આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ અંબાજી અને જનજાતિ કલ્યાણ આશ્રમ, બનાસકાંઠા જિલ્લાના સંયુક્ત ઉપક્રમે દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન કમ કલેકટર આનંદ પટેલના હસ્તે આદિજાતિ વિસ્તારની આદિવાસી બહેનોને શાકભાજીના બિયારણનું વિતરણ કરવામાં આવ્યું હતુ. આ કાર્યક્રમમાં 600 જેટલી આદિવાસી બહેનોને શાકભાજીના આ બિયારણનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ તકે અંબાજી દેવસ્થાન ટ્રસ્ટના વહીવટદાર એસ.જે.ચાવડા પણ ઉપસ્થિત રહ્યા હતા.
અંબાજી મંદિર પરિસરમાં અંબાજી દેવસ્થાન ટ્રસ્ટના વહીવટદાર એસ.જે.ચાવડાની ઉપસ્થિતિમાં યોજાયેલ આ કાર્યક્રમમાં એક એકર જેટલી જમીનમાં વાવી શકે તેટલું બનાસકાંઠા જિલ્લાની ૬૦૦ બહેનોને રીંગણ, ગવાર, દૂધી, ટામેટા, ચોળી, લાંબા કાલંગડા, કાકડી, ભીંડાનું બિયારણ આપવામાં આવ્યું હતું, તેમજ દિવસના ૪ ટોપલાં જેટલી શાકભાજી વેચી આર્થિક રીતે પગભર થઇ શકે તે માટે આદિવાસી બહેનોને સંશોધિત અને હાઈબ્રીડ બિયારણ નયન સિડ્સના યશવંત પટેલના આર્થિક સહયોગથી આપવામાં આવ્યા હતા. પાલનપુર રોટરી કલબના સહયોગથી જનજાતિ સમાજના ૨૯ ગામની બહેનોને તેમના પોતાના ગામમાં જ સેનેટરી નેપકીન પેડ નિઃશુલ્ક મળી રહે તેવી વ્યવસ્થાની પણ શરૂઆત કરવામાં આવી હતી.