ગુજરાતના વેપારીઓ ઉત્તર પ્રદેશમાં ભારતીય જનતા પાર્ટી (BJP)ની સત્તા પરત લાવવાના પ્રયાસમાં વ્યસ્ત છે. આ કામ માટે સુરતના વેપારીઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની તસવીરોવાળી લાખો સાડીઓ તૈયાર કરી રહ્યા છે. આ સાડીઓને ચૂંટણી પહેલા રાજ્યમાં મોકલવામાં આવશે તેવા અહેવાલ છે. યુપીમાં સાત તબક્કામાં ચૂંટણી યોજાવાની છે. 10 ફેબ્રુઆરીથી મતદાન શરૂ થશે. ભારતના ચૂંટણી પંચ દ્વારા જાહેર કરાયેલા કાર્યક્રમ અનુસાર મતગણતરી 10 માર્ચે થશે.
એક અહેવાલ પ્રમાણે સાડીઓ પર ‘જો રામ કો લાયે હૈ, હમ ઉનકો લાયેંગે’, ‘યુપી મેં ફિર ભાગવા લહેરાયેંગે’ જેવા સ્લોગન પણ છપાયેલા છે. આ ઉદ્યોગપતિઓએ મતદારોને આકર્ષવા માટે મોદી-યોગીને ટેકો આપતા પ્રિન્ટ સાડીઓ, કેટલોગ, પેકિંગ બોક્સ અને નમૂનાઓ ડિજિટલી તૈયાર કર્યા છે. જો કે આ પહેલા પણ સુરતના વેપારીઓ રાજકીય પક્ષો તરફથી મળેલા આદેશ મુજબ સાડી, દુપટ્ટા, ડ્રેસ, પાર્ટીના ઝંડા જેવી વસ્તુઓ તૈયાર કરીને મોકલતા રહ્યા છે. આ વખતે ઉદ્યોગપતિઓએ જ યુપીમાં પ્રચાર કરવાનું વિચાર્યું છે.
ભાજપનું પ્રતીક કમળનું ફૂલ ધરાવતી સાડીઓનું જાપાનના બજારમાં અનાવરણ કરવામાં આવ્યું હતું. રિપોર્ટ અનુસાર, ટેક્સટાઈલ યુવા બ્રિગેડના પ્રેસિડેન્ટ લલિત શર્મા કહે છે, ’70 વર્ષમાં પહેલીવાર અયોધ્યામાં એક વિશાળ મંદિર બનાવવામાં આવી રહ્યું છે. આનો સંપૂર્ણ શ્રેય ભાજપ અને પીએમ નરેન્દ્ર મોદીને જાય છે. આ જ કારણ છે કે અમે ઉત્તર પ્રદેશમાં બીજેપી શાસનનું પુનરાવર્તન કરવા માંગીએ છીએ. સુરતમાં ઓર્ડર પર ડિજિટલ પ્રિન્ટ અને 3ડી પ્રિન્ટ સાડીઓ બનાવવામાં આવશે, જે યુપીમાં મોકલવામાં આવશે. પ્રથમ 1000 સાડીઓ અનેક સમુદાયોની મહિલાઓને વિનામૂલ્યે આપવામાં આવશે.
શર્માએ માહિતી આપી, ‘અમે વિધાનસભા ચૂંટણી પહેલા ઉત્તર પ્રદેશમાં લાખો સાડીઓ મોકલીશું.’ કાપડના વેપારી મનોહર સિહાગે કહ્યું, ‘અમે કમળના ફૂલના પ્રતીક સાથે ડિજિટલ સાડીઓ તૈયાર કરી છે. આ સાડીઓ ઉત્તર પ્રદેશના વેપારીઓને વિનામૂલ્યે વિતરણ કરવામાં આવશે. 1 જાન્યુઆરી પહેલા UPના વેપારીઓ GSTમાં 12 ટકાના પ્રસ્તાવિત વધારાથી થોડા નારાજ હતા, પરંતુ GST મોકૂફ રાખવાની કેન્દ્રની જાહેરાતથી તેમને રાહત મળી છે.