સ્પાઈસ જેટની ફ્લાઈટ SG-723નું રવિવારે બિહારના પટના એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. પ્લેનમાં 185 લોકો સવાર હતા. વિમાને ટેકઓફ કર્યા પછી જ પટનામાં ઈમરજન્સી લેન્ડિંગ કરાવ્યું હતું કારણ કે તેના ડાબા એન્જિનમાં આગ લાગી હતી. ઘટનાની માહિતી પટના જિલ્લા વહીવટીતંત્ર અને એરપોર્ટ અધિકારીઓને આપવામાં આવી હતી. સ્થાનિક લોકો દ્વારા શૂટ કરવામાં આવેલા વીડિયોમાં ડાબા એન્જિનમાંથી સ્પાર્ક નીકળતો જોવા મળે છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે તમામ મુસાફરોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા અને કોઈ જાનહાનિ થઈ ન હતી. આ કટોકટીની પરિસ્થિતિમાં જે રીતે પાયલોટે પ્લેનનું લેન્ડિંગ કરાવ્યું અને સમજણ બતાવી તે પ્રશંસનીય છે.
જેના હાથમાં ફ્લાઈટની કમાન હતી, તે છે કેપ્ટન મોનિકા ખન્ના. ફ્લાઈટના પાઈલટ-ઈન-કમાન્ડ (PIC) કેપ્ટન મોનિકા ખન્નાએ ગભરાયા વિના અસરગ્રસ્ત એન્જિનને બંધ કરી દીધું અને ઈમરજન્સી લેન્ડિંગ કરાવ્યું.સમાચાર એજન્સી ANIએ સ્પાઈસ જેટના હેડ ઓફ ફ્લાઈટ ઓપરેશન્સ ગુરચરણ અરોરાને ટાંકીને જણાવ્યું કે કેપ્ટન મોનિકા ખન્ના અને ફર્સ્ટ ઓફિસર બલપ્રીત સિંહ ભાટિયાએ ઘટના દરમિયાન પોતાની જાતને સારી રીતે સંભાળી હતી. તે સમગ્ર સમય દરમિયાન શાંત રહી અને પ્લેનને સારી રીતે સંભાળ્યું. તેઓ અનુભવી અધિકારીઓ છે અને અમને તેમના પર ગર્વ છે.
મોનિકા ખન્ના સ્પાઇસજેટ લિમિટેડમાં ઉચ્ચ ગુણવત્તાવાળી પાઇલટ છે. તેણીના ઇન્સ્ટાગ્રામ પ્રોફાઇલ મુજબ, તેણીને મુસાફરી કરવી પસંદ છે અને ફેશનમાં ઊંડો રસ છે. રવિવારે જ્યારે સ્પાઈસજેટ બોઈંગ 737ના એન્જિનમાં આગ લાગી ત્યારે કેપ્ટન મોનિકા ખન્નાએ અસરગ્રસ્ત એન્જિનને બંધ કરી દીધું.