ઉત્તરાયણની રાહ જોતાં પતંગરસિયાઓ માટે એક દુ:ખદ સમાચાર સામે આવ્યા છે, આ વર્ષે માવઠું અને જોરદાર ઠંડી પતંગરસિયાઓની ઉત્તરાયણ બગાડશે. હવામાન વિભાગે આગામી બે દિવસ માટે ઉત્તર ગુજરાતમાં યલો એલર્ટ જાહેર કર્યું છે. રાજ્યમાં 13 જાન્યુઆરી સુધી જોરદાર ઠંડી પડશે. આ સાથે અમદાવાદ, ગાંધીનગર ઉપરાંત ઉત્તર ગુજરાત અને કચ્છમાં ઠંડીનું જોર વધુ રહેશે. માવઠા બાદ રાજ્યમાં છેલ્લા ચારેક દિવસથી હાજા ગાગડાવી નાખે તેવી કાતિલ ઠંડી પડી રહી છે.
આ વખતે ઉત્તરાયણમાં 14મી જાન્યુઆરીએ પવનના સૂસવાટા બોલશે. એવી હવામાનની આગાહી કરતી સંસ્થાઓનું અનુમાન છે. રાજ્યનાં મોટા ભાગના શહેરોમાં ઠંડીનો પારો 5થી 14 ડીગ્રીની આસપાસ નોંધાયો હતો. સમગ્ર રાજ્યમાં 5.8 ડીગ્રી સાથે નલિયા સૌથી ઠંડું શહેર બન્યું હતું. હવામાન વિભાગે પણ આગામી બે દિવસમાં ઠંડીમાં વધારો થવાની આગાહી કરી છે. હવામાન નિષ્ણાતોએ કમોસમી વરસાદની આગાહી કરી છે. ત્યારે આ વખતની ઉત્તરાયણમાં પતંગરસિયાઓની મજા બગડી શકે છે.
હવામાન વિભાગના મતે, આજે અને આવતીકાલે બનાસકાંઠા, ગાંધીનગર, અમદાવાદ, આણંદ, વડોદરા, કચ્છ, ભાવનગર, જુનાગઢ, સુરેન્દ્રનગરમાં કોલ્ડ વેવ રહેશે. કેટલાક જિલ્લામાં લઘુતમ તાપમાન 8 ડીગ્રી સુધી ગગડવાની શક્યતા છે. એ ઉપરાંત ઉત્તરાયણ અને વાસી ઉત્તરાયણના દિવસે 30થી 33 કિ.મીની ઝડપે પવન ફૂંકાશે.
અંબાલાલ પટેલના કહેવા મુજબ, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને પગલે રાજ્યમાં કાતિલ ઠંડી પડી રહી છે, જે આવતીકાલે 13 જાન્યુઆરી સુધી રહેશે. ઉપરાંત આગામી તારીખ 18 , 19 અને 20 જાન્યુઆરીએ રાજ્યના કેટલાક વિસ્તારમાં કમોસમી વરસાદ પડશે, જેને કારણે રવી પાકને વ્યાપક નુકસાન થવાની ભીતિ છે. રાજયમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને પગલે આગામી 18થી 20 જાન્યુઆરી દરમિયાન ત્રણ દિવસ કમોસમી વરસાદ પડવાની આગાહી હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે તેમજ ફેબ્રુઆરી મહિનામાં પણ માવઠાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.