Air India Flight: દિલ્હી-મુંબઈ ફ્લાઇટમાં આકાશ વચ્ચે ફરીએક્વાર મોતનું તાંડવ સર્જાતા રહી ગયું. ટેક-ઓફની ગણતરીની મિનિટોમાં એર ઇન્ડિયાના વિમાનનું એન્જિન હવામાં જ બંધ થઈ ગયું. જો કે આ વખતે પાયલટની સમજદારીથી પ્લેનને તાત્કાલિક દિલ્હી પરત લાવી સુરક્ષિત લેન્ડિંગ કરાવાતા સેંકડો મુસાફરોએ રાહતનો શ્વાસ લીધો હતો.
ફરીએક્વાર મોટી જાનહાનિ ટળી
સોમવારની સવારે દિલ્હીથી મુંબઈ જઈ રહેલી એર ઇન્ડિયાની એક ફ્લાઇટમાં ઉડાન ભર્યાની થોડી જ વારમાં ટેકનિકલ ખામી સર્જાઈ હતી. અચાનક બોઈંગ 777 વિમાનનું જમણું એન્જિન બંધ થઈ ગયું હતું, ત્યારબાદ પાયલટોએ તાત્કાલિક વિમાનને દિલ્હી પરત લાવવાનો નિર્ણય લીધો હતો. વિમાને દિલ્હી એરપોર્ટ પર સુરક્ષિત રીતે લેન્ડિંગ કર્યું હતું. જો કે સમયસર ફ્લાઇટ લેન્ડિંગ થતાં તમામ મુસાફરો સંપૂર્ણપણે સુરક્ષિત રહ્યા હતા ને ફરીએક્વાર મોટી જાનહાનિ સર્જાતાં ટળી હતી. આ ફ્લાઇટ AI 887 સવારે 6:10 વાગ્યે રવાના થઈ હતી અને આશરે 6:52 વાગ્યે દિલ્હી પરત પહોંચી ગઈ હતી.
ખામીની જાણ થતા જ વિમાન પરત વાળ્યું
આ વિમાન બે એન્જિન ધરાવતું હતું, જેના કારણે એક એન્જિન બંધ થવાની સ્થિતિમાં પણ સુરક્ષિત લેન્ડિંગ સરળતાથી થઈ શકે છે. એર ઇન્ડિયાના અધિકારીઓના જણાવ્યા અનુસાર, પાયલટોએ કોઈપણ પ્રકારનું જોખમ લીધા વિના સુરક્ષાને પ્રાથમિકતા આપી હતી. જેવી ટેકનિકલ ખામીની જાણ થઈ, તરત જ એર ટ્રાફિક કંટ્રોલને જાણ કરવામાં આવી અને વિમાનને પરત વાળવામાં આવ્યું હતું. મુસાફરોમાં ગભરાટ ન ફેલાય તે માટે ક્રૂ મેમ્બર્સ સતત તેમને પરિસ્થિતિની જાણકારી આપતા રહ્યા હતા.
મુસાફરો માટે કરવામાં આવી વૈકલ્પિક વ્યવસ્થા
આ ઘટના બાદ નાગરિક ઉડ્ડયન મહાનિદેશાલય (DGCA) એ પણ સમગ્ર મામલા પર નજર રાખી હતી. DGCA એ માત્ર એન્જિનમાં આવેલી ખામીની તપાસ જ શરૂ નથી કરી, પરંતુ મુસાફરોને ઓછામાં ઓછી તકલીફ પડે તે પણ સુનિશ્ચિત કર્યું હતું. એર ઇન્ડિયાએ તાત્કાલિક બીજા વિમાનની વ્યવસ્થા કરી અને અન્ય એક બોઇંગ 777 વિમાન દ્વારા મુસાફરોને મુંબઈ મોકલવાની તૈયારી કરી હતી. આ સાથે જ મુસાફરોને બોર્ડિંગ ગેટ પર રિફ્રેશમેન્ટ પણ પૂરું પાડવામાં આવ્યું હતું.
વિમાનની અંદર તપાસ ચાલી રહી છે
આ દરમ્યાન એર ઈન્ડિયાના એક પ્રવક્તાએ જણાવ્યું હતું કે, મુસાફરોની સુવિધાનું સંપૂર્ણ ધ્યાન રાખવામાં આવ્યું હતું અને બીજા વિમાનમાં સવારે 9:06 વાગ્યાથી બોર્ડિંગ શરૂ કરવામાં આવ્યું હતું. આ દરમિયાન ગ્રાઉન્ડ સ્ટાફ દ્વારા મુસાફરોને શક્ય તમામ મદદ કરવામાં આવી હતી, જેથી તેમની યાત્રામાં વધુ વિલંબ ન થાય. ઘણા મુસાફરોએ એરલાઇન દ્વારા કરવામાં આવેલી તાત્કાલિક વ્યવસ્થાની પ્રશંસા પણ કરી છે.
એર ઈન્ડિયાએ નિવેદન જારી કરીને જણાવ્યું હતું કે, આ નિર્ણય સ્ટાન્ડર્ડ સેફ્ટી પ્રોટોકોલ હેઠળ લેવામાં આવ્યો હતો. વધુમાં એરલાઇને મુસાફરોને પડેલી અસુવિધા બદલ ખેદ વ્યક્ત કર્યો છે અને જણાવ્યું છે કે વિમાનની ઝીણવટભરી તપાસ કરવામાં આવી રહી છે. કંપનીએ ફરી એકવાર ભારપૂર્વક કહ્યું કે મુસાફરો અને ક્રૂ મેમ્બર્સની સુરક્ષા તેમની સર્વોચ્ચ પ્રાથમિકતા છે.