રાજસ્થાનની રાજધાની જયપુર ખાતેથી હેવાનીયતની તમામ હદો પાર કરતી એક ઘટના સામે આવી છે. ત્યાં ૧૨ વર્ષના બાળકને પતિ-પત્ની બિહારથી જયપુર લાવ્યા હતા. ત્યાં આખો દિવસ તેના પાસે બંગડી બનાવડાવવાનું કામ કરાવવામાં આવતું હતું અને ખાવા માટે ફક્ત પાણી અને બિસ્કિટ જ આપતા હતા. એટલું જ નહીં, બાળક જ્યારે ખાવા માટે માગણી કરતો ત્યારે તેના સાથે મારપીટ કરવામાં આવતી હતી. આટલેથી ન અટકતાં પત્નીની સામે જ પતિ તે બાળક સાથે કુકર્મ પણ કરતો હતો.
જાણવા મળ્યા મુજબ બિહારના દરભંગાના રહેવાસી શખ્સે પોતાના બાળકને કોઈ પરિચિત દંપતી સાથે જયપુર મોકલ્યો હતો. તે બાળક જયપુરના શાસ્ત્રી નગરના મક્કા મસ્જિદ વિસ્તારમાં રહેતા મોહમ્મદ રિયાજ અને રૂહી પરવીન સાથે રહેતો હતો. દંપતી તે બાળક પાસે સવારના ૭ઃ૦૦ વાગ્યાથી રાત્રિના ૧૨ઃ૦૦ વાગ્યા સુધી બંગડીઓ બનાવડાવતા હતા. બાળક જ્યારે પોતાના પરિવાર સાથે વાત કરતો ત્યારે તેને પોતે ઠીક છે તેમ કહેવાની ફરજ પાડવામાં આવતી હતી.
બાળકે પોલીસને જણાવ્યું કે, રિયાજ દારૂના નશામાં પોતાની પત્ની રૂહીની હાજરીમાં જ બાળક સાથે કુકર્મ કરતો હતો. આ બધા વચ્ચે એક વખત જ્યારે બાળકે ભાગી જવાનો પ્રયત્ન કર્યો તો આરોપીઓએ તેના પગના તળિયા સળગાવી દીધા હતા. બાળકે જણાવ્યું કે, બીમાર થાય ત્યારે તે દવાની માગણી કરતો તો તેના સાથે મારપીટ કરવામાં આવતી હતી.
આ ઉપરાંત મારપીટ દરમિયાન બાળકના રોવાનો અવાજ બહાર ન જાય એટલા માટે મોટા અવાજમાં સ્પીકર પર મ્યુઝિક વગાડવામાં આવતું હતું. રૂહીએ મંગળવારે તે બાળકને છતની સફાઈ કરવા માટે કહ્યું હતું. પગમાં ઈજા હોવાના કારણે તેને ચાલવામાં મુશ્કેલી પડી રહી હતી માટે તે સરકીને પાડોશીની છત પર પહોંચ્યો હતો અને ત્યાંથી નીચે રસ્તા પર આવ્યો હતો.
આજુબાજુના લોકોએ એક અજાણ્યા બાળકને ઢસડાતો જાેયો એટલે તેના પાસે ગયા હતા અને તેના શરીર પર મારપીટના નિશાન જાેયા હતા. આ કારણે તેમણે પોલીસ અને ચાઈલ્ડ હેલ્પલાઈનને સૂચના આપી હતી. ઘટના સ્થળે પહોંચેલી પોલીસે આરોપી રૂહીની ધરપકડ કરી લીધી છે જ્યારે રિયાજ હજુ પોલીસની પકડથી દૂર છે.