Startup Conclave-2023: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં 7મી ડિસેમ્બરે ગાંધીનગર ખાતે આયોજન, કેન્દ્રિય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન રહેશે હાજર

Lok Patrika Reporter
By Lok Patrika Reporter
Share this Article

Gujarat News: જાન્યુઆરી-2024માં ગુજરાતની 10મી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમીટનુ આયોજન થવા જઈ રહ્યું છે. તેના પૂર્વે પ્રિ-વાઇબ્રન્ટ ઈવેન્ટના ભાગરૂપે ગાંધીનગર ખાતે તા. 7મી ડિસેમ્બરે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં “સ્ટાર્ટઅપ કોન્કલેવ-2023″નું આયોજન કરવામાં આવ્યું છે. ગાંધીનગર ખાતે આગામી તા. 6 ડિસેમ્બરના રોજ કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન અને ભારત સરકારના કૌશલ્ય વિકાસ અને ઉદ્યોગ સાહસિકતા રાજ્ય મંત્રી રાજીવ ચંદ્રશેખરની વિશેષ ઉપસ્થિતમાં એક વિશેષ રાઉન્ડ ટેબલ બેઠકનું પણ આયોજન કરવામાં આવ્યું છે. જેમાં દેશભરમાંથી યુનિકોર્ન સ્ટાર્ટઅપ્સ, વેન્ચર કેપિટલિસ્ટ અને ગુજરાતના અગ્રણી ઉદ્યોગપતિઓ ઉપસ્થિત રહેશે.

જાણો, શું છે વિગતો

આ રાઉન્ડ ટેબલ બેઠક અને સ્ટાર્ટઅપ કોન્કલેવમાં સ્ટાર્ટઅપ્સને વધુ સરળ અને અનૂકુળ વાતાવરણ પુરૂ પાડવાના હેતુથી નિયમનકારી સુધારા, કરવેરા પ્રોત્સાહનો અને અનુપાલન સંદર્ભે સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ એન્હાન્સમેન્ટ પર વધુ ભાર મૂકવામાં આવશે. ભારત અને ગુજરાતમાં વેન્ચર કેપિટલ અને પ્રાઇવેટ ઇક્વિટી રોકાણની સ્થિતિની સમીક્ષા તેમજ ગુજરાતમાં વધુ રોકાણ આકર્ષવાની તકોની ચર્ચા સંદર્ભે ઇન્વેસ્ટમેન્ટ લેન્ડસ્કેપ જેવા વિષયો પર પણ વિસ્તૃત ચર્ચાઓ કરવામાં આવશે. તદુપરાંત આ કોન્કલેવમા ઇનોવેશન અને રિસર્ચ, માર્કેટ એક્સેસ, ભંડોળ અને નાણાંકીય સમાવેશ તેમજ સ્ટાર્ટઅપના ચેલેન્જિસ વિશે વિગતવાર ચર્ચા કરવામાં આવશે.

“સ્ટાર્ટઅપ કોન્ક્લેવ-2023” એ સ્ટાર્ટઅપ, ઇન્વેસ્ટર્સ અને એન્જલ નેટવર્ક્સને વિચારો અને તકોના આદાન પ્રદાન માટે એકસાથે લાવવા માટેનું શ્રેષ્ઠ માધ્યમ પૂરવાર થશે. આ ઇવેન્ટમાં વિવિધ સેશન્સ, માસ્ટર ક્લાસીસ અને નેટવર્કિંગની તકોનું પણ આયોજન કરવામાં આવ્યું છે. જે વિવિધ રાજ્યોમાં સહયોગ, રચનાત્મકતા અને સ્ટાર્ટઅપ ઈકોસિસ્ટમને વધુ સુદ્રઢ બનાવવામાં સહાયરૂપ બનશે.

કેન્દ્ર સરકારની શરૂઆત

ભારત સરકારે 16મી જાન્યુઆરી 2016ના રોજ ઇનોવેશન, સ્ટાર્ટઅપ અને દેશના સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમમાં ખાનગી ઇન્વેસ્ટમેન્ટને પ્રોત્સાહન આપવા માટે મજબૂત ઇકોસિસ્ટમ બનાવવાના ઉદ્દેશ સાથે “સ્ટાર્ટઅપ ઇન્ડિયા”ની શરૂઆત કરી હતી. આ પહેલ શરૂ થઈ ત્યારથી Department for Promotion of Industry and Internal Trade (DPIIT) એ આશરે 99,000 સ્ટાર્ટઅપને માન્યતા આપી છે. સ્ટાર્ટઅપ ઇન્ડિયાની આ સિદ્ધિઓએ ઉદ્યોગ સાહસિકતાને ખૂબ જ વેગ આપ્યો છે. અને પરિણામે આજે ભારત વિશ્વની ત્રીજા નંબરની સ્ટાર્ટઅપ ઇકો-સિસ્ટમ ધરાવતા દેશ તરીકે ઉભરી આવ્યો છે.

સ્ટાર્ટઅપ કોન્કલેવ ભારતના સ્ટાર્ટઅપ્સની અદભુત સફળતાઓની વિવિધ ગાથાની ઉજવણી કરશે. DPIIT અને સ્ટાર્ટઅપ-ઇન્ડિયા ઇનોવેશનની સફળતાઓની ગાથાઓ પણ અહી પ્રદર્શિત કરવામાં આવશે. આત્યર સુધીમાં ભારતમાં આશરે 108 જેટલા સ્ટાર્ટઅપ યુનિકોર્નમાં પરિવર્તિત થાય છે, જેનું મૂલ્યાંકન આશરે 340.80 બિલિયન ડોલર છે. યુનિકોર્નની કુલ સંખ્યામાંથી 44 યુનિકોર્ન વર્ષ 2021માં થયા છે, જેનું મૂલ્યાંકન આશરે 93 બિલિયન ડોલર છે. જ્યારે 2022માં 21 યુનિકોર્ન થયા છે, જેનું મૂલ્યાંકન આશરે 27 બિલિયન ડોલર છે.

ભારતમાં યુનિકોર્નની સંખ્યા 100ને પાર

ભારતને વર્ષ 2011માં તેનું પ્રથમ યુનિકોર્ન મળ્યું હતું અને 2022 સુધી ભારતમાં યુનિકોર્નની સંખ્યા 100ને પાર પહોંચી છે. વિદેશી અને સ્થાનિક ઇન્વેસ્ટમેન્ટ ભારતીય સ્ટાર્ટઅપ્સના વિકાસમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. હાલમાં, ભારતમાં આશરે ૩૦ યુનિકોર્ન કંપનીઓમાં જે વિશાળ ટર્નઓવર ધરાવતી ભારતીય સ્ટાર્ટઅપ કંપનીઓ છે, તેમાં સત્તાવાર માહિતી અનુસાર આશરે 18 કંપનીઓમાં વિદેશી ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટસ છે.

સ્ટાર્ટઅપ કોન્ક્લેવ ઇન્વેસ્ટર્સને સ્ટાર્ટઅપ અંગે માર્ગદર્શન પ્રદાન કરશે. અનુભવી ઇન્વેસ્ટર્સની પેનલ સ્ટાર્ટઅપ્સને જાણવા માટે તેમના અનુભવો, શ્રેષ્ઠ પ્રયાસો અને રહેલ જોખમ વિશે જણાવશે. સાથે આ સેશનમાં રોકાણ કેવી રીતે કરવું અને તેને લગતા સંસ્થાકીય માળખા પર ધ્યાન કેન્દ્રિત કરશે. ગ્લોબલ એક્સિલરેટર સેશનમાં સ્ટાર્ટઅપના વિકાસ અને આંતરરાષ્ટ્રીય સહયોગને પ્રોત્સાહન આપવા માટે ગ્લોબલ એક્સિલરેટર મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવશે અને પ્રમુખ એક્સેલરેટર્સ હાજર રહીને તેમના સામર્થ્યોનો પરિચય આપશે.

ટેકનોલોજી ક્ષેત્રે થઈ રહેલ અભૂતપૂર્વ સંશોધનોનો સૌથી વધારે ઉપયોગ યુવાનો કરે છે ત્યારે રાજ્ય સરકારે પણ આગવા નવીન પ્રયાસો હાથ ધરીને યુવાનોને પ્રોત્સાહન આપ્યા છે. “સ્ટાર્ટઅપ” અને “હેકાથોન” થકી ગુજરાત આજે તમામ ક્ષેત્રોના સ્ટાર્ટ-અપ માટે દેશભરમાં શ્રેષ્ઠ સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ ધરાવતું રાજ્ય બન્યું છે.

સ્ટાર્ટઅપ ઇન્ડિયા

તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રાજ્યમાં સ્ટાર્ટ-અપની શરૂઆત કરી હતી. જેને સફળતાના પરિણામે ભારત સરકારે જાન્યુઆરી 2016માં “સ્ટાર્ટઅપ ઇન્ડિયા”ની શરૂઆત બાદ પ્રથમ સ્માર્ટ ઈન્ડિયા હેકાથોન (SIH) વર્ષ 2017માં કરવામાં આવી હતી. સ્માર્ટ ઈન્ડિયા હેકાથોન વિદ્યાર્થીઓને આપણા રોજિંદા જીવનમાં આવતી કેટલીક અઘરી સમસ્યાઓના ઉકેલ માટે એક પ્લેટફોર્મ પૂરું પાડવા માટેની રાષ્ટ્રવ્યાપી પહેલ નરેન્દ્ર મોદીની પ્રેરણાથી શરુ થઈ છે.

રાજ્યમાં ન્યુ ઇન્ડિયા વાઇબ્રન્ટ હેકાથોનનું ગ્રાંડ ફિનાલે ગાંધીનગર ખાતે સંપન્ન થયું છે. જેમાં રાજ્યના વિવિધ સરકારી વિભાગો-ઔદ્યોગિક ગૃહોને સ્પર્શતા ૨૩૧ જેટલા પ્રોબ્લમ સ્ટેટમેન્ટસનું સમાધાન આપવા 10,000 થી વધુ વિધાર્થીઓની 2067 ટીમોએ ભાગ લીધો હતો. 181 ટીમો દ્વારા ફાઈનલ રાઉન્ડમાં પ્રોબ્લમ સ્ટેટમેન્ટસનું નિરાકરણ સૂચવવામાં આવ્યું હતું. તેમાંથી શ્રેષ્ઠ એવી 36 ટીમો આ સ્પર્ધામાં વિજેતા જાહેર થઈ છે જેમને 42 લાખના ઇનામો આપાવામાં આવનાર છે.

રાજ્યમાં સ્ટાર્ટઅપ અને ઈનોવેશનને પ્રોત્સાહન અને સમર્થન પુરુ પાડવાના ઉદ્દેશ્યથી શિક્ષણ વિભાગ દ્વારા સરકારની સંપુર્ણ માલિકીની સ્ટાર્ટ-અપ ડેડીકેટેડ સરકારી કંપની “ગુજરાત સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ એન્ડ ઇનોવેશન હબ” (i-Hub) નોન-પ્રોફિટ ઓર્ગેનાઈઝેશન તરીકે સેક્શન 8 કંપનીની સ્થાપના કરવામાં આવી છે. રાજ્યના યુવાના ઇનોવેટીવ અને ઈન્ટેલેકચ્યુઅલ આઈડિયા સ્ટાર્ટ-અપમાં પરિણમે તે માટે આ વૈશ્વિક કક્ષાની સવલતો ધરાવતું અત્યાધુનીક i-Hub ભવનનું નિર્માણ કરવામાં આવ્યું છે. જેનું આવતીકાલે લોકાર્પણ થનાર છે. અમદાવાદ ખાતે KCG પરિસરમાં રૂ. 100 કરોડના ખર્ચે નિર્માણ પામેલ આ i-Hub ભવન એક સાથે 500 જેટલા સ્ટાર્ટ-અપને ઇન્ક્યુબેટ કરી શકે તેવી ક્ષમતા ધરાવે છે.

i-Hub: ગો-ટુ-માર્કેટ સ્ટેજ પર મદદ રૂપ

i-Hub દ્વારા સ્ટાર્ટ-અપને શરૂઆતના તબક્કામાં ગો-ટુ-માર્કેટ સ્ટેજ પર મદદ રૂપ થઇ થોટ થી એન્ટરપ્રાઇઝ સુધીની તેમની સફરમાં ઇનોવેટર્સને પ્રોત્સાહન અને માર્ગદર્શન અપાશે. સ્ટાર્ટઅપ માટે કાનૂની, નાણાકીય, તકનીકી, IPR અને પદ્ધતિસરનું માર્ગદર્શન પૂરું પાડવામાં આવશે. સ્ટાર્ટઅપને ઇન્ક્યુબેટ કરવા માટે જરૂરી સ્કીલ/નોલેજ/ટૂલ્સ અને ઉપલબ્ધ કરવવામાં આવશે. ઇન્ક્યુબેશન, એક્સિલરેશન્સ અને ઇન્વેસ્ટમેન્ટ માટે એન્ડ-ટુ-એન્ડ લિન્કેજ કરી સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમને મજબૂત કરવામાં આવશે.

અહીં 4 લાખ વિદ્યાર્થીઓમાં સ્ટાર્ટ-અપ ક્ષમતા-નિર્માણ કાર્યક્રમો, 2300 ઈનોવેટર્સને વિવિધ સ્ટાર્ટ-અપ પ્રવૃત્તિઓ ને સપોર્ટ, 439 સ્ટાર્ટઅપ્ ને i-Hub દ્વારા ઇન્ક્યુબેશન સપોર્ટ, 35 વેન્ચર કેપિટલ સાથે જોડાણ, 114 મહિલા સ્ટાર્ટઅપ, 350 કરોડ નું ઇન્વેસ્ટમેન્ટ સ્ટાર્ટઅપમાં કરવામાં આવ્યું છે. ગુજરાત યુનિવર્સીટીના વિદ્યાર્થીઓ એ WeHear સ્ટાર્ટઅપ દ્વારા વિશ્વનો પ્રથમ સ્માર્ટ હેડ-ફોન વિકસાવેલ છે. જેમાં કેમેરા સહિત ના હેડ-ફોનથી બ્લાઈંડ વ્યક્તિ તેની સામે રાખેલું પુસ્તક વાંચી શકે કે ચિત્રને ઓળખી શકે તેવા સ્ટાર્ટ-અપ્સ આપણા ગુજરાતના વિદ્યાર્થીઓએ બનાવ્યાછે. 72 ભાષાનું લખાણ આ હેડ-ફોન થી સાંભળી શકાય છે. આ સ્ટાર્ટ-અપ એ 20 દેશોમાં 3.56 કરોડનાં આવા હેડ-ફોનનું વેચાણ કરેલ છે.

મહિલા સ્ટાર્ટ-અપ દ્વારા ટ્રકો માટે એપ થકી માલ-સામાનના આવા-ગમન માટે સ્ટાર્ટઅપ શરૂ કરવામાં આવેલ છે. નવીનતમ ટેકનોલોજી અને ડીપ ટેકનોલોજીના ઉપયોગથી ખેતી-વાડી અને સ્વાસ્થ્ય ક્ષેત્રે નવા સ્ટાર્ટઅપ શરૂ કરવામાં આવી રહેલ છે. આવી અનેક સફળ ગાથાઓ આઈ-હબ ખાતે ગુજરાત રાજ્યની ધરતી પર સાકાર થઈ છે.


Share this Article