Ajit Pawar Plane Crash: મહારાષ્ટ્રના રાજકારણમાંથી અત્યંત આઘાતજનક સમાચાર સામે આવ્યા છે. ડેપ્યુટી સીએમ અજિત પવારનું ચાર્ટર્ડ પ્લેન બારામતીમાં લેન્ડિંગ દરમિયાન ક્રેશ થતા તેમનું નિધન થયું છે, જેના કારણે સમગ્ર રાજ્યમાં શોકની લહેર ફરી વળી છે.
લેન્ડિંગ સમયે કાબૂ ગુમાવ્યો અને વિસ્ફોટ થયો
બુધવારની સવાર મહારાષ્ટ્ર માટે અમંગળ સાબિત થઈ હતી. અજિત પવાર મુંબઈથી બારામતી જવા રવાના થયા હતા. તેમનું લીયર જેટ 45 વિમાન જ્યારે બારામતી એરપોર્ટ પર ઉતરાણ કરી રહ્યું હતું, ત્યારે અચાનક ટેકનિકલ ખામી સર્જાઈ હતી. રનવે પર ટચ થતાની સાથે જ વિમાને જોરદાર ઝટકો ખાધો હતો. વિમાન રનવે પરથી લપસીને બાજુમાં અથડાયું અને જોતજોતામાં તેમાં ભીષણ આગ ફાટી નીકળી હતી.
Life is so fragile… Ajit Pawar was fighting for power and becomes a powerful person in the Maharashtra politics but today died in a plane crash near Baramati#AjitPawar pic.twitter.com/UDTT9jDuxX
— Rosesh (@roseshpoet) January 28, 2026
તમામ 6 લોકોના કરુણ મોત
DGCA દ્વારા મળેલી માહિતી અનુસાર, આ દુર્ઘટનામાં વિમાનમાં સવાર તમામ 6 લોકોના મોત નીપજ્યા છે. જેમાં અજિત પવાર, તેમના સુરક્ષા અધિકારી, એક એટેન્ડન્ટ અને ક્રૂ મેમ્બર્સનો સમાવેશ થાય છે. અકસ્માત એટલો ભયાનક હતો કે વિમાનના કુરચેકુરચા ઉડી ગયા હતા. ઘટનાસ્થળેથી સામે આવેલા વીડિયોમાં આગના ગોટા અને વિમાનનો કાટમાળ વિખરાયેલો જોઈ શકાય છે.

રાજકીય જગતમાં સન્નાટો અને શોક
આ દુર્ઘટનાના સમાચાર વાયુવેગે ફેલાતા જ સમગ્ર મહારાષ્ટ્રમાં સન્નાટો છવાઈ ગયો છે. NCPના કાર્યકરો અને સમર્થકોમાં ભારે આક્રંદ જોવા મળી રહ્યો છે. સુપ્રિયા સુલે સહિત પવાર પરિવારના સભ્યો તાત્કાલિક બારામતી જવા રવાના થયા છે. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા અકસ્માતના વીડિયોએ લોકોને હચમચાવી દીધા છે. મહારાષ્ટ્રની રાજનીતિમાં અજિત પવારનું સ્થાન હંમેશા અગ્રગણ્ય રહ્યું છે.
તપાસના આદેશ અને હાલની સ્થિતિ
વહીવટીતંત્રે હાલમાં સમગ્ર વિસ્તારને સીલ કરી દીધો છે. DGCA અને તપાસ એજન્સીઓ અકસ્માતનું ચોક્કસ કારણ જાણવા પ્રયાસ કરી રહી છે. પ્રાથમિક તપાસમાં લેન્ડિંગ દરમિયાન આવેલી અસ્થિરતાને મુખ્ય કારણ માનવામાં આવી રહ્યું છે. અજિત પવારના અચાનક નિધનથી મહારાષ્ટ્રના રાજકારણમાં એક એવું શૂન્યાવકાશ સર્જાયું છે, જેને ભરવું અશક્ય છે.