લગ્ન પ્રસંગને લઈને દરેક વ્યક્તિમાં ઉત્સાહ હોવા મળે છે. લોકો પોતાના લગ્ન પ્રસંગને યાદગાર બનાવવા માટે થીમ-ડેકોરેશનથી લઈને દરેક વસ્તુમાં કઇંકને કઇંક નવીન લાવે છે અને દરેકને આકર્ષે છે. હાલમાં લગ્નની સિઝન ચાલી રહી છે. થીમ-ડેકોરેશન અને પ્રિવેડિંગ થી લઈને દરેક વસ્તુમાં તમને કઇંક ખાસ દેખાશે પરંતુ ઉમરેઠના હરીશભાઈ શાહે પોતાના પુત્રના લગ્નને ખાસ બનાવવા માટે કંકોત્રીને વિશિષ્ટ રીતે અલગ સ્વરૂપ આપ્યું છે. ઉમરેઠના શાહ પરિવાર દ્વારા અનોખી આમંત્રણ પત્રિકા છપાવવામાં આવી છે.
લગ્ન પ્રસંગને યાદગાર બનાવવા માટે લોકો થીમ-ડેકોરેશન માં અવનવી વેરાયટી લાવી અન્ય પ્રસંગથી પોતાના પ્રસંગ અલગ દેખાય તેવા આયોજન કરતા હોય છે, ત્યારે ઉમરેઠના હરીશભાઈ શાહના પુત્ર ધવલના લગ્ન પ્રસંગ નિમિત્તે તેઓ દ્વારા સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા ના ચેક બુક અને પાસબુક ની થીમ પર કંકોત્રી બનાવવામાં આવી છે. બેંક ની આબેહૂ પાસબુક હોય તેવી જ રીતે કંકોત્રી નું કવર તૈયાર કરવામાં આવ્યું છે જેમાં ભારતીય શાહ બેંક લખી બ્રાન્ચ નામની જગ્યાએ તેનું સરનામું લખવામાં આવ્યું છે. ઉપરાંત જેમ બેંકની પાસબુક માં પ્રથમ પાના પર જેમ એકાઉન્ટ ડીટેલ લખવામાં આવે છે, તેવીજ રીતે આમંત્રણ આપનારનું નામ તેમજ એકાઉન્ટ નંબરની જગ્યાએ મોબાઈલ નંબર સહીત સરનામા જેવી વિગતો લખવામાં આવી છે.