Rajnathsingh: રક્ષામંત્રી રાજનાથ સિંહે ૧ જાન્યુઆરી, ૨૦૨૬ના રોજ DRDO ભવનની મુલાકાત લઈને સંસ્થાના 68 મા સ્થાપના દિવસની ઉજવણી કરી હતી. આ અવસરે તેમણે દેશની સુરક્ષા કાજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા જાહેર કરાયેલા મહત્વકાંક્ષી ‘સુદર્શન ચક્ર’ એર ડિફેન્સ પ્રોજેક્ટમાં DRDOની મુખ્ય ભૂમિકાની જાહેરાત કરી હતી.
ઓપરેશન સિંદૂરના પાઠ અને આધુનિક સુરક્ષા
રક્ષામંત્રીએ ‘ઓપરેશન સિંદૂર’નો ઉલ્લેખ કરતા જણાવ્યું કે, આધુનિક યુદ્ધના સમયમાં મજબૂત એર ડિફેન્સ હોવું અત્યંત જરૂરી છે. ‘સુદર્શન ચક્ર’ પહેલ હેઠળ DRDO આગામી દાયકામાં દેશના તમામ અતિ-સંવેદનશીલ સ્થળોએ અત્યાધુનિક એર ડિફેન્સ સિસ્ટમ તૈનાત કરશે. આ સિસ્ટમ બદલાતા જતા આકાશી જોખમો સામે ભારતને સુરક્ષિત રાખશે.

DRDO: માત્ર ટેક્નોલોજી નહીં, વિશ્વાસનું પ્રતીક
રાજનાથ સિંહે DRDOને માત્ર ટેક્નોલોજી નિર્માતા જ નહીં, પરંતુ રાષ્ટ્ર માટે આશા અને વિશ્વાસનું પ્રતીક ગણાવ્યું હતું. તેમણે ખાનગી ક્ષેત્ર, સ્ટાર્ટ-અપ્સ અને MSMEs સાથેના વધતા સહયોગની પ્રશંસા કરી હતી, જેના કારણે દેશમાં એક મજબૂત સંરક્ષણ ઇકોસિસ્ટમ તૈયાર થઈ છે. તેમણે ઉમેર્યું કે પ્રોજેક્ટ મેનેજમેન્ટ અને ઉદ્યોગો સાથેના જોડાણમાં આવેલા સુધારાથી સમગ્ર સિસ્ટમ વધુ ઝડપી અને ભરોસાપાત્ર બની છે.
2026 નો રોડમેપ અને ભવિષ્યની તૈયારી
DRDOના ચેરમેન સમીર વી. કામતે રક્ષામંત્રીને વર્ષ 2025 ની સિદ્ધિઓ અને 2026 માટેના લક્ષ્યાંકો વિશે માહિતગાર કર્યા હતા. રક્ષામંત્રીએ વૈજ્ઞાનિકોને ગ્લોબલ ટેક્નોલોજી સાથે તાલ મિલાવીને ‘ડીપ ટેક’ અને ‘નેક્સ્ટ જનરેશન ટેક્નોલોજી’ પર ધ્યાન કેન્દ્રિત કરવા આહવાન કર્યું હતું, જેથી ભારત ભવિષ્યના કોઈ પણ યુદ્ધક્ષેત્ર માટે હંમેશા સજ્જ રહે.