ભાવનગર જિલ્લાના સિહોર ગામમાં આજે સવારે પિતાએ જ પરિણીત દીકરીની હત્યા કરી નાંખવાની ઘટના પ્રકાશમાં આવી છે. આ દીકરીની તેના પિતાએ જ દસ્તાના ઘા ઝીંકીને હત્યા કરી નાંખતા આખા પંથકમાં ચકચાર મચી જવા પામી છે. દીકરી પતિના ઘરેથી ઝઘડો કરીને પિતાના ઘરે આવી હતી. જેના કારણે ઘરમાં અવારનવાર ઘરકંકાસ થતા હતા. જેને પગલે આજે સવારે થયેલા ઝગડાએ ઉગ્ર રૂપ ધારણ કર્યું હતુ. આવેશમાં આવેલા પિતાએ દીકરીને માથાના ભાગે દસ્તાના મરણતોલ ઘા ઝીંકી દેતા દીકરીનું મોત નીપજ્યું હતું.
જ્યારે પોલીસે આ ઘટનામાં વધુ તપાસ હાથ ધરી છે. ભાવનગર જિલ્લાનાં સિહોરનાં ખારાકુવા વિસ્તારમાં એક પરિણીત દીકરીની તેના જ પિતાએ ઘાતકી હત્યા કરી નાખી હોવાની ઘટના બનવા પામી છે. આ બનાવમાં બેલાબેન હરેશભાઇ શાહ નામની યુવતીનાં પ્રથમ લગ્ન ભાવનગર ખાતે થયા હતા. જ્યાં બેલાબેનને એક દીકરાનો જન્મ થયા બાદ તેમના સુખી લગ્ન જીવનનો અંત આવ્યો હતો. જે બાદ તેમનાં ડિવોર્સ થઈ જતા તે તેના પુત્ર સાથે પિયર પરત ફરી.
થોડા સમય બાદ બેલાબેનનાં બીજા લગ્ન મહુવા કરવામાં આવ્યા પરંતુ તેમાં પણ થોડા સમય બાદ પતિ સાથેનાં ઝગડાને લઈ તે પોતાનાં પિતાનાં ઘરે રહેવા આવી ગઇ હતી. દીકરી સાપનો ભારો એ કહેવત સાર્થક બની અને દીકરી ઘરમાં આવતા ઝગડા અને ઘર કંકાસ વધ્યો હતો. દરરોજ થતા ઝગડામાં આજે પણ સવારે પિતા પુત્રી વચ્ચે ઝઘડો થતા આવેશમાં આવેલા પિતાએ પોતાની દીકરીને માથાના ભાગે દસ્તાના મરણતોલ ઘા ઝીંકી દીધા હતા.
જે બાદ દીકરી ત્યાં જ ઢળી પડી અને મોતને ભેટી હતી. આ બનાવને પગલે સિહોરમાં ભારે ચકચાર મચી જવા પામી હતી અને લોકોના ટોળા એકઠા થઇ ગયા હતા. જ્યારે હત્યાની ઘટનાના પગલે સિહોર પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને હાલ લાશને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં ખસેડી પોલીસે આ બનાવમાં આગળની કાર્યવાહી હાથ ધરી છે. શિહોર જૈન સંઘ, પ્રમુખ, અનિલકુમારના જણાવ્યા પ્રમાણે, અમારા જૈન સમાજમાં આ દુખદ ઘટના બની છે. તેમાં ખરેખર એવુ છે કે, બેલાબેન માનસિક બીમાર હતા. તેના બે વાર લગ્ન પણ થયા હતા. તેમની માનસિકતાના હિસાબે આ ઘટના બની છે. અમારા સમાજમાં આવી ઘટના પહેલીવાર બની છે.