શિયાળો હોય અને ગુજરાતીઓના ઘરમાં વઢવાણી રાયતા મરચા ન બને તેવું શક્ય જ નથી. વઢવાણી મરચાનું જ્યારે અથાણું બનતું હોય ત્યારે તેની સોડમ આખા ઘરમાં પ્રસરી જતી હોય છે. જાે કે, આ મરચાની સોડમ હવે ગુજરાત પૂરતી સીમિત ન રહેતા દુબઈ, ઈંગ્લેન્ડ તેમજ અમેરિકા સુધી પહોંચી ગઈ છે. વિદેશમાં પણ વઢવાણી રાયતા મરચાની એટલી માગ છે કે ગૃહઉદ્યોગ ચલાવતી મહિલાઓને તેનાથી સારી એવી કમાણી થઈ રહી છે. સુરેન્દ્રનગરના વઢવાણમાં જ વર્ધમાનગૃહ ઉદ્યોગ દ્વારા વઢવાણી રાયતા મરચાના વેચાણ થકી મહિલાઓને રોજગારી આપવામાં આવી રહી છે. દર વર્ષે સીઝનમાં ૨ હજાર મણ જેટલા રાયતા મરચાના ઉત્પાદન થકી અહીંની ઘણી મહિલાઓ આવક મેળવતી થઈ ગઈ છે. વર્તમાન ગૃહ
ઉદ્યોગના પન્નાબેન શુક્લાએ જણાવ્યું હતું કે, તેમના ગૃહ ઉદ્યોગમાં ખાખરા, પાપડ તેમજ અથાણા સહિતની વસ્તુઓ બને છે. પરંતુ જ્યારે વઢવાણી મરચાની સીઝન ચાલી રહી હોય ત્યારે રાયતા મરચા બનાવીને વેચે છે. રાયતા મરચાની સીઝન નવેમ્બરથી ફેબ્રુઆરી સુધી ચાલે છે. વઢવાણી મરચાનું વેચાણ ગુજરાત સિવાય મહારાષ્ટ્ર, કોલકાતા તેમજ સાઉથના રાજ્યોમાં પણ થાય છે અને હવે તો વિદેશમાં પણ તેની જબરદસ્ત માગ છે. દર વર્ષે ૩ હજાર મણ મરચા વેચાય છે અને તેના થકી ૧૮ લાખથી વધુની આવક થાય છે.
વઢવાણી મરચાનું રાયતાવાળા કરી તેના વેચાણ થકી ૫૦થી વધુ મહિલાઓ રોજગારી મેળવતી થઈ ગઈ છે. મહિલાઓ ઘરકામ સહિતના કામ પૂર્ણ કર્યા બાદ ફાજલ સમયમાં જાેબવર્ક થકી રોજના ૩૦૦થી ૫૦૦ રૂપિયા કમાય છે. ગૃહ ઉદ્યોગ જરૂરિયાતમંદ મહિલા, વિધવા મહિલાઓને પણ રોજગાર આપે છે. આ સિવાય તેમના આરોગ્ય અને બાળકોના અભ્યાસ માટે સંસ્થાના કાર્યકરો પણ છે. વઢવાણી મરચાને વિદેશ સુધી પહોંચાડવા માટે તેની ક્વોલિટી અને પેકિંગ પર પણ પૂરતું ધ્યાન રાખવામાં આવે છે. રાયતા મરચા માટે ઉચ્ચ ક્વોલિટીની સામગ્રી વાપરવામાં આવે છે. જેના કારણે તે લાંબો સમય સુધી સારા રહે છે.