Electricity Connection: હવે દેશમાં નવું વીજળી કનેક્શન મેળવવા માટે તમારે વધુ રાહ જોવી નહીં પડે. વીજળી મંત્રાલયે કનેક્શન આપવા માટે નિર્ધારિત દિવસોની સંખ્યામાં ઘટાડો કર્યો છે. હવે તે મેટ્રોપોલિટન વિસ્તારોમાં ત્રણ દિવસ, મ્યુનિસિપલ વિસ્તારોમાં સાત દિવસ અને ગ્રામીણ વિસ્તારોમાં 15 દિવસમાં ઉપલબ્ધ થશે.
રૂફટોપ પર સ્થાપિત સોલાર યુનિટ માટે પણ નિયમોને સરળ બનાવાયા છે. આ માટે, સરકારે વીજળી (ગ્રાહક અધિકાર) નિયમો, 2020 માં સુધારાને મંજૂરી આપી છે. ખાસ વાત એ છે કે હવે જે લોકો પાસે ઈલેક્ટ્રિક વ્હીકલ (EV) છે તેઓ તેને ચાર્જ કરવા માટે અલગથી વીજળી કનેક્શન મેળવી શકશે.
ઉર્જા મંત્રાલયે જણાવ્યું હતું કે નવા વીજ જોડાણ મેળવવાનો સમયગાળો મેટ્રોપોલિટન વિસ્તારોમાં સાત દિવસથી ઘટાડીને ત્રણ દિવસ, અન્ય મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારોમાં 15 દિવસથી ઘટાડીને સાત દિવસ અને ગ્રામીણ વિસ્તારોમાં 30 દિવસથી ઘટાડીને 15 દિવસ કરવામાં આવ્યો છે. પરંતુ પહાડી વિસ્તારોના ગ્રામીણ વિસ્તારોમાં નવા કનેકશન લેવા અથવા હાલના જોડાણોમાં સુધારો કરવા માટેનો સમયગાળો પહેલા જેવો જ રહેશે.
હાઉસિંગ સોસાયટીઓ, બહુમાળી ઇમારતો, રહેણાંક વસાહતોમાં રહેતા વીજ ગ્રાહકોને પોતાના માટે વીજ વિતરણ કંપની પાસેથી અલગ ડાયરેક્ટ કનેક્શન અથવા સમગ્ર સોસાયટી માટે સિંગલ પોઇન્ટ કનેક્શન લેવાનો વિકલ્પ હશે.
સિંગલ પોઈન્ટ કનેક્શનથી વીજળી લેતા ગ્રાહકો અને અલગ વીજ જોડાણ લેનારા ગ્રાહકો પાસેથી વસૂલવામાં આવતા ટેરિફમાં સમાનતા લાવવામાં આવી છે. ડિસ્ટ્રિબ્યુશન કંપની પાસેથી ડાયરેક્ટ કનેક્શન લેનારાઓનું અલગ બિલિંગ હશે. તેવી જ રીતે રેસિડેન્શિયલ એસોસિએશન દ્વારા બેકઅપ પાવર સપ્લાય માટે અલગ બિલિંગ હશે અને સામાન્ય વિસ્તાર માટે પણ અલગ બિલિંગ હશે.
જો કોઈ ગ્રાહક વીજ બિલ અંગે ફરિયાદ કરે છે, તો વીજ વિતરણ કંપનીએ ફરિયાદ મળ્યાના 5 દિવસની અંદર વધારાનું મીટર ઇન્સ્ટોલ કરવું પડશે. આ મીટર દ્વારા આગામી 3 મહિના માટે ગ્રાહકોના વીજ વપરાશની ચકાસણી કરવામાં આવશે. જેથી વીજ બિલ અંગે ગ્રાહકોમાં વિશ્વાસ પેદા કરી શકાય.
સરકારે 10 કિલોવોટથી વધુ ક્ષમતા ધરાવતી સોલર પેનલના ઇન્સ્ટોલેશન માટેની વેરિફિકેશન સમય મર્યાદા પણ 20 થી ઘટાડીને 15 દિવસ કરી છે. જો વેરિફિકેશન 15 દિવસમાં પૂર્ણ નહીં થાય, તો એવું માનવામાં આવશે કે ગ્રાહકને મંજૂરી આપવામાં આવી છે.