Modi Speech: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજ્યસભામાં વિપક્ષના ‘કબર ખુદેગી’ નારા પર આકરો વળતો પ્રહાર કર્યો છે. PM મોદીએ કોંગ્રેસને સવાલ કર્યો કે આ કયા પ્રકારની ‘મોહબ્બતની દુકાન’ છે જે દેશના નાગરિકની કબર ખોદવાના સપના જુએ છે? તેમણે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે કોંગ્રેસ PM પદને પોતાની જાગીર સમજે છે, તેથી જ તેઓ નફરત ફેલાવી રહ્યા છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજ્યસભામાં વિરોધ પક્ષોના દરેક પ્રહારનો મજબૂતીથી જવાબ આપ્યો છે. PM મોદીએ કહ્યું કે કોંગ્રેસ વડાપ્રધાનની ખુરશી પર માત્ર પોતાનો જ હક સમજે છે. જ્યારે એક સામાન્ય પરિવારનો વ્યક્તિ છેલ્લા 11 વર્ષથી આ પદ પર બેઠો છે, ત્યારે કોંગ્રેસ આ સત્ય સ્વીકારી શકતી નથી. આ જ નફરતને કારણે કોંગ્રેસના નેતાઓ હવે પીએમ મોદીની કબર ખોદવાના નારા લગાવી રહ્યા છે.
PM મોદીએ ભાષણ દરમિયાન કોંગ્રેસની આ નફરત પાછળના કારણો પણ વિગતવાર સમજાવ્યા હતા. તેમણે કહ્યું કે મેં કલમ 370ની દીવાલ તોડી પાડી છે, તેથી કોંગ્રેસ મારી કબર ખોદવા માંગે છે. આ ઉપરાંત, નોર્થ ઈસ્ટમાં આતંકવાદ ખતમ કરીને શાંતિ સ્થાપવાને કારણે પણ વિપક્ષી નેતાઓ પરેશાન છે. પાકિસ્તાની આતંકીઓને તેમના ઘરમાં ઘૂસીને જવાબ આપવાના નિર્ણયથી કોંગ્રેસને દુખ થઈ રહ્યું છે.
PM મોદીએ વધુમાં જણાવ્યું કે દેશના યુવાનો માટે મજબૂત પાયો તૈયાર કરવાનું કામ ચાલી રહ્યું છે, જે કોંગ્રેસને પસંદ નથી આવતું. માઓવાદ અને આતંકવાદ સામે લીધેલા સાહસિક પગલાંઓને કારણે કોંગ્રેસ હવે વ્યક્તિગત નફરત પર ઉતરી આવી છે. તેમણે કટાક્ષ કર્યો કે કોંગ્રેસ જે સમસ્યાઓને 60 વર્ષ સુધી પાળી-પોષીને મોટી કરી હતી, તેનું સમાધાન મોદી એક પછી એક લાવી રહ્યા છે, જે તેમનાથી સહન થતું નથી.
છેલ્લે PM મોદીએ ઉમેર્યું કે દેશના જવાનો માટે સરકારી તિજોરીના દ્વાર ખોલી દેવાને કારણે વિપક્ષ પાસે હવે કોઈ રસ્તો બચ્યો નથી. જ્યારે કોંગ્રેસને પોતાની સત્તા જતી દેખાઈ રહી છે, ત્યારે તેઓ આવા નારા લગાવીને પોતાની હતાશા કાઢી રહ્યા છે. વડાપ્રધાને સ્પષ્ટ કર્યું કે કોંગ્રેસના નેતાઓ ભલે તેમની કબર ખોદવાની પ્રાર્થના કરે, પરંતુ તેઓ દેશના વિકાસ માટે અડગ રહીને કામ કરતા રહેશે.