ટાટા સન્સના ભૂતપૂર્વ ચેરમેન અને બાંધકામ ઉદ્યોગપતિ પલોનજી મિસ્ત્રીના નાના પુત્ર સાયરસ મિસ્ત્રીનું રવિવારે કાર અકસ્માતમાં મૃત્યુ થયું હતું. સાયરસ મિસ્ત્રી અમદાવાદથી મુંબઈ જઈ રહ્યા હતા ત્યારે તેમની મર્સિડીઝ કારને અકસ્માત નડ્યો હતો. આ દરમિયાન તેમની કાર અમદાવાદ-મુંબઈ હાઈવે પર ડિવાઈડર સાથે અથડાઈ હતી. કારમાં કુલ ચાર લોકો સવાર હતા. તેમાંથી સાયરસ મિસ્ત્રી સહિત બે લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા અને બે લોકો ઘાયલ થયા હતા. આ અકસ્માતની પ્રાથમિક તપાસમાં ડ્રાઈવરની ભૂલ સામે આવી રહી છે. પોલીસના જણાવ્યા અનુસાર, કાર ઓવર સ્પીડ અને ખોટી ગણતરીના કારણે ડિવાઈડર સાથે અથડાઈ હતી.
પ્રાથમિક તપાસ અનુસાર, મર્સિડીઝ કાર જેમાં સાયરસ મિસ્ત્રી સહિત ચાર લોકો મુસાફરી કરી રહ્યા હતા, તેણે મુંબઈથી 120 કિમી દૂર પાલઘર જિલ્લાની ચરોટી ચેકપોસ્ટને પાર કર્યા બાદ માત્ર 9 મિનિટમાં 20 કિમીનું અંતર કાપ્યું હતું. તેમજ તપાસમાં જાણવા મળ્યું હતું કે અકસ્માતમાં મૃત્યુ પામનાર બે વ્યક્તિઓએ સીટ બેલ્ટ પહેર્યો ન હતો. સાયરસ મિસ્ત્રી અને જહાંગીર પંડોલે પાછળની સીટ પર બેઠા હતા. આ અકસ્માતમાં બંને લોકોના ઘટનાસ્થળે જ મોત નિપજ્યા હતા. એક પોલીસ અધિકારીએ ન્યૂઝ એજન્સી પીટીઆઈને જણાવ્યું કે ચરોટી ચેકપોસ્ટ પર સીસીટીવી કેમેરા દ્વારા રેકોર્ડ કરાયેલા ફૂટેજ દર્શાવે છે કે કાર રવિવારે બપોરે 2:21 વાગ્યાની આસપાસ ચેકપોસ્ટને પાર કરી ગઈ હતી. આ ચેકપોસ્ટથી 20 કિમી આગળ ગયા બાદ કાર ડિવાઈડર સાથે અથડાઈ હતી. પ્રાથમિક તપાસમાં પોલીસને ખબર પડી કે ઓવરસ્પીડ, રોંગ સાઇડથી ઓવરટેક જેવા કારણોસર આ અકસ્માત થયો હતો.
અકસ્માત બાદ સાયરસ મિસ્ત્રીને નજીકની કાસાની સરકારી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. અહીંના ડૉક્ટર શુભમ સિંહે જણાવ્યું કે સાયરસ મિસ્ત્રીનું મોત માથામાં ઈજાના કારણે થયું છે. તેને મૃત અવસ્થામાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. સાથે જ જહાંગીરને ડાબા પગમાં ફ્રેક્ચર અને માથામાં ઈજા થઈ હતી. હોસ્પિટલ લઈ જતા રસ્તામાં તેનું મોત નીપજ્યું હતું. અનાહિતા પંડોલે (55 વર્ષ) સાયરસ મિસ્ત્રીની કાર ચલાવી રહી હતી. તેઓ જાણીતા ગાયનેકોલોજિસ્ટ છે. કારમાં સાયરસ મિસ્ત્રી અને અનાહિતા પંડોલે ઉપરાંત તેમના પતિ ડેરિયસ પંડોલે અને પતિનો ભાઈ જહાંગીર દિનશા પંડોલે પણ હતા. એક પ્રત્યક્ષદર્શીએ પણ પુષ્ટિ કરી છે કે મહિલા કાર ચલાવી રહી હતી. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, મહિલાએ ડાબી બાજુથી બીજા વાહનને ઓવરટેક કરવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ આ દરમિયાન કાબૂ ગુમાવી દેતાં કાર ડિવાઈડર સાથે અથડાઈ હતી. પ્રત્યક્ષદર્શી તે સમયે રોડની બાજુના ગેરેજમાં કામ કરી રહ્યો હતો.