Jitin Prasada on AI jobs: શું આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) તમારી નોકરી છીનવી લેશે? કેન્દ્રીય મંત્રી જિતિન પ્રસાદે આ ડરને ફગાવતા દાવો કર્યો છે કે AI નોકરીઓ ઘટાડશે નહીં, પરંતુ નવી તકો સાથે રોજગાર બમણો કરશે. દિલ્હીમાં આયોજિત ‘India Today AI Summit’ માં તેમણે ભારતના ટેક-ભવિષ્યનો રોડમેપ રજૂ કર્યો હતો.”

દિલ્હીમાં ચાલી રહેલા ‘India Today AI Summit’માં કેન્દ્રીય રાજ્ય મંત્રી જિતિન પ્રસાદે સ્પષ્ટ કર્યું કે ભારતનું લક્ષ્ય એવું AI બનાવવાનું છે જેનો સીધો લાભ સ્ટાર્ટઅપ્સ અને સામાન્ય જનતાને મળે. તેમણે ટેકનોલોજીને સસ્તી અને સરળ બનાવવા પર ભાર મૂક્યો જેથી તે દરેક ભારતીયના જીવનધોરણને સુધારી શકે. ખાસ કરીને હેલ્થ, એજ્યુકેશન અને ગવર્નન્સ જેવા ક્ષેત્રોમાં AIના કારણે મોટા ફેરફારો જોવા મળી રહ્યા છે.

નોકરીઓ અંગેના ડર પર મંત્રીએ ઈતિહાસનું ઉદાહરણ આપતા કહ્યું કે, જ્યારે પણ નવી ટેકનોલોજી આવે છે ત્યારે શરૂઆતમાં ડર લાગે છે, પરંતુ વાસ્તવમાં તે નવા ક્ષેત્રોમાં લાખો નવી રોજગારીની તકો ઉભી કરે છે. તેમણે ઉમેર્યું કે ભારત સરકાર ઇનોવેશનને પ્રોત્સાહન આપવા માટે ‘ઓવર-રેગ્યુલેશન’ (વધુ પડતા કડક કાયદા) નહીં કરે, જેથી યુવાનોની પ્રતિભા દબાઈ ન જાય. જોકે, સુરક્ષા અને પારદર્શિતા સાથે કોઈ બાંધછોડ કરવામાં આવશે નહીં.
વધુમાં,યુવા પેઢી માટે મહત્વની જાહેરાત કરતા તેમણે જણાવ્યું કે, સરકાર વિદ્યાર્થીઓ અને સ્ટાર્ટઅપ્સને સસ્તા દરે GPU ઉપલબ્ધ કરાવવા પર કામ કરી રહી છે.

આ સાથે જ તેમણે વાલીઓને સલાહ આપી હતી કે બાળકોને AIનો ઉપયોગ કરવા દો, પરંતુ તેમની પોતાની વિચારવાની ક્ષમતા નબળી ન પડે તેનું પણ ધ્યાન રાખો. અંતમાં તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે ભારત આવનારા સમયમાં વિશ્વ માટે સૌથી મોટું ‘AI સર્વિસ પ્રોવાઈડર’ બનીને ઉભરશે.