દેશમાં તહેવારોની મોસમ શરૂ થઈ ગઈ છે અને રક્ષાબંધન, જન્માષ્ટમી, ગણેશ ચતુર્થી જેવા તહેવારો પૂર્ણ થઈ ગયા છે. હાલ પિતૃપક્ષના દિવસો ચાલી રહ્યા છે અને આ પછી નવરાત્રીનું આગમન થશે અને દશેરા, દિવાળી અને દેવ દીપાવલી જેવા તહેવારો આવશે. તહેવારો દરમિયાન દર વર્ષની જેમ આ વખતે પણ સરકારે ખાદ્યતેલ મોંઘા ન થાય તે માટે વ્યવસ્થા કરી છે.
દર વર્ષની જેમ આ તહેવારો પર ભાવ ન વધવા જોઈએ – સરકારે આપી સલાહ
દર વર્ષે તહેવારોની મોસમમાં, તમે જોયું હશે કે ખાદ્ય તેલ, ચોખા, લોટ વગેરે જેવી ખાદ્ય ચીજોની કિંમતો વધી જાય છે. આ વર્ષે આવું ન થાય તે માટે કેન્દ્રની મોદી સરકારે ખાદ્ય તેલ કંપનીઓને છૂટક ભાવમાં વધારો ન કરવા જણાવ્યું છે. તમને જણાવી દઈએ કે ગયા અઠવાડિયે એટલે કે 14 સપ્ટેમ્બરના રોજ, કેન્દ્રે સ્થાનિક તેલીબિયાંના ભાવને ટેકો આપવા માટે ઘણા પ્રકારના ખાદ્ય તેલોની બેઝિક કસ્ટમ ડ્યુટી (BCD)માં વધારો કર્યો હતો.
કેન્દ્ર સરકારે 14 સપ્ટેમ્બરે પોતાના નિર્ણયમાં ખાદ્યતેલો પરની આયાત ડ્યૂટીમાં વધારો કર્યો હતો, ત્યારબાદ સોયાબીન તેલ, રિફાઈન્ડ, પામ ઓઈલ જેવા ખાદ્ય તેલ મોંઘા થવાની સ્પષ્ટ શક્યતા દેખાઈ રહી છે. જો કે, કેન્દ્ર સરકાર જાણે છે કે લગભગ 30 લાખ ટન તેલનો સ્ટોક પહેલેથી જ ઓછી મૂળભૂત કસ્ટમ ડ્યુટી પર આયાત કરવામાં આવ્યો છે, જે 45 થી 50 દિવસના સ્થાનિક વપરાશ માટે પૂરતો છે. આથી કેન્દ્ર સરકારે ખાદ્યતેલ એસોસિયેશનોને જ્યાં સુધી હાલનો સ્ટોક રહે ત્યાં સુધી ખાદ્યતેલોના ભાવમાં વધારો ન કરવા કડક સૂચના આપી છે.
સરકાર તરફથી શું આદેશ આવ્યો
સરકારે ખાદ્ય તેલ પ્રોસેસર્સને તાજેતરની આયાત જકાત બાદ ખાદ્ય તેલના છૂટક ભાવમાં વધારો ન કરવા જણાવ્યું છે. સરકારે કહ્યું છે કે ઓઈલ પ્રોસેસર્સ પાસે નીચા ભાવે મોકલવામાં આવતા ખાદ્ય તેલનો પૂરતો સ્ટોક છે અને આ કારણે તેમણે તેલની કિંમતો વધારવાનું ટાળવું જોઈએ. જાણો સરકારે બીજું શું કહ્યું-
ખાદ્ય મંત્રાલયે કહ્યું કે પહેલેથી જ આયાત કરેલ સ્ટોક ઓછા ચાર્જમાં 45-50 દિવસ સુધી સરળતાથી ચાલશે. તેથી, ખાદ્ય તેલ પ્રોસેસર્સે મહત્તમ છૂટક કિંમત (MRP) વધારવાનું ટાળવું જોઈએ. એક સરકારી નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે – મુખ્ય ખાદ્ય તેલ એસોસિએશનોને કહેવામાં આવ્યું છે કે જ્યાં સુધી આયાતી ખાદ્ય તેલનો સ્ટોક શૂન્ય ટકા અને 12.5 ટકા બેઝિક કસ્ટમ ડ્યુટી (BCD) પર ઉપલબ્ધ ન થાય ત્યાં સુધી દરેક ખાદ્ય તેલની MRP સમાન રહેશે. જો ભાવ વધારવો જ હોય તો આ બાબત અમારા સભ્યો સમક્ષ તાત્કાલિક ઉઠાવવી જોઈએ.
17મી સપ્ટેમ્બરે જ તેની પુષ્ટિ થઈ હતી
ગયા મંગળવારે ખાદ્ય સચિવ સંજીવ ચોપરાએ સોલવન્ટ એક્સટ્રેક્શન એસોસિયેશન ઓફ ઈન્ડિયા (SEA), ઈન્ડિયન વેજીટેબલ ઓઈલ પ્રોડ્યુસર્સ એસોસિએશન (IVPA) અને સોયાબીન ઓઈલ પ્રોડ્યુસર્સ એસોસિએશન (SOPA) ના પ્રતિનિધિઓ સાથે ભાવ વ્યૂહરચના અંગે ચર્ચા કરવા માટે બેઠક યોજી હતી. તમામ ઓઈલ એસોસિએશનોને કહેવામાં આવ્યું છે કે સરકાર પાસે સસ્તી કસ્ટમ ડ્યુટી સાથે અગાઉ આયાત કરાયેલા તેલની સંપૂર્ણ માહિતી છે.
જાણો નવી કસ્ટમ ડ્યુટી શું છે ?
ક્રૂડ સોયાબીન ઓઈલ, ક્રૂડ પામ ઓઈલ અને ક્રૂડ સનફ્લાવર ઓઈલ પર બેઝિક કસ્ટમ ડ્યુટી શૂન્યથી વધારીને 20 ટકા કરવામાં આવી છે. આ પછી કાચા તેલ પરની ડ્યુટી વધીને 27.5 ટકા થઈ ગઈ છે. આ સિવાય રિફાઈન્ડ પામ ઓઈલ, રિફાઈન્ડ સનફ્લાવર ઓઈલ અને રિફાઈન્ડ સોયાબીન ઓઈલ પર બેઝિક કસ્ટમ ડ્યુટી 12.5 ટકાથી વધારીને 32.5 ટકા કરવામાં આવી છે. આ સાથે રિફાઈન્ડ ઓઈલ પર લાગુ ડ્યૂટી વધીને 35.75 ટકા થઈ ગઈ છે.
જો તમારે 32 દાંત હોય તો રાજાની જેમ મળશે ત્રણેય લોકના સુખ! જાણો 28, 29 અને 30 વાળાનું શું થાય?
સરકારે કસ્ટમ ડ્યુટી કેમ વધારી ?
સ્થાનિક તેલીબિયાં ખેડૂતોને પ્રોત્સાહન આપવા માટે, સરકારે આયાત ડ્યુટી વધારવાનો નિર્ણય કર્યો, કારણ કે ઓક્ટોબર 2024 થી બજારમાં આવતા સોયાબીન અને મગફળીના નવા પાકને કારણે આ પગલું જરૂરી હતું. કારણ કે ભારત સ્થાનિક માંગને પહોંચી વળવા ખાદ્યતેલની મોટા પ્રમાણમાં આયાત કરે છે. ભારતની કુલ તેલ જરૂરિયાતોના 50 ટકાથી વધુ આયાતમાંથી આવે છે.