લોકપત્રિકા સ્પેશિયલ
સંઘર્ષમાંથી ઉગરેલા સેલેબ્રિટી
ઓથર:- અલ્પેશ કારેણા
હિન્દુ ધર્મમાં સૌથી પ્રવિત્ર પ્રાણી ગાય માતાને માનવામાં આવે છે. શાસ્ત્રો તો એવું કહે છે કે ગાય માતામાં 33 કરોડ દેવતાનો વાસ રહેલો હોય છે. આપણે ત્યાં એવી પણ માન્યતાઓ રહેલી છે કે જે જગ્યાએ ગૌ-માતા ખુશીથી ભાભરે ત્યાં સ્વયંભૂ ભગવાન પુષ્પવૃષ્ટિ કરતા હોય તેમ પ્રસન્ન થાય છે. ગાય જે જગ્યાએ ઊભી રહીને આરામ પૂર્વક શ્વાસ લે ત્યાં તમામ જાતમાં વાસ્તુદોષ પુરા થઈ જાય છે. જે વ્યક્તિ ગાય માતાની સેવા પૂજા કરે છે એમના પર આવવા વાળી બધી પ્રકારની વિપત્તિઓને ગાય માતા હરી લે છે…. આવા કંઈ કેટલા આશ્વાસનો આપણે ત્યાં છે, ત્યારે આજે જે ગૃપ વિશે વાત કરવી છે એ મહાત્માઓ ગાય માતા માટે રાત દિવસ કામ કરી રહ્યાં છે. એ પણ એવી ગાય વિશે કે જે ગાય માતા અપંગ, અંધ, નિસહાય, ઘવાયેલ કે પછી નિરાધાર હોય. તો આવો મળીએ એવી સંસ્થાને કે જેઓ તન મન ધનની કરી રહ્યા છે ખરી ગૌ સેવા. આ નામ એટલે કે શ્રી હનુમંત ગૌ-સેવા ચેરીટેબલ ટ્રસ્ટ અને જય કષ્ટભંજન ગૌ સેવા ટ્રસ્ટ સુરત.

શાળાના નાના નાના બાળકોએ કરી શરૂઆત
વાત છે 2017ની કે જ્યારે વાવેરા ગામના શાળાના નાના નાના બાળકો ગામમાં ફરતા અને કોઈ 50 કે 100 રૂપિયાની દાન આપતા એમાંથી દવાની પેટી લઈને જ્યાં પણ બિમાર ગાય હોય તો એમની સેવા કરતાં અને સાજી કરવાનો પ્રયત્ન કરતાં. આ બાળકોની ભાવના બસ એટલી જ હતી કે ગાય માતાનું દુખ હળવું કરી શકાય. આવી રીતે અલગ અલગ જગ્યાએ સેવા કરતાં અને એક વખત એમાંથી એવો વિચાર આવ્યો કે આપણે જે અલગ અલગ રીતે જઈને સેવા કરીએ એના કરતાં તો એક જ સ્થાનિક જગ્યાએ ગૌશાળા બનાવવામાં આવે અને બધી જ ગાયોને ત્યાં એકઠી કરી તેમની સેવા કરવામાં આવે તો વધારે સારું થઈ શકે. એ રીતે એક સ્થાનિક જગ્યા નક્કી કરી અને ગાયોને ત્યાં રાખવાનું નક્કી કર્યું. પરંતુ આવકના સોર્સના અભાવે બધી ગાયોને પહોંચી વળાતું નહોતું અને પછી એક રામધૂન મંડળ સ્થાપવાનું નક્કી કર્યું.

આખા ગુજરાતમાં ફ્રીમા કરે છે રામધૂન
ટ્ર્સ્ટના પ્રમુખ શ્રી નિલેશભાઈ ગજેરા જણાવે છે કે આ ગૌશાળા અને ગાયની સેવા કરવા માટે 2019માં ધૂન મંડળની શરૂઆત કરવામાં આવી. આ ધૂનમંડળમાં હાલમાં 5 વર્ષના બાળકોથી લઈને કોલેજ સુધીના યુવાનો અને 45 વર્ષના યુવાનો શામેમ છે. કુલ 110 યુવાનો કામ કરી રહ્યા છે. જ્યાં પણ રામધૂન કરવા જવાનું હોય ત્યાં બિલકુલ ફ્રીમાં જાય છે, રામધૂનનો કોઈ જ ચાર્જ રહેતો નથી. યુવાનોના માત્ર નાસ્તા પાણી અને ટિકિટના જ પૈસા આપવાના રહે છે. આ રામધૂનના પ્રોગ્રામમાં જો કોઈ દાન પેટે રૂપિયા આવે તો એમાંથી ગૌશાળા ચલાવીએ છીએ અને ગાયોની સેવા કરીએ છીએ.

તૌકતે વાવાઝોડામાં 30 લાખનું નુકસાન
નિલેશભાઈ જણાવે છે કે 2018થી 2021 સુધીમાં 80 લાખની માતબર રકમનો ખર્ચ કરીને અમે ગૌશાળા ઉભી કરી હતી અને એમાં સેવા આપી રહ્યા હતા. અમારી પાસે કોઈ એવો મોટો દાતા નખી કે જે અમને 5 લાખ કે 25 લાખ રૂપિયા આપે. અથવા તો કોઈ એવી સરકાર કે ધારાસભ્યએ પણ અમને આમાં કોઈ રમકનો સહયોગ આપ્યો નથી. અમે અમારી રીતે જ બધું મેનેજ કરીએ છીએ. જ્યાં પણ રામધૂન કરીએ ત્યાંથી જે પણ દાન મળે એનો પૈસો અમે આ ગાય માતાની સેવામાં વાપરીએ છીએ. પરંતુ એમા ઘટના એવી બની કે તૌકતે વાવાઝોડાના કારણે અમને 30 લાખનું નુકસાન થયું છે. કુલ અમારી પાસે 3 શેડ હતા એમાંથી હવે આશ્રમમાં માત્ર એક જ શેડ વધ્યા છે. તૌકતે વાવાઝોડાનાં કારણે બે શેડ પડી ગયા. એક ગોડાઉન અને વાછરડા માટે રાખેલો છેડ વાવાઝોડામાં પડી જતા અમે લાચાર બની ગયા છીએ. હાલમાં 44 લાખના ખર્ચે ગોડાઉનનું કામ શરૂ છે.

180 અપંગ, અંધ, બિમાર ગાયોની સેવા
પહેલાં હનુમંત ગૌ સેવા સમિતિ વાવેરા દ્રારા ટ્ર્સ્ટમની શરૂઆત કરવામાં આવી હતી. પછી ત્યારબાદ અમે બે ટ્ર્સ્ટ ખોલ્યા અને એના નેજા હેઠળ સેવા કરવાનું વિચાર્યું. આ ટ્રસ્ટ એક વાવેરામાં અને એક સુરતમાં કાર્યરત છે. વાવેરામાં કાર્યરત ટ્રસ્ટનું નામ છે શ્રી હનુમત ગૌશાળા વાવેરા અને સુરતના ટ્ર્સ્ટનું નામ જય કષ્ટભંજન ગૌ સેવા ટ્રસ્ટ સુરત. આ હેઠળ 110 યુવાનો આખા ગુજરાતમાં રામધૂન કરવા જાય છે. 2019થી લઈને દર મહિને આખા ગુજરાતમાં 15થી 17 પોગ્રામ કરવામાં આવે છે.

જો કે કોરોના પછી આ રેશિયો ઘટ્યો છે અને હવે પોગ્રામ ઓછા આવે છે. ટ્ર્સ્ટના પ્રમુખ શ્રી નીલેશભાઈ ગજેરા હાલમાં સુરત ખાતે રહે છે અને ટેક્સટાઈલના બિઝનેસ સાથે જોડાયેલા છે. એમનું મૂળ વતન અમરેલી જિલ્લાના રાજુલા તાકુલાનું વાવેરા ગામ. આ ગામમાં તેઓ એક ગૌ શાળા ચલાવી રહ્યા છે. જ્યારે 2017માં શરૂઆત કરવામાં આવી ત્યારે આ આશ્રમમાં માત્ર 5 ગાયો જ હતી જે આજની તારીખમાં 180એ આંકડો પહોંચ્યો છે. આ આશ્રમમાાં માત્ર એવી જ ગાયો રાખવામાં આવે છે કે જે અંધ, અપંગ, બિમાર અને વૃદ્ધ ગાયો, કોઈ પ્રાણીને ગાયને ફાડી ખાધેલી હોય, કોઈ એક્સિડન્ટ થયેલી હોય એવી ગાયોને રાખવામાં આવે છે.

ડોક્ટર આપે છે દરરોજ 4 કલાકની સેવા
સંસ્થાની ખાસિયત એવી છે કે સૌરાષ્ટ્રના કોઈ પણ ખુણેથી અમારી સંસ્થામાં ફોન આવે તો અમારી ટીમ ત્યાં જાય છે અને ગાયને લઈ આવે છે. કોઈપણ જાતની ફી કે કોઈને કોઈ પગાર આપવામાં આવતો નથી, બિલકુલ સેવા પર ચાલે છે આ ગૌશાળામા મોટાભાગે સમગ્ર સૌરાષ્ટ્રમાંથી ગાયો આવે છે. સાથે જ વાત કરીએ તો આ બધી ગાયો બિમાર, અંધ, અપંગ, નિરાધાર હોવાથી એને સતત સારવારની જરૂર પડે છે. જેથી 2017થી જ સેવા કરવા માટે એક ડોક્ટર આવે છે, જેનું નામ છે ડો. રોહિતભાઈ ધાખડા. આ ડોક્ટર સરકારી ડોક્ટર પણ છે અને નોકરી કરતાં હોવાની સાથે સાથે દરરોજ 4 કલાકનો સમય અહીં આપે છે. આ ડોક્ટર પણ વાવેરા ગામના જ છે.

તમે પણ કરી શકો સહયોગ
જો તમે પણ આ રામધૂન મંડળમાં અને ગાય માતાના સેવામાં કંઈ મદદ કરવા માગતા હોય તો તમારે ત્યાં કોઈ મરણ, પુણ્યતિથી, વાસ્તુ પુજન, બર્થ-ડે પાર્ટી, કોઈપણ સારા કાર્યક્રમમાં આ મંડળીને બોલાવી શકો છે અને ભગીરથ કાર્યના સહભાગી થઈ શકો છો. નિલેશભાઈ જણાવે છે કે મારો હેતુ માત્ર એટલો જ છે કે મારા ગામમાં તો બે ગૌશાળા બનાવી છે પણ આજુબાજુના ગામમાં કોઈ ગૌશાળા નથી તો એ બનાવવી છે, જ્યાં પણ ગાયમાતાને દુખ પહોંચે એ ઓછુ કરી આખા ગુજરાતમાં ગાય માતાની સેવા કરવી છે.

સંસ્થાના કાર્યકર્તાઓ
પ્રમુખ:- નીલેશભાઈ ગજેરા
ઉપ પ્રમુખ:- અશ્વીન ભાઈ ફળદુ
રિપોર્ટિંગ ટ્રસ્ટી:- સંદીપભાઈ વાલ દોરિયા
મંત્રી :- મહેશભાઈ વાળા ( મુન્નાભાઈ)
ટ્રસ્ટી:- જાદવભાઈ આહીર, અરવિંદભાઈ કોટડીયા, નિલેષભાઈ ડોબરીયા
ગૌ સેવક :- ભરતભાઈ ધાખડા, ડો. રોહિતભાઈ ધાખડા