રાજકોટના યુવાને ઈન્ડિયાઝ ગોટ ટેલન્ટના મંચ પરથી એવુ કારનામાંનું પ્રદર્શન કર્યુ છે કે સૌ કોઈ જોઈને ચોંકી ઉઠયા હતા. રાજકોટના આ યુવકનુ નામ છે સચિન નિમાવત. આ યુવક માત્ર ધોરણ 7 સુધીનો જ અભ્યાસ કરેલો છે કારણ કે સ્કૂલ ફી ભરવાના ફાંફાં હોવાના કારણે પાનની દુકાનમા કામ કરતો હતો. આ બાદ હવે તેણે પોતાની કળાથી સમગ્ર દેશને ચોંકાવી સીધો હતો. સચિનની આ કરામત જોઈને શિલ્પા શેટ્ટી, કિરણ ખેર કે પછી મનોજ મુંતશિર સહિત સૌ કોઈની આંખો પહોળી થઈ ગઈ હતી.
મળતી માહિતી મુજબ સચિને સોશિયલ મીડિયામાં હાથ પર ચાલતા સ્ટંટ જોયા અને હેન્ડસ્ટેન્ડ કરવાનું શરૂ કર્યું. આ પછી ધીમે ધીજ્મે તે દીવાલ પર, રેલિંગ પર, ચકરડી, બ્રિજ પર દોડીને કે ચાલીને અનેક રીતે હાથ પર સ્ટંટ કરવા લાગ્યો. પોતાની મહેનતથી સચિન આજે ઈન્ડિયાઝ ગોટ ટેલન્ટ સુધી પહોંચ્યો છે અને હજુ પણ આગળ તે અમેરિકાઝ ગોટ ટેલન્ટ સુધી જવુ તેનું સ્વપ્ન છે. જ્યારે સચિને ઈન્ડિયાઝ ગોટ ટેલન્ટના મંચ પર આ કરતબ બતાવી ત્યારે શોના જજ શિલ્પા શેટ્ટી, કિરણ ખેર અને મનોજ મુંતશિરના હોંશ ઊડી ગયા હતા.
સચિન સાથે થયેલી વાતચીતમા તેણે જણાવ્યું હતું કે જ્યારે તેને સ્કૂલમાં 900 રૂપિયા ફી ભરવાની હતી, પણ જો એ આપું તો ખાઉં શું? આ પછી હાથ પર ચાલવાનો એક વીડિયો ઓનલાઇન જોઈ મેં હેન્ડસ્ટેન્ડ કરવા વિચાર્યુ અને મને તરત જ ફાવટ આવી ગઈ. પહેલા બે હાથની મદદથી અને અને હવે તો એક હાથથી પણ કરી શકુ છુ. જો કે આ માટે કાંડા મજબૂત હોવા જરૂરી હોવાથી હુ ધૂળ ભરેલી ગૂણીમાં પંચ મારીને પ્રૅક્ટિસ કરતો અને જો લોહી નીકળે તો પાણીની ડોલમાં હાથ બોળી દેતો.
આગળ વાત કરતા તેણે જણાવ્યું હતું કે એક વ્હોટ્સએપ ગ્રુપમાં મે એક નાનકડો વીડિયો પોસ્ટ કર્યો હતો અને તે જોતા જિમ્નેસ્ટિકના મેડમનો મને કોલ આવ્યો કે તમે બાળકોને ટ્રેનિંગ આપી શકો? ત્યારે તેમણે મને સર કહીને બોલાવ્યો અને મને એમ લાગ્યું કે જે હું કરું છું એમાં કંઈક તો વાત છે.