોપીઓ પોલીસને હાથે કેમ ન આવ્યા એ સૌથી મોટો સવાલ છે? કે પછી કલાકાર હોવાના કારણે તપાસના નામે પોલીસ માત્ર વાતો કરતી હતી! તે પણ સવાલો સહજ રીતે થઈ રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાય સમયથી દેવાયત ખવડનો મુદ્દો ભારે ચર્ચામાં હતો. લોકો રાહ જોઈ રહ્યા હતા કે આખરે આ સેલેબ્રિટી છે તો શું એને સજા મળશે કે કેમ, કે પછી છૂટી જશે, પરંતુ આજે કાયદાએ કાયદાનું કામ કર્યું અને સમાજમાં એક ઉત્તમ ઉદાહરણ પુરુ પાડ્યું છે. રાજકોટમાં દેવાયત ખવડ અને સાથીઓ દ્વારા મયૂરસિંહ રાણા પર હુમલો કરવાના મામલે લોક સાહિત્યકાર દેવાયત ખવડના બે દિવસના રિમાન્ડ આજે પૂર્ણ થયા હતા. જે બાદમાં આજે ખવડ સહિત ત્રણેયઆરોપીઓને કોર્ટમાં રજૂ કરાયા હતા. હવે માહિતી સામે આવી રહી છે કે ત્રણેય આરોપીઓને જેલ હવાલે કરાયા છે.
છેલ્લા 14 દિવસથી દેવાયત ખવડના મારામારીના કેસની ચર્ચા ચાલી રહી છે અને હવે એક નવો જ વળાંક સામે આવ્યો હતો હાલ રાજ્યભરમા ચર્ચામા રહેલા રાજકોટના દેવાયત ખવડના મારામારી ઘટના મામલે બચાવપક્ષના વકીલે દાવો કર્યો છે કે વીડિયોમાં દેખાનાર શખ્સ દેવાયત ખવડ નથી. તો પછી આટલા દિવસ સુધી દેવાયત ભાગતો કેમ ફરતો હતો અને જો એ નહોતો તો પછી આટલી ચર્ચા પછી એણે કેમ કોઈ ખુલાસો જ ન કર્યો કે આ હું નથી કે પછી આ કેસ સાથે મારે કોઈ લેવા દેવા નથી. આ સાથે જ એક બીજો મોટો પ્રશ્ન એ પણ છે કે જ્યારે એ ક્રાઈમ બ્રાંચ સમક્ષ હાજર થયો ત્યારે પણ મીડિયા સામે એણે એટલું જ કહ્યું કે હું સમય આવશે ત્યારે જવાબ આપીશ. જો એ વીડિયોમાં હતો જ નહીં તો એ ત્યારે પણ બોલી જ શકતો હતો કે હું છું જ નહીં. તેથી હવે લોકોને એવું લાગી રહ્યું છે કે આ બધો લુલો બચાવ કરવામાં આવી રહ્યો છે અને પોલીસથી બચવા માટે બધા કાવતરાં કરવામાં આવી રહ્યા હતા.