ભારતીય સેના દેશની સરહદ ઉપરાંત હંમેશા જરૂરિયાતમંદ નાગરિકોની મદદ માટે રાત-દિવસ તૈનાત રહે છે, પછી ભલે ગમે તે સંજાેગો હોય. જમ્મુ-કાશ્મીરમાં ભારે હિમવર્ષા વચ્ચે સેનાએ વધુ એક પ્રશંસનીય પગલું ભરતાં ગર્ભવતી મહિલાને હોસ્પિટલ પહોંચાડવામાં મદદ કરી. સેનાએ બોનિયાર તાલુકામાં નિયંત્રણ રેખા (એલઓસી) ને અડીને આવેલા ઘગ્ગર હિલ ગામમાંથી તાત્કાલિક સ્થળાંતર કરાવ્યું હતું.
બરફથી ખચોખચ ભરેલા ખરાબ રસ્તા અને મુશ્કેલ પરિસ્થિતિ હોવા છતાં સેનાની ટીમે મહિલાને બોનિયાર સ્થિત પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં પહોંચાડી. અહેવાલ મુજબ, બોનિયાર તાલુકામાં નિયંત્રણ રેખાને અડીને આવેલા ઘગ્ગર હિલ ગામમાં ભારતીય સેના પોસ્ટને ૮ જાન્યુઆરી સવારે ૧૦.૩૦ વાગ્યે એક ડિસ્ટ્રેસ કોલ મળ્યો. તેમાં સ્થાનિક લોકોએ એક સગર્ભા મહિલા માટે તત્કાળ મેડિકલ સહાયની વિનંતી કરી, જેની હાલત ગંભીર હતી. તરત જ સેનાની મેડિકલ ટીમ સ્થળ પર પહોંચી ગઈ. દર્દીની શરૂઆતી તપાસ બાદ તેની ગંભીર સ્થિતિને જાેતાં ઇમરજન્સી સહાયની યોજના બનાવવામાં આવી.
ભારે હિમવર્ષાને લીધે વાહન ચલાવવું મુશ્કેલ હતું એટલે સેનાએ એક સ્ટ્રેચર તૈયાર કર્યું અને દર્દીને સાલાસણ સુધી લઈ ગઈ અને ત્યાંથી એક પબ્લિક હેલ્થ સેન્ટર એમ્બ્યુલન્સ સુધી પહોંચાડી. સેનાએ કહ્યું, ત્યારબાદ, વધુ સમય ગુમાવ્યા વિના બેટલફિલ્ડ નર્સિંગ આસિસ્ટન્ટ સહિતની ટીમ મહિલાને સવારે ૧૧ વાગ્યે કુલીઓ સાથે ઘગ્ગર હિલથી સાલાસન સુધી લઈ ગઈ. ભારે હિમવર્ષા છતાં ટીમે ૬.૫ કિમીનું અંતર કાપ્યું. દર્દીને સુરક્ષિત સાલસણ પહોંચાડી અને બપોરે ૧.૪૫ વાગ્યે મહિલાને પીએચસી બોનિયારની પેરામેડિક્સની ટીમને સોંપી. તાત્કાલિક કાર્યવાહી અને સમયસર સહાય માટે પરિવાર અને સ્થાનિક લોકોએ સેના, સિવિલ એડમિનિસ્ટ્રેશન અને પીએચસી બોનિયારનો આભાર માન્યો હતો.