Politics News: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વારાણસી લોકસભા સીટ પર સતત ત્રીજી વખત જીત મેળવી છે. પીએમ મોદીએ કોંગ્રેસના અજય રાયને હરાવ્યા છે. ઉત્તર પ્રદેશ કોંગ્રેસના વડા અને વારાણસી લોકસભા સીટના ઉમેદવાર અજય રાયે કહ્યું, “વડાપ્રધાન મોદી 3 કલાક પાછળ રહ્યા હતા. 1.5 લાખ મતોથી જીતવામાં તેમનો પરસેવો છૂટી ગયો હતો. રાહુલ ગાંધી રાયબરેલીથી 4 લાખ મતોથી જીતી રહ્યા છે. આ સાબિત કરે છે કે ભારતમાં રાહુલ ગાંધીની લોકપ્રિયતા મોદી કરતા ઘણી વધારે છે.
લોકસભા ચૂંટણી 2024ના પરિણામોનું ચિત્ર હવેથી થોડા સમયમાં સ્પષ્ટ થઈ જશે. કેન્દ્રમાં કોની સરકાર બનશે તે આજે નક્કી થશે. દેશની 542 સીટોની મતગણતરી ચાલી રહી છે. પ્રારંભિક વલણોમાં ભાજપના નેતૃત્વમાં ગઠબંધન એનડીએ 295 બેઠકો પર આગળ છે, જ્યારે વિપક્ષી ગઠબંધન I.N.D.I.A. 229 સીટો પર આગળ છે.
બહુમત માટે 272 સીટોનો જાદુઈ આંકડો પાર કરવો પડશે. જો અત્યાર સુધી સામે આવેલા આંકડાઓની વાત કરીએ તો ભાજપ 242 સીટો પર આગળ છે, પરંતુ અહીં સૌથી નોંધનીય વાત એ છે કે બિહાર અને આંધ્રપ્રદેશમાં એનડીએ ગઠબંધન પાર્ટીઓ ભાજપ કરતા વધુ અસરકારક સાબિત થઈ રહી છે.
છેલ્લી બે ચૂંટણી 2014 અને 2019માં ભાજપે પોતાના દમ પર બહુમત મેળવ્યો હતો, પરંતુ આ વખતે ભાજપ બહુમતીના આંકડાથી ઘણી દૂર જણાય છે. આવી સ્થિતિમાં બિહાર અને આંધ્રની બે પાર્ટીઓ કેન્દ્ર સરકારની રચનામાં કિંગમેકરની ભૂમિકા ભજવતા જોવા મળી શકે છે.