દારુ પીનારાઓ પર મધ્યપ્રદેશની શિવરાજસિંહ ચૌહાણની ભાજપ સરકાર મહેરબાન થઈ રહી છે. સરકારે ૨૦૨૨-૨૩ના વર્ષની નવી એક્સાઈઝ પોલીસીમાં રાજ્યના તમામ એરપોર્ટ પર તેમજ ચાર મહાનગરોના ગણતરીના મોલ્સમાં છુટક દારુના વેચાણને મંજૂરી આપી છે.સાથે સાથે એક કરોડથી વધારે આવક ધરાવતા લોકોને ઘરે બાર બનાવવા માટે પણ લાઈસન્સ આપવામાં આવશે.ઘરમાં દારુની બોટલો પણ વધારે સંખ્યામાં લોકો રાખી શકશે.
મધ્યપ્રદેશ કેબિનેટમાં લેવાયેલા ર્નિણય અનુસાર દારુ ૨૦ ટકા સસ્તો થશે.સાથે સાથે સરકારે ઈંદોર અને ભોપાલમાં દારુના ઉત્પાદન માટે પણ મંજૂરી આપી છે.દારુની આયાત માટેની પ્રક્રિયા પણ આસાન બનાવાશે. ગેરકાયદેસર દારુને રોકવા માટે તમામ દારુની દુકાનો પર દેશી, વિદેશી દારુની સાથે સાથે બિયરના વેચાણને પણ મંજૂરી આપવામાં આવશે.મધ્યપ્રદેશમાં સ્થાનિક સ્તરે દ્રાક્ષ અને જાંબુમાંથી બનતા વાઈન પર કોઈ ડ્યુટી નહીં લાગે.