સુરત બસમાં એકાએક આગ લાગવાની ઘટનાએ સમગ્ર ગુજરાતને ચોંકાવી દીધું છે. આ ઘટનામાં એક મહિલાના મોતની પણ ખબર સામે આવી છે. આ ઘટનાની જાણ થતાં જ સુરત પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી હતી અને આ મામલે તપાસ હાથ ધરી હતી. તો વળી પ્રાથમિક તપાસમાં ACનું કમ્પ્રેસર બ્લાસ્ટ થવાથી આગ લાગી હોવાનું જાણવા મળ્યું છે. સાથે જ કહેવામાં આવી રહ્યું છે કે બસમાંથી બે વ્યક્તિને રેસ્ક્યૂ કરવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે.
આ ઘટનામાં મહત્વનું છે કે, સુરતનો હીરાબાગ વિસ્તાર ટ્રાફિકથી ધમધમતો વિસ્તાર છે. ત્યારે ખાનગી બસમાં આગ લાગવાની ઘટનાથી લોકોની ભારે ભીડ જોવા મળી હતી અને રસ્તા પર ટ્રાફિક જામ થઈ ગયો હતો. રાજધાની ટ્રાવેલ્સ સ્લીપર કોચ બસમાં લાગી આગ લાગી હોવાનું હાલમાં સામે આવી રહ્યું છે. આગ લાગવાની ઘટના સમયે બસમાં કુલ 15 મુસાફરો સવાર હતા એવું કહેવામાં આવી રહ્યું છે. ત્યારે આ ઘટનાની જાણ થતાં જ સુરતના મેયર હિમાલી બોઘાવાલાએ સ્મીમેર હોસ્પિટલ પહોંચી ઇજાગ્રસ્ત સાથે મુલાકાત કરી હતી.
ઉલ્લેખનીય છે કે જ્યારે બસમાં આગ લાગી ત્યારે કોઈને સમજમાં આવતું નહોતું કે શું કરવું એટલે મુસાફરોએ પણ પોતાના જીવ બચાવવા માટે આમતેમ ભાગ્યા હતા. આ ઘટનાની જાણ થતાં જ ફાયરવિભાગના ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને આગ બુઝાવવાના પ્રયત્નો હાથ ધર્યા હતા. ફાયરવિભાગની મહેનતને કારણે થોડા સમયમાં જ આગ કાબૂમાં આવી હોવાનું પણ સામે આવ્યું છે.