નવા વર્ષની શરુઆત લોકો ઈશ્વરના આશિર્વાદ સાથે કરવા માંગતા હોય છે અને આ જ કારણોસર દર વર્ષની જેમ આ વર્ષે પણ માતા વૈષ્ણોદેવીના દરબારમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ પહોંચ્યા હતા. પરંતુ અમુક લોકો માટે નવા વર્ષનો પ્રથમ દિવસ કાળ બની ગયો હતો.નવા વર્ષની શરૂઆતમાં દુઃખદ બનાવ બન્યો છે. જમ્મુ-કાશ્મીરમાં કટરા સ્થિત વૈષ્ણોદેવી મંદિરમાં મોડી રાતે લગભગ 2.45 વાગ્યે ભાગદોડ મચી હતી, જેમાં 12 લોકોનાં મોત થયાં છે અને 14થી વધારે લોકો ઘાયલ થયા છે, એમાં 3 લોકોની હાલત ગંભીર છે.
અધિકારીઓએ જણાવ્યું કે ત્રિકુટા પહાડીઓ પર મંદિરના ગર્ભગૃહની બહાર ગેટ નંબર ત્રણ પાસે નાસભાગ મચી હતી. જમ્મુ-કાશ્મીરના ડીજીપી દિલબાગ સિંહ જણાવે છે કે, આ દુર્ઘટના લગભગ પોણા ત્રણ વાગ્યાની આસપાસ બની હતી. પ્રાથમિક રિપોર્ટ અનુસાર, અહીં બે લોકો વચ્ચે કોઈ કારણસોર બોલાચાલી થઈ ગઈ. તેમનો વિવાદ એટલો વધ્યો કે એક વ્યક્તિએ બીજા વ્યક્તિને ધક્કો માર્યો. ત્યારપછી લોકોમાં ભાગદોડ મચી ગઈ અને અનેક લોકો પગની નીચે કચડાઈ ગયા.
આ ઘટના બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વિટ કરીને શોક વ્યક્ત કર્યો હતો. તેણે લખ્યું- માતા વૈષ્ણો દેવી ભવનમાં નાસભાગમાં લોકોના મોતથી હું ખૂબ જ દુઃખી છું. શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી. તેમજ ઘાયલોને જલ્દી સ્વસ્થ થવાની કામના કરી હતી. પીએમ મોદીએ કહ્યું છે કે જમ્મુ અને કાશ્મીરના કટરા ખાતે માતા વૈષ્ણો દેવી ભવનમાં થયેલી નાસભાગમાં જીવ ગુમાવનારા લોકોના પરિવારોને PMNRF તરફથી દરેકને 2 લાખ રૂપિયાની એક્સ-ગ્રેશિયા રકમ આપવામાં આવશે. તે જ સમયે, ઘાયલોને 50,000 રૂપિયા આપવામાં આવશે.