કોઈ કવિએ સરસ લખ્યું છે કે,
જેવી રીતે દિવાલ ચીરીને કૂંપળ કંઈ ખાસ નીકળે,
એવી રીતે દિવ્યાંગોની છાતી ચીરો તો આત્મવિશ્વાસ નીકળે.
આવા આત્મવિશ્વાસુ દિવ્યાંગોને ખરેખર સાહનુભૂતિની નહીં પણ સમાનતાની જરૂર છે. આવી જ સમાનતા માટે યુનિફાઈ એન્ડ યુનિટિ ફાઉફન્ડેશન છેલ્લા 5 વર્ષથી અમદાવાદ ખાતે કાર્યરત છે. તેમજ આ ફાઉન્ડેશનમાં 120 લોકો સેવા આપી રહ્યા છે. પ્રજ્ઞાચક્ષુ લોકોને પરીક્ષામાં રાઈટરની જરૂર પડે. સાદી ભાષામાં કહીએ તો લહિયાની જરૂર પડે. આખું વર્ષ એ લોકો મહેનત કરે, બેફામ મહેનત કરે અને તનતોડ મહેનત કરે છે. પરંતુ એ લોકોને છેલ્લા આશા તો આપણા જેવા દેખતા લોકો પર જ રાખવી પડે છે. જો આપણે એમની મદદ નહીં કરીએ તો એ લોકોની 6 મહિનાની કે વર્ષની મહેનત પર પાણી ફરી વળશે. તો આપણે સૌ આ કામમાં ભાગીદાર બનીએ એ માટે યુનિફાઈ એન્ડ યુનિટિ ફાઉફન્ડેશન દ્વારા એક સરસ કેમ્પેઈન ચલાવવામાં આવી રહ્યું છે.
યુનિફાઈ એન્ડ યુનિટિ ફાઉફન્ડેશન દ્વારા ચલાવવામાં આવતા આ કેમ્પેઈનમાં વધારેમાં વધારે લોકો જોડાઈ શકે એ માટે સમાજની સમક્ષ સેવા કરતાં લોકોના રિવ્યુ આપવામાં આવી રહ્યા છે. પ્રજ્ઞાચક્ષુ લોકોને પડતી મુશ્કેલી લોકો સમક્ષ મુકી રહ્યા છે. આ કેમ્પેઈનમાં જોડાવા માટે આહ્વાન કરવામાં આવ્યું છે. આ કેમ્પેઈનમાં કંઈ જ વધારે નથી કરવાનું. જો તમે પ્રજ્ઞાચક્ષુ લોકોને મદદ કરી છે તો તમને કેવું લાગ્યું એ પ્રતિભાવ આપવાનો છે. જો તમે આવા કોઈ લોકોને મદદ નથી કરી અને તમે જો કરવા માંગો છો તો પણ તમારે જાણ કરવાની છે. તમે મદદ કરવા માંગો છો અને ખબર નથી કે તમારે કેવી મદદ કરવી તો પણ તમે અમે અહીં આપેલા નંબર પર કોલ કરીને જાણી શકો છો.
યુનિફાઈ એન્ડ યુનિટિ ફાઉફન્ડેશન દ્વારા અત્યાર સુધીમાં 800થી પણ વધારે પ્રજ્ઞાચક્ષુ લોકોને સેવા આપવામાં આવી છે. પરંતુ તેમ છતાં હજુ ઘણા પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થીઓને મુશ્કેલી વેઠવી પડી રહી છે, માટે આપ સૌના સાથ સહકારની જરૂર છે. તો આપ પણ યુનિફાઈ એન્ડ યુનિટિ ફાઉફન્ડેશનના આ ભગીરથ કાર્યમાં જોડાઓ અને દિવ્યાંગોને મદદ કરો એવું આહ્વાન છે.