વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ફિરોઝપુર પહોંચવાનો રૂટ લીક થયો હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. વડાપ્રધાનનો રૂટ કોઈ જ અવરોધ વગર હોય છે, પણ પંજાબ પોલીસને આ બાબતમાં બિલકુલ રસ ન હોવાનો કિસ્સો સામે આવ્યો છે. રૂટ અંગે પ્રદર્શનકારીઓને અગાઉથી જ જાણકારી મળી ગઈ હોવાથી તેમણે નજીકના ગામ પ્યારેઆણામાં સ્પીકરથી જાહેરાત કરી ભીડ એકત્રિત કરીઅને સમગ્ર માર્ગ ચક્કાજામ કરી દીધો. એટલું જ નહિ એક વીડિયોમાં સ્પષ્ટપણે દેખાય છે કે PMનો રૂટ ક્લિયર કરાવવાને બદલે પંજાબ પોલીસના અધિકારી અને જવાન પણ પ્રદર્શકારીઓ સાથે જોડાઈ રહ્યા હતા.
ચક્કાજામ થતાં અનેક ખેડૂત સંગઠન પણ ત્યાં આવી ચૂક્યાં હતાં. અગાઉ તેઓ ફક્ત રેલીમાં જઈ રહેલા ભાજપના કાર્યકરોની બસોને અટકાવતા હતા. આ વાત પ્રદર્શનકર્તાઓએ જાતે જ કેમેરા સમક્ષ આવી કહી છે, જે અંગેના વીડિયો મીડિયામાં વાઈરલ થઈ રહ્યા છે. આ ઉપરાંત હવે વધુ એક વીડિયો પણ સામે આવી ચૂક્યો છે, જેમાં PMના રૂટ પર રહેલા પોલીસકર્મચારીઓ ભીડને હટાવી માર્ગ ખાલી કરાવવાને બદલે પ્રદર્શનકર્તાઓ સાથે ચાની ચુસ્કી લેતા દેખાતા હતા. એનાથી પંજાબ સરકાર અને પંજાબ પોલીસની કાર્યશૈલી અને નિયત પર અનેક પ્રશ્નાર્થ સર્જાયા છે.
વીડિયોમાં દેખાય છે કે પોલીસકર્મચારીઓને માર્ગ પરના અવરોધો દૂર કરવામાં બિલકુલ રસ ન હતો, પણ તેઓ ડ્યૂટી પર ફક્ત નામ પૂરતા જ હતા.PM મોદીની કાર પાસે પ્રદર્શનકારીઓ પહોંચી ગયેલા ફિરોઝપુર જતી વખતે વડાપ્રધાનનો કાફલો નેશનલ હાઈવે પર જે જગ્યાએ અટક્યો હતો, પ્રદર્શનકારીઓ એનાથી 8-10 કિમી આગળ બેઠેલા હતા. પ્રદર્શનકારીઓને PMના માર્ગમાં રોકાવાની જાણકારી મળી, એમાંથી કેટલાક લોકો ત્યાંથી કાફલા તરફ જવા નીકળી પડ્યા. PM મોદીના રૂટ પર પ્રદર્શન કરનારી વ્યક્તિએ કહ્યું હતું કે અમે પુલને જામ કરીને જ રાખ્યો હતો. અમે ભાજપના કાર્યકર્તાઓના કાફલાને પણ અટકાવી દીધો હતો. ત્યાર બાદ અમને જાણ થઈ કે વડાપ્રધાન બઠિંડા રોડથી મેગા હાઈવે પર આ રૂટથી આવી રહ્યા છે તો અમે તાત્કાલિક નજીકના પ્યારેઆણાના સ્પીકરોથી જાહેરાત કરી કે PM અહીંથી આવી રહ્યા છે. ઉપરાંત સૌને મોસેજ કરીને બોલાવવામાં આવ્યા હતા. ત્યાર બાદ અમે ટ્રોલી લગાવી ફ્લાય ઓવરને સંપૂર્ણપણે જામ કરી દીધો. ત્યાર બાદ PM મોદીને ત્યાંથી પરત ફરવું પડ્યું.