રાજકોટ શહેર પોલીસ કમિશનર પર થયેલા ૭૫ લાખ રુપિયાના તોડકાંડના મામલામાં ફરી એક ચોંકાવનારો વળાંક આવ્યો છે. પોલીસની તોડબાજીનો ભોગ બનેલા જગજીવન સખિયાએ પહેલીવાર આ અંગે પત્રકારો સાથે વાત કરતા જણાવ્યું હતું કે, તેમણે આ મામલે અઢી મહિના પહેલા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીને અરજી આપી હતી. જેમાં તમામ બાબતોનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. તેમણે એમ પણ કહ્યું હતું કે, હર્ષ સંઘવીને અઢી મહિના પહેલા આ બાબતની જાણ હતી, અને તેમણે એક્શન લેવાની વાતો પણ કરી હતી, પરંતુ તેવું થયું નહોતું.
એટલું જ નહીં, હર્ષ સંઘવીને રજૂઆત કર્યા બાદ પણ કોઈ એક્શન લેવાની વાત તો દૂર રહી, ઉલ્ટાનું અહીં તોડબાજી ચાલુ જ હતી. ઉલ્લેખનીય છે કે, આ મામલે ભાજપના જ ધારાસભ્ય ગોવિંદ પટેલે પત્ર લખતાં સમગ્ર બાબત મીડિયામાં ચમકી હતી અને ત્યારબાદ તપાસનો ધમધમાટ શરુ થયો હતો. ધારાસભ્ય ગોવિંદ પટેલને પત્ર લખવાનું પોતે કહ્યું હતું કે કેમ તે સવાલનો જવાબ આપતા જગજીવન સખિયાએ જણાવ્યું હતું કે, ગોવિંદ પટેલ બધી બાબતોથી માહિતગાર હતા.
જ્યારે આ મામલે ગૃહ વિભાગ અને સી.આર. પાટીલને રજૂઆત કરવામાં આવી ત્યારે પણ રામ મોકરિયા, મંત્રી અરવિંદભાઈ તેમજ ગોવિંદ પટેલ તેમની સાથે જ હતા. સખિયાએ એમ પણ કહ્યું હતું કે જાે હજુય આ મામલે કોઈ નક્કક કાર્યવાહી ના થઈ તો પોતે એન્ટિ કરપ્શન બ્યૂરો, સીઆઈડી ક્રાઈમ તેમજ સીબીઆઈથી લઈને પ્રધાનમંત્રીને પણ ફરિયાદ કરવા માટે તૈયાર છે, અને ન્યાય ના મળ્યો તો ગમે ત્યાં જવા પોતે તૈયાર છે. પોતાની સાથે એક સાક્ષી હતો, જેનું નિવેદન પણ લેવાયું હોવાનું તેમણે કહ્યું હતું.
વિકાસ સહાય દ્વારા કુલ ચાર લોકોના નિવેદન લેવાયા હોવાનું પણ તેમણે કહ્યું હતું. પોતે ટેકનિકલ પુરાવા પણ રજૂ કર્યા છે, પરંતુ હાલ તપાસ ચાલુ હોવાથી તેઓ કોઈ વધુ વિગતો જાહેર કરી શકે તેમ નથી તેમ પણ સખિયાએ જણાવ્યું હતું. પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ પર થયેલા આક્ષેપોની તપાસ હાલ ડીજીપી કક્ષાના અધિકારી વિકાસ સહાય કરી રહ્યા છે. તેમણે આ મામલે સખિયા ભાઈઓને ગાંધીનગર બોલાવીને તેમના નિવેદન પણ લીધા છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, સવારે ચાર વાગ્યા સુધી તેમના નિવેદન નોંધવાની કામગીરી ચાલી હતી. ત્યારબાદ સખિયા બંધુઓ દ્વારા એક પ્રેસ કોન્ફરન્સ સંબોધવામાં આવી હતી, જેમાં તેમણે કેટલાક ચોંકાવનારા ખુલાસા કર્યા હતા. જગજીવન સખિયાએ પત્રકારોને જણાવ્યું હતું કે રાજકોટનો દરેક વ્યક્તિ જાણે છે કે પોલીસમાં અરજી આપનારાને લૂંટવામાં આવે છે. ગુનાઓ ના નોંધીને પોલીસ ક્રાઈમનો રેટ નીચો હોવાના દાવા કરી રહી છે. જગજીવન સખિયાએ એમ પણ જણાવ્યું હતું કે, આક્ષેપોનો સામનો કરી રહેલા પોલીસ અધિકારીઓને તપાસ પૂરી ના થાય ત્યાં સુધી સસ્પેન્ડ કરવા જાેઈએ.