હિમાચલ પ્રદેશમાં સ્વાસ્થ્ય વિભાગની ટીમે જનજાતીય ક્ષેત્ર ભરમૌરથી બડગ્રાં સુધીનો ૪૦ કિમીનો રસ્તો બરફમાં પગે ચાલીને કાપ્યો હતો અને કિશોરોને વેક્સિન આપી હતી. કો-વેક્સિનનું બોક્સ ઉઠાવીને ટીમે અનેક કલાક સુધી ચાલતાં જ સફર કરી હતી અને તેઓ બડગ્રાં પહોંચ્યા હતા. આ બધા વચ્ચે ટીમે ૩ ગ્લેશિયર્સ પણ પાર કરવા પડ્યા હતા. જાે કોઈ સદસ્ય બરફમાં લપસી પડે તો અન્ય સદસ્યો તેને સંભાળી લેતા હતા. સ્વાસ્થ્ય વિભાગે બરફમાં લકદક ગ્લેશિયર પાર કરતા સ્વાસ્થ્ય કર્મચારીઓનો વીડિયો પણ સોશિયલ મીડિયા ગ્રુપમાં શેર કર્યો છે.
ભરમૌરથી નીકળેલી ટીમ ૩ દિવસથી બડગ્રાંમાં જ ફસાયેલી છે. સવારે ભરમૌરથી નીકળેલી ટીમ મોડી સાંજે બડગ્રાં પહોંચી હતી. ટીમે ગ્રામીણોને વેક્સિનેશન માટે બાળકોને એક જગ્યાએ લાવવા માટે કહ્યું છે કારણ કે, શાળાઓમાં રજા હોવાથી હાલ બાળકો ઘરે છે. શાળાની નજીક આવેલા ગામના બાળકોને વેક્સિન અપાઈ ગઈ છે પરંતુ દૂર રહેતા બાળકોને બોલાવવામાં આવી રહ્યા છે.
આ કારણે ટીમ હાલ ત્યાં જ રોકાઈ છે. સ્વાસ્થ્ય કાર્યકર દલીપ કુમાર અને શિક્ષણ વિભાગના કર્મચારીઓ ૧૫થી ૧૮ વર્ષની ઉંમરના કિશોરોને વેક્સિન આપવા માટે ગયા છે. ખંડ ચિકિત્સા અધિકારી ભરમૌર ડો. અંકિત માંડલાએ જણાવ્યું કે, સ્વાસ્થ્ય ટીમ ભરમૌરથી બડગ્રાં ૪૦ કિમી ચાલીને ગઈ છે અને ૩ દિવસથી ત્યાં જ છે.