Bharat Bandh: વિવિધ કર્મચારી યુનિયનો અને ખેડૂત સંગઠનોએ પોતાની માંગણીઓને લઈને 12 ફેબ્રુઆરીએ ‘ભારત બંધ’નું એલાન આપ્યું છે. આ હડતાળને કારણે સામાન્ય જનજીવન અને બેંકિંગ સેવાઓ પર મોટી અસર પડી શકે છે.

બેંકિંગ સેવાઓ પર થશે અસર
આવતીકાલે જાહેર ક્ષેત્રની બેંકોમાં કામકાજ ખોરવાઈ શકે છે. અખિલ ભારતીય બેંક કર્મચારી સંઘ (AIBEA) સહિતના મોટા સંગઠનો આ હડતાળમાં જોડાવાના છે. SBI અને IDBI જેવી બેંકોએ પણ ગ્રાહકોને ચેતવણી આપી છે કે બેંકિંગ સેવાઓ આંશિક રીતે પ્રભાવિત થઈ શકે છે. જોકે, ઓનલાઈન બેંકિંગ અને ATM સેવાઓ ચાલુ રહેવાની શક્યતા છે.

શાળા-કોલેજોની શું સ્થિતિ છે?
શાળા અને કોલેજો બંધ રાખવા અંગે કેન્દ્ર સ્તરે કોઈ સત્તાવાર જાહેરાત થઈ નથી. પરંતુ, ઓડિશા, કેરળ અને કર્ણાટક જેવા રાજ્યોમાં સ્થાનિક પરિસ્થિતિને આધારે શૈક્ષણિક સંસ્થાઓ બંધ રહી શકે છે. વાલીઓને સલાહ આપવામાં આવે છે કે તેઓ શાળા કે કોલેજ પાસેથી મળેલી સત્તાવાર સૂચનાની તપાસ કરી લે.

પરિવહન અને બજારો
‘ચક્કાજામ’ના એલાનને કારણે રસ્તાઓ પર ટ્રાફિક અને જાહેર પરિવહન સેવાઓ ખોરવાઈ શકે છે. ઘણા વિસ્તારોમાં વેપારી સંગઠનો બંધને ટેકો આપી રહ્યા હોવાથી બજારો અને દુકાનો બંધ રહેવાની શક્યતા છે. સરકારી કચેરીઓમાં પણ કર્મચારીઓની હાજરી ઓછી રહી શકે છે.

આ સેવાઓ ચાલુ રહેશે
સામાન્ય જનતાને તકલીફ ન પડે તે માટે કટોકટીની સેવાઓને બંધમાંથી મુક્તિ આપવામાં આવી છે.

હોસ્પિટલ, એમ્બ્યુલન્સ અને ફાયર બ્રિગેડ જેવી ઈમરજન્સી સેવાઓ રાબેતા મુજબ ચાલુ રહેશે. હવાઈ સેવાઓ પર પણ કોઈ મોટી અસર થવાની શક્યતા નથી, છતાં મુસાફરોને વહેલા નીકળવાની સલાહ અપાઈ છે.