EDએ જમ્મુ અને કાશ્મીર ક્રિકેટ એસોસિએશનના કથિત કૌભાંડ સાથે સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં પૂછપરછ માટે જમ્મુ અને કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી અને નેશનલ કોન્ફરન્સના નેતા ફારુક અબ્દુલ્લાને સમન્સ પાઠવ્યા છે.મંગળવારે તપાસ એજન્સી સમક્ષ પૂછપરછ માટે હાજર રહેવા માટે કહેવામાં આવ્યું છે. તેમને પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ, 2002 (PMLA) હેઠળ સમન્સ મોકલવામાં આવ્યા છે. EDએ આ કેસમાં 2022માં ચાર્જશીટ દાખલ કરી હતી.
ચાર્જશીટમાં કહેવામાં આવ્યું છે કે, ફારુક અબ્દુલ્લાએ પ્રમુખ તરીકેના પોતાના કાર્યકાળ દરમિયાન રમતના વિકાસના નામે જમ્મુ અને કાશ્મીર ક્રિકેટ એસોસિએશનના અધિકારીઓ અને અન્ય લોકો દ્વારા મેળવેલા ભંડોળને ડાયવર્ટ કર્યું અને તેનો ઉપયોગ વ્યક્તિગત લાભ માટે કર્યો. આ ભંડોળ ઘણા ખાનગી બેંક ખાતાઓ અને નજીકના સંબંધીઓને મોકલવામાં આવ્યું હતું. બાદમાં ફંડની વહેંચણી કરવામાં આવી હતી.
2018માં, EDએ CBI ચાર્જશીટના આધારે આ કેસમાં PMLAની તપાસ શરૂ કરી હતી. BCCI દ્વારા એસોસિએશનને 112 કરોડ રૂપિયા આપવામાં આવ્યા હતા. તેમાંથી 43.6 કરોડ રૂપિયાનું કૌભાંડ થયું હોવાનો આરોપ છે. આ કથિત કૌભાંડ ત્યારે થયું હતું જ્યારે ફારુક અબ્દુલ્લા 2001 અને 2012 વચ્ચે જમ્મુ અને કાશ્મીર ક્રિકેટ એસોસિએશનના પ્રમુખ હતા.