હાલમાં ગોંડલથી એક ખુબ જ ખરાબ સમાચાર સામે આવી રહ્યા છે કે ગોંડલના રાજાનું નિધન થયું છે. હૃદયનો તીવ્ર હુમલો આવતા 84 વર્ષની વયે તેમનું નિધન થયું હતું. હાલમાં મહારાજ સાહેબના નિધનથી રાજવી પરિવાર સાથોસાથ ગોંડલ રાજ્યમાં પણ ઘેરો શોક ફેલાઈ જવા પામ્યો હતો. માહિતી મળી રહી છે કે મહારાજા સર ભગવતસિંહજીના પ્રપૌત્ર નેકનામદાર મહારાજા જ્યોતેન્દ્રસિંહજીની તબિયત સોમવારના સવારે 9 કલાકે લથડી હતી અને ત્યારે તેઓ હજુર પેલેસ ખાતે હતા. આ વેળાએ મહારાણી સાહેબ કુમુદકુમારીજી તેમજ યુવરાજ સાહેબ હિમાંશુસિંહજી પણ હાજર હોવાનું સામે આવ્યું છે.
ઉલ્લેખનીય છે કે મહારાજા સર ભગવતસિંહજીની ત્રીજી પેઢીએ જ્યોતીન્દ્રસિંહજી પ્રપૌત્ર હતા ભગવતસિંહજીના પુત્ર ભોજરાજસિંહજી તેમના પુત્ર વિક્રમસિંહજી અને તેમના પુત્ર જ્યોતેન્દ્રસિંહજી હતા. ગોંડલ રાજવી પરિવારનું વિન્ટેજ કાર કલેક્શન વિશ્વ વિખ્યાત છે. દેશ વિદેશમાં યોજાતી કારરેસમાં ભાગ લઈ અનેક ટ્રોફીઓ મેળવી હતી. આ કાર કલેક્શન ગુજરાતનું પ્રથમ કક્ષાનું ગણાય છે. જેમાં મહારાજા જ્યોતીન્દ્રસિંહ કારના શોખીન હતા.
સાથે જ માહિતી સામે આવી રહી છે કે મહારાજા સાહેબના નિધનને લઈ નગરપાલિકા કચેરી, કોલેજ સહિતની સંસ્થાઓમાં રજા જાહેર કરી દેવામાં આવી હતી. રાજવી પરિવાર દ્વારા દરવાર ગઢ મોટી બજાર ખાતે સાંજે 4 થી 5 દરમ્યાન અંતિમ દર્શન રાખવામાં આવ્યા છે. ત્યારબાદ ત્યાંથી સ્મશાન યાત્રા નીકળશે. સાથે જ જણાવવામાં આવ્યું હતું કે પહેલા રાજવીકુળની પરંપરા મુજબ યુવરાજ હિમાંશુસિંહજીની તિલક વિધિ કરવામાં આવશે.