Gujarat News:અમદાવાદ–રાજકોટ હાઇવે પર આવેલા ત્રિમંદિર 28 જુલાઈ 2023ના રોજ રાત્રિના 10:00 વાગ્યાના અરસામાં બે જેટલા ટીઆરબી જવાન તેમજ પાંચથી છ જેટલા વ્યક્તિઓએ કલ્પરાજસિંહ ઝાલા (Kalpraj Singh Jhala) નામના આરટીઓમાં આસિસ્ટન્ટ ઇન્સ્પેક્ટર (Assistant Inspector) તરીકે ફરજ બજાવનારા વ્યક્તિની ફરજમાં રૂકાવટ કરી, તેમજ એસીબીના કેસમાં ફસાવી દેવાની અને સસ્પેન્ડ (suspend) કરાવવાની તથા ડમ્પર માથે ચડાવી દઈ જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે.
સમગ્ર મામલે કુવાડવા પોલીસ મથક ખાતે ટીઆરબી જવાન ધનરાજ, ટીઆરબી જવાન સચિન માખેલ ઉર્ફે આયર, મયૂર સોલંકી, લાલો આહિર ઉર્ફે લાલો વરુ, કરણ બોરીચા તથા બે ત્રણ અજાણ્યા માણસો વિરુદ્ધ IPCની કલમ 143, 186, 294 (b), 506 (2) હેઠળ પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે.
પોલીસને આપેલી ફરિયાદમાં આરટીઓમાં આસિસ્ટન્ટ ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવનારા કલ્પરાજસિંહ ઝાલાએ કહ્યું હતું કે, 28 જુલાઈ 2023 ના રોજ સાંજના ચાર વાગ્યાથી રાત્રિના 12 વાગ્યા સુધી માલિયાસણ ચોકડીથી કુવાડવા રોડ ઉપર વાહન ચેકિંગની કામગીરી કરવામાં આવી રહી હતી. આ દરમિયાન રાત્રિના નવ વાગ્યાના અરસામાં એક ડમ્પર ચેકિંગ હેતુસર ઉભું રખાવવામાં આવેલું હતું. ડ્રાઈવર પાસેથી લાયસન્સની તપાસ કરતા તેની પાસે લાયસન્સ ન હોવાનું જણાવતા તેમજ ડમ્પરમાં રેતી ઓવરલોડ કરેલ હોવાથી કાયદા અનુસાર ચલણ ડમ્પરચાલકને આપવામાં આવ્યું હતું.
ત્યારબાદ રાત્રિના 9:30 વાગ્યાના અરસામાં અન્ય ડમ્પરને રોકીને તેના દસ્તાવેજ તેમજ ઓવરલોડની ચકાસણી કરવામાં આવી રહી હતી. જે દરમિયાન રાત્રિના દસેક વાગ્યાના અરસામાં સાતથી આઠ જેટલા માણસો આવ્યા હતા. જેમણે અમારી ગાડીનો મેમો કેમ બનાવ્યો? તેમ કહી સરકારી વાહન પર હાથ પછાડીને ધમકીઓ આપવા લાગ્યા હતા. એવી ધમકીઓ આપવામાં આવી હતી કે, તમે હપ્તા લો છો, તમને બદનામ કરી સસ્પેન્ડ કરાવી દઈશ તેમ જ એસીબીના કેસમાં ફીટ કરાવી દઈશ, આ સાથે ગાળો પણ બોલવામાં આવી હતી. સાથે જ ડમ્પર ચડાવી જાનથી મારી નાખવાની પણ ધમકી આપી હતી.