રંગીલું રાજકોટ કઇંકને કઈક નવું કરતું જ રહે છે, તેની દરેક વસ્તુની એક અલગ ખાસિયત અને અલગ અંદાજ હાય છે. પછી તે પાન હોય કે પાણીપૂરી. આમ તો ગુજરાતમાં શહેરથી માંડી ગામડાં અને ગલીએ ગલીએ લોકોની સૌથી વધુ પ્રિય ખાણીપીણી હોય તો એ છે પાણીપૂરી. અને એમાં પણ વરી પછી વેરાયટીની વાત કરીએ તો જેમકે સાદી પાણીપૂરી, રગડો પાણીપૂરી, સેવપૂરી, દહીંપૂરી, પાપડીપૂરી. અને તેમાં પણ જો ફરી પાછી વેરાયટીની વાત કરવામાં આવે તો ફ્લેવરમાં પણ અલગ અલગ પ્રકાર મળી જ આવે છે, જેમકે આદું ફ્લેવર, લસણ ફ્લેવર, જલજીરા ફ્લેવર, સ્વીટ ફ્લેવર, રેગ્યુલર ફ્લેવર જેવા અનેક ફ્લેવર માણવા માટે ગુજરાતીઓ પાણિપુરીની લારીએ દેખાય જ આવે છે.
પાનની વેરાયટી સળગતા પાન માટે તો રાજકોટ પ્રખ્યાત જ હતું પરંતુ હવે પાણિપુરીમાં પણ કઈક ખાસ લઈને આવ્યું છે રાજકોટ. તમે સાંભળ્યું પણ નહીં હોય અને જોયું પણ નહીં હોય કે સળગતી પાણીપૂરી પણ મળી શકે. જી હા, સૌરાષ્ટ્રના પાટનગર સમાન રંગીલા રાજકોટમાં સળગતા પાન બાદ સળગતી પાણીપૂરી સ્વાદ રસિકોમાં રાજ કરી રહી છે. રાજકોટ શહેરના કાશ્મીરાબેન રાઠોડ આ ફાયર પાણીપૂરી બનાવે છે અને લોકો ખાવા માટે ઉમટી પડે છે.
રંગીલા રાજકોટની સ્વાદપ્રિય પ્રજા વચ્ચે કાશ્મીરાબેનની કપૂરવાળી પાણીપૂરીએ આગ લગાવી છે, રાજકોટની સ્વાદપ્રિય જનતા માટે જીવન માંગલીય ટ્રસ્ટ દ્વારા રેસકોર્સના બાલભવનમાં ધરામિત્ર આહાર-આરોગ્ય ખાતે આયોજિત મેળામાં સળગતી પાણીપૂરીનો સ્વાદપ્રેમી જનતાએ ભરપૂર લાભ લીધો હતો.
ફાયર પાણીપૂરી બનાવતાં કાશ્મીરાબેન રાઠોડે જણાવ્યું હતું કે સળગતી પાણીપૂરીમાં બટાટાંનો મસાલો, ચણા, ડુંગળી પૂરીમાં ભરવામાં આવે છે, બાદમાં મસાલો ભરેલી પૂરીમાં પાણી ભરવામાં આવે છે. બાદમાં પાણીપૂરી પર પ્રાકૃતિક કપૂર મૂકવામાં આવે છે અને બાદમાં લાઇટરથી કે દીવાસળથી એને સળગાવી ગ્રાહકના મોઢામાં મૂકવામાં આવે છે. સળગતી પાણીપૂરી જેવી ગ્રાહકના મોઢામાં જાય ત્યારે મોઢું બંધ કરવાથી આગ ઓલવાય જાય છે અને ધુમાડા બહાર નીકળે છે. આ સળગતી પાણીપૂરીનો ગ્રાહકોને અલગ જ ટેસ્ટ આવે છે. પ્રાકૃતિક કપૂર ખાય પણ શકાય છે, જેનાથી શરીરને ફાયદા પણ થાય છે.