પરેશ બ્રહ્મભટ્ટ ( ખેડા ): ખેડા જિલ્લામાં ચાલતી ખાનગી કંપનીઓ અને ફેક્ટરીઓમાં નોકરી કરતા કામદારોને સરકારી ધારાધોરણ મુજબ પગાર ચૂકવવાને બદલે ઓછો પગાર આપવામાં આવતો હોવાની બૂમો ઉઠતી રહી છે. જેને પગલે યુવા નેતા મહિપતસિંહ ચૌહાણ દ્વારા જિલ્લાની અનેક ફેક્ટરીઓમાં કામદારોને આઠ કલાકની નોકરી અને પૂરો પગાર ચૂકવવામાં આવે તેવા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
નડિયાદના પીજ રોડ ઉપર પારલે બિસ્કિટનું જોબવર્ક કરતી સ્વિટકો કંપનીમાં કામદારોને નિયત કરતાં ઓછો પગાર ચૂકવવામાં આવતો હોવાની ફરિયાદ મહિલા કામદારો દ્વારા કરવામાં આવી હતી.જેને પગલે બે ચાર દિવસથી આંદોલન ચલાવ્યું હતું.જોકે ખેડા જિલ્લા મદદનીશ શ્રમ આયુક્ત અધિકારીની નિયમિત ગેરહાજરીને કારણે મહિલા કામદારોને કોઈ જવાબ કે ન્યાય મળી શક્યો નહોતો.જેને પગલે ગઈકાલે રાત્રે પીજ રોડ ઉપર મોડી રાત સુધી કંપની સામે અનેક મહિલા કામદારોએ ધામાં નાખ્યાં હતાં.જેને પગલે મામલો ગરમાયો હતો.
સ્વિટકો કંપનીના માલિકો દ્વારા રાત્રે પોલીસને બોલાવી લઈને કામદારોને ડરાવવાની કોશિષ કરી હતી.જોકે સંગઠિત મહિલાઓ સાથે મહિપતસિંહ ચૌહાણ હોવાને કારણે મહિલાઓએ પૂરા જોશ સાથે વિરોધ કરીને ૩૪૦ના પગારની માંગણી યથાવત રાખી હતી.ભારે હોબાળા બાદ કંપનીના માલિકોને છોડીને સવારે જિલ્લા કલેકટરને રજૂઆત કરવાનું નક્કી કર્યું હતું.જેને પગલે આજે જિલ્લા કલેકટરને રજૂઆત કરવામાં આવી હતી.જિલ્લા કલેકટરે કંપનીના માલિકને બોલાવીને કાયદા મુજબ વેતન આપવાનુ જણાવતાં આખરે સમાધાનકારી અંત આવ્યો હતો.કંપનીના માલિકે તમામ કામદારોને કામ ઉપર લાગી જવા વિનંતી કરીને ૩૪૦ ને બદલે ૩૬૦ પગાર આપવાની તૈયારી બતાવી હતી.
મહિલા કામદારો સાથે અભદ્ર વાણી વિલાસ કરનાર સુપર વાઈઝર સામે કાર્યવાહી કેમ નહિ?
નડિયાદ – નડિયાદની સ્વિટકો કંપનીના સુપર વાઈઝર દ્વારા કામ કરતી મહિલાઓને વોશ રૂમ જવાને બદલે કોથળીઓ બાંધી રાખો તેવા અભદ્ર વાણી વિલાસ કરવામાં આવી હતી.તેમછતાં જિલ્લા પોલીસ, શ્રમ આયુક્ત અધિકારી કે જિલ્લા કલેકટર દ્વારા જવાબદાર સુપર વાઈઝર સામે કેમ ફોજદારી રાહે કાર્યવાહી ના કરી તેવા સવાલો ઉઠી રહ્યા છે. કામ કરતી મહિલાઓ સાથે સન્માનજનક વ્યવહાર કરવામાં આવે તેવા આશયથી વિશાખા કમિટીની રચના કરવાની સૂચના પણ સુપ્રીમ કોર્ટ દ્વારા આપવામાં આવેલ છે ત્યારે ખેડા જિલ્લામાં મહિલાઓના રક્ષણ અને સ્વમાન માટે કેમ કોઈ નક્કર પગલાં ભરવામાં આવતા નથી તેવા વેધક સવાલો ઉઠી રહ્યા છે.
કંપનીના માલિક દ્વારા પણ સુપરવાઇઝર સામે પગલાં કેમ ભર્યા નથી ?